સુરત: (Surat) શહેરમાં ક્યાંય કોઈ ખાનગી કે જાહેર પ્લોટ પર અનઅધિકૃત બાંધકામ થયું હોય કે રસ્તા પર લારીનું દબાણ ઉભું થયું હોય આવા ગેરકાયદે બાંધકામ, દબાણો દૂર કરવાની જેની જવાબદારી છે તે સુરત મનપાના નાક નીચે જ મનપાની કરોડોની જમીન પર ગેરકાયદે કબજો થઈ ગયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. કબ્જો કરનારે કાયદેસર જમીનની ફરતે પતરાંની વાડ બનાવી જમીન પર ખેતી કરવા માંડી છે.
- અડાજણ કેબલ બ્રિજના છેડે એક્વેરિયમને અડીને આવેલી મનપાની જમીન ઉપર ગેરકાયદે કબજા દૂર કરવા માંગ
- કરોડો રૂપિયાની જગ્યામાં પતરાં મારીને અંદરની બાજુએ થોડા ભાગમાં ખેતી શરૂ કરાઈ
- કબ્જો કરનારા હાઈકોર્ટમાં પોતાની માલિકીનો દાવો કર્યો
- પૂર્વ ડે.મેયર નીરવ શાહે મેયરને લેખિતમાં જાણ કરી
રાંદેર ઝોનમાં (Rander Zone) અડાજણ (Adajan) વિસ્તારમાં કેબલ બ્રિજના (Cable Bridge) છેડે અડાજણ એક્વેરિયમને (Aquarium) અડીને બે રોડ કોર્નરની મનપાની (SMC) જગ્યા (Land) પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે અને તેઓ અહીં ચારેતરફ પતરાં મારીને અંદરની સાઈડ પર થોડા ભાગમાં ખેતી કરતા છે તેવું બતાવીને અનઅધિકૃત કબજો થઈ રહ્યો છે અને તેઓ હાઈકોર્ટમાં પોતાનો કબજો બતાવવા માંગી રહ્યા છે. જેથી મનપા પોતાની કરોડોની જમીન પર કબજો મેળવે તેવી માંગ પૂર્વ ડે.મેયર નીરવ શાહે કરી છે અને મેયર તેમજ રાંદેર ઝોનમાં આ અંગે લેખિતમાં જાણ કરી રજૂઆત પણ કરી છે.
રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે, ટાઉન પ્લાનિંગ વિભાગના શહેર વિકાસ અધિકારીના જણાવ્યા મુજબ રાંદેર ઝોન વિસ્તારમાં આવેલી અડાજણના રે.સ.નં. 690 વાળી જગ્યાનો સમાવેશ મંજૂર ફાઇનલ ટી.પી. સ્કીમ નં.10 (અડાજણ)માં થાય છે. મંજૂર વિકાસ નકશા-2035 મુજબ આ જગ્યા રિક્રિએશન ઝોનમાં સમાવિષ્ટ છે. જમીનની માલિકીના અદ્યતન રેવન્યુ રેકર્ડ 7/12 મુજબ આ જગ્યાની માલિકી સુરત મહાનગરપાલિકાની છે. હાલમાં સુરત મહાનગરપાલિકાની કરોડો રૂપિયાની મૂલ્ય ધરાવતી ખુલ્લી જગ્યા પર અનઅધિકૃત કબજો કરી રહ્યા છે. ભૂતકાળમાં આ જગ્યા સુરત મહાનગરપાલિકાએ કેબલ બ્રિજના કામ માટે ગેમન ઈન્ડિયા અને યુનિક કન્સ્ટ્રક્શનને આપી હતી. તો પછી કોની રહેમ હેઠળ આ કબજો જે-તે પાર્ટી કરી રહી છે તે તપાસ કરવી જરૂરી છે અને મનપા તાકીદે આ જમીનનો કબજો મેળવે તેવી રજૂઆત નીરવ શાહ દ્વારા કરવામાં આવી છે.