સુરત: સુરત મનપાની દબાણ ટીમ પર હુમલો થવાનો સિલસિલો એસઆરપીની ટીમ આવ્યા બાદ પણ અટકતો નથી. ત્યારે ગુરુવારે મનપાના વરાછા ઝોનમાં અર્ચના સ્કૂલથી આઇમાતા સર્કલ તરફ જતા રોડ પરના બીઆરટીએસની સર્વિસ લાઇનમાં કબજો જમાવીને બજાર ભરતા માથાભારે દબાણકર્તાઓને હટાવવા ગયેલા વરાછા ઝોન-એના સ્ટાફને ઘેરી લઇ ટપલી દાવ કરાતાં વાતાવરણ ગરમાયું હતું. મનપાના અધિકારીઓએ પોલીસની મદદ માંગી હોવા છતાં પોલીસ મૂક પ્રેક્ષકની ભૂમિકામાં રહી હોવાના આક્ષેપ ઊઠ્યા છે. તેમજ ચારેબાજુથી ઘેરાઇ ગયેલા મનપાના સ્ટાફ તેમજ એસઆરપી જવાનોએ જીવ બચાવવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જો કે, દબાણકર્તાઓ એટલી હદે તોફાને ચડ્યા હતા કે, મનપાના સ્ટાફે કોઇ કાર્યવાહી વગર પરત ફરવું પડ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ વરાછા ઝોનમાં ખાસ કરીને સીતાનગર ચોક, ગાયત્રીનગર રોડ વગેરે જગ્યાએ બીઆરટીએસના સર્વિસ રોડ પર દબાણકર્તાઓનો કબજો છે. આવા જ બીજા રોડ અર્ચના સ્કૂલથી આઇમાતા સર્કલ જતા રસ્તા પર માથાભારે દબાણકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં સર્વિસ રોડ પર બજાર ભરાય છે, જેમાં શાકભાજીથી માંડીને અનેક ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાથી ભારે ટ્રાફિક થાય છે. આ દબાણકર્તાઓને હટાવવા માટે વરાછા ઝોન-એનો સ્ટાફ 10 એસઆરપી, 10 સિક્યુરિટી ગાર્ડ અને અન્ય દળકટક સાથે ગયો હતો, અને દબાણકર્તાઓની લારીઓ જપ્ત કરી વાહનોમાં ભરતા હતા, ત્યારે અચાનક 500થી 700 લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને મનપાના સ્ટાફને ઘેરી લઇ ટપલી દાવ કરી સામાન પાછો છીનવી લીધો હતો. એટલું જ નહીં એસઆરપી જવાનોને પણ ઘેરી લઇ ઝપાઝપી કરવા માંડતાં એસઆરપીએ જીવ બચાવવા હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. મનપાના અન્ય સ્ટાફને જીવ બચાવવા નાસી જવું પડ્યું હતું.
આ ઘટનામાં મોટી વાત એ છે કે, વરાછા ઝોન દ્વારા અહીં દબાણ હટાવવાની કામગીરી વખતે સંભવિત ઘર્ષણને ધ્યાને રાખી પોલીસનો સહકાર માંગ્યો હતો. પરંતુ બે-ત્રણ દિવસ સુધી પોલીસે ગલ્લાતલ્લા કર્યા હતા, એટલું જ નહીં ગુરુવારે હોબાળો થતાં જ મનપાના અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. પરંતુ અડધા કલાક સુધી પોલીસની મદદ મળી ન હતી. અડધા કલાક બાદ માત્ર એક પોલીસકર્મી આવ્યો હતો. જે માહોલ જોઇને ચાલ્યા ગયા બાદ ઘણા વિલંબ પછી પોલીસની ગાડી આવી તેમાં પણ માત્ર બે પોલીસકર્મી હતા.
દબાણકર્તાઓનું નાટક, મનપાના કર્મચારીઓને પગે પડી વિડીયો બનાવ્યા
અર્ચના સ્કૂલવાળા રસ્તા પર દબાણો હટાવવા ગયેલા મનપાના સ્ટાફને ઘેરી લઇ પથ્થરમારો અને ટપલી દાવ કરાયા બાદ એસઆરપી જવાનોએ જીવ બચાવવા માટે ટોળામાંથી બહાર નીકળવા હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેથી દબાણકર્તાઓને જાણે ફાવતું મળી ગયું હોય તેમ લાઠીચાર્જના વિડીયો બનાવી ફરતા કર્યા હતા. એટલું જ નહીં મનપાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પાસે જઇ પગમાં આળોટવા માંડ્યા હતા અને અમને મારી નાંખો…અમને મારી નાંખો એવા પોકારો કરતાં વિડીયો ઉતાર્યા હતા. જેથી મનપાનો સ્ટાફ મૂંઝવણમાં મુકાઇ ગયો હતો.