સુરત: સુરત મનપાનું હદ વિસ્તરણ કરાતાં 27 ગામ અને 2 નગરપાલિકાનો સમાવેશ કરાયો છે. અને હવે મનપા દ્વારા તબક્કાવાર નવા વિસ્તારોમાં વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. મનપામાં સમાવાયેલા નવા કતારગામ ઝોનના ઉમરા અને ગોથાણ અને વરાછા વિસ્તારમાં સમાવાયેલા વેલંજા અને અબ્રામા વિસ્તારમાં 132 કરોડના ખર્ચે સુએઝ સિસ્ટમ નાંખવા માટેના અંદાજો ગટર સમિતિની મીટિંગમાં મંજૂર કરાયા હતા.
- કતારગામના ઉમરા અને ગોથાણ તેમજ વરાછાના વેલંજા, અબ્રામામાં મચ્છરના ઉપદ્રવથી લોકો હેરાન
- ગંદા પાણીને સીધું જ ખાડીમાં ડિસ્ચાર્જ કરવાના લીધે અને ખેતરના ગટરમાં પાણી ભરાવાના લીધે મચ્છરોનો ત્રાસ
- મનપામાં સમાવાયેલા નવા વિસ્તારમાં 132 કરોડના ખર્ચે સુએઝ પમ્પિંગ સ્ટેશન બનાવાશે
ગટર સમિતિના ચેરમેન વિક્રમ પાટીલે જણાવ્યું હતું કે, આ નવા વિસ્તારોમાં હાલ અંશત: ડ્રેનેજ નેટવર્ક કાર્યરત છે. હાલમાં અહીં કોઈ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત નથી. અને મોટા ભાગની સોસાયટીઓ તથા ગામતળના મલીન જળને કોઈપણ પ્રકારે શુદ્ધ કર્યા વગર સીધું જ ખાડીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. ખેતરોમાં ગટરના પાણીના ભરાવાને કારણે મચ્છર ઉપદ્રવની પણ સમસ્યા વધી રહી છે. જેથી હવે અહી સુએઝ પમ્પિંગ સ્ટેશન બનાવાશે. જે જગ્યાએ આ પમ્પિંગ સ્ટેશનો બનાવવાના છે, તે જગ્યાનો કબજો મેળવવામાં 3 વર્ષનો સમય લાગી જાય તેમ હોય, ગોથાણ અને ઉમરામાંથી પસાર થતા વરિયાવ-કઠોર સ્ટેટ હાઈવેની બંને બાજુ ડ્રેનેજ નેટવર્કની ડિઝાઈન પ્રમાણે લાઈનો નાંખી વિવિધ સોસાસટીની ગટર લાઈનને કામચલાઉ ધોરણે જોડાણ કરાશે. અને ગોથાણ રેલવે ઓવરબ્રિજની બાજુમાં હંગામી ધોરણે 50 લાખના ખર્ચે 2 એમ.એલ.ડી. ક્ષમતાનું મશીન હોલ પમ્પિંગ સ્ટેશન બનાવાશે અને 3 કરોડના ખર્ચે 2 એમ.એલ.ડી. ક્ષમતાનો ફેબ્રિકેટેડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું નક્કી કરાયું છે. અને ગંદા પાણીને ટ્રીટ કરી ખાડીમાં ડિસ્ચાર્જ કરાશે. તેમજ કાયમી ધોરણે 132 કરોડના ખર્ચે સુએઝ પમ્પિંગ સ્ટેશન બનાવવાના અંદાજો મંજૂર કરાયા હતા.
સુરતીઓને બોરવેલના રિચાર્જ માટે મહાપાલિકા દ્વારા 70 ટકા સુધીની ગ્રાન્ટ અપાશે
સુરત: વિયર કમ કોઝવે બન્યા બાદ છેલ્લા 25 વર્ષમાં કોઝવેના ડાઉન સ્ટ્રીમની બંને બાજુના ભૂગર્ભ જળના સ્તરમાં ધરખમ ઘટાડો થયો છે. વોલ ટુ વોલ કાર્પેટ અને સિમેન્ટ કોંક્રીટના રસ્તા બનાવવાના કારણે વરસાદી સિઝનમાં પાણીના નિકાલની પ્રક્રિયા કરવામાં આવતી નથી. જેથી ભુર્ગભ જળ સ્તરમાં થઈ રહેલો ઘટાડો ચિંતાનો વિષય છે.
ભૂગર્ભ જળ સ્તર વધે તે માટે પાણી સ્ટોરેજ કરવા મહાપાલિકાની કવાયત
રાજ્ય સરકાર દ્વારા બિલ્ડિંગ પ્લાન મંજૂર કરતી વખતે ભૂગર્ભ જળ રિચાર્જની જોગવાઈનો અમલ ફરજિયાત કરવામાં આવ્યો છે પરંતુ આ જોગવાઈ માત્ર કાગળ પર છે. જે માટે વખતો વખત મનપા દ્વારા પણ ઘણા પગલા લીધા છે પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. અને હવે મનપા દ્વારા જે પણ સોસાયટીઓ દ્વારા રિચાર્જ બોરવેલ બનાવવામાં આવશે તેનો 60 થી 70 ટકા ખર્ચ માટે મનપા દ્વારા ગ્રાંટ આપવામાં આવશે તેમ નક્કી કરાયું છે. જે માટે મનપા દ્વારા ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે. નાના ઘર, રો હાઉસ એપાર્ટમેન્ટ કે હાઈ રાઇસ બિલ્ડિંગમાં અલગ અલગ પ્રકારની પાણી સ્ટોરેજ માટેની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. એસવીએનઆઈટી કોલેજના નિષ્ણાંતો દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેને માટે જે ખર્ચો થશે તે ખર્ચના 60 થી 70 ટકા ખર્ચ મનપા ભોગવશે એટલે કે, ગ્રાંટ આપશે.