સુરત: (Surat) સુરત મનપાની (Corporation) શુક્રવારે મળેલી સામાન્ય સભામાં રસ્તાના ખાડાનો મુદ્દો ગાજ્યો હતો. હવે શહેરના લગભગ રસ્તા રિપેર થઈ ચૂક્યા છે. ત્યારે ચુંટાયેલા નગરસેવકોને જાણે ખાડા યાદ આવ્યા હતા. અને જાણે નગરસેવકોએ જાતે રસ્તા રિપેર કર્યા હોય તેમ ખાડા પૂરવાની કામગીરીની વાહવાહી લૂંટી હતી. ભાજપના (BJP) નગરસેવકોએ આપ પર નિશાન સાધીને કહ્યું હતું કે, શહેરમાં ખાડા પુરાવવાના હતા અને લોકોની સાથે ઊભા રહેવાનો વખત હતો ત્યારે આપવાળા ગાંધીનગરની ચૂંટણીમાં વ્યસ્ત હતા. ત્યારે આપે (AAP) જવાબ આપ્યો હતો કે, તમારી જનઆશીર્વાદ યાત્રાને કારણે રસ્તા રિપેર કરાવ્યા છે. વિપક્ષ આમ આદમી પાર્ટીના નગર સેવકોએ શાસકોને ભીંસમાં લેવા પ્રયાસ કર્યા હતા. ખાસ કરીને સુમન હાઇસ્કુલમાં સીધી જ નોમજોગ ભરતી માટેના સ્થાયી સમિતિ અને સામાન્ય સભાના ઠરાવ વચ્ચેની વિસંવાદીતા મુદ્દે શાસકો બેકફુટ પર જણાયા હતા. વિપક્ષના નગર સેવક મહેશ અણઘડે રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે, પ્રશ્નોતરી કાળમાં વિપક્ષના પ્રશ્નોને કોઇને કોઇ કારણ આપી ઉડાવી દેવામાં આવે છે. અને કામ પર ચર્ચા કરીએ તો સમયનો અભાવ બતાવી બોલવા દેવાતા નથી. અને અહી જે ઠરાવો થાય છે તેમાં બારોબાર ફેરફાર કરી દેવામાં આવે છે. તો અમે શું અહી મંજીરા વગાડવા આવીએ છીએ? શાસકો વિપક્ષના આ વેધક સવાલોના જવાબ આપી શકયા નહોતા.
તમે ગાંધીનગરની ચૂંટણીમાં વ્યસ્ત હતા, ત્યારે મેયર, ડે.મેયરે દત્તક લીધેલા વિસ્તારોમાં ખાડા પુરાવ્યા: વ્રજેશ ઉનડકટ
ભાજપના નગરસેવક વ્રજેશ ઉનડકટે સામાન્ય સભામાં આપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, શહેરમાં જે રીતે શહેરના પોશ વિસ્તાર પાલ અને અઠવામાં બે ઓવરબ્રિજોનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું તે જ રીતે વરાછા, કતારગામ વિસ્તારમાંથી પણ અમને ફોન આવે છે કે, અમારા પણ ઓવરબ્રિજનું બ્યુટિફિકેશન કરવામાં આવે. ‘આપ’ના નગરસેવકોને ટાર્ગેટ કરતાં તેમણે કહ્યું હતું કે, લોકોની વચ્ચે રહીને કામ કરવું પડે. માત્ર સોશિયલ મીડિયામાં કલર કરવાથી કંઈ થતું નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આપના સભ્યો ગાંધીનગરની ચૂંટણીમાં વ્યસ્ત હતા ત્યારે તેમના સ્થાનિક વિસ્તારોમાં મેયર અને ડે.મેયરે ખાડા પુરાવ્યા છે. ભાજપવાળા ભેદભાવ નથી કરતા.
જે લોકોએ તમને મત આપ્યા છે તેમની સમસ્યા પર ધ્યાન આપો: અમિતસિંહ રાજપૂત
સામાન્ય સભામાં શાસક પક્ષ નેતા અમિતસિંગ રાજપૂતે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, જ્યારે ઉકાઈ ડેમમાંથી દોઢથી પોણા બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ત્યારે વરાછા, કતારગામ કાપોદ્રા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ગટરિયા પાણી ભરાવાની અને શહેરમાં પૂરની દહેશત હતી. તે સમયે વિપક્ષના સભ્યોએ લોકોની વચ્ચે લોકોની સાથે ઊભું રહેવું જોઈએ. જેની જગ્યાએ વિપક્ષના સભ્યો જરૂરિયાતના સમયે સ્થાનિક લોકોનો સાથ છોડી ગાંધીનગરની ચૂંટણીમાં પ્રચાર માટે નીકળી ગયા હતા. તેમજ તેમના વિસ્તારની ખાડાની સમસ્યા માટે લોકોની ફરિયાદ સાંભળવા પણ હાજર ન હતા. શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂતે આપને કહ્યું હતું કે, તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે, જે લોકોએ તમને મત આપ્યા છે તેમની સાથે સમસ્યાના સમયે ઊભા રહેજો.
જનઆશીર્વાદ યાત્રાને કારણે ખાડા પૂર્યા છે: મોનાલી હીરપરા
આમ આદમી પાર્ટીનાં સભ્ય મોનાલી હીરપરાએ સામાન્ય સભામાં સણસણતા જવાબ આપતાં કહ્યું હતું કે, જે ફ્રી વેક્સિનેશનના નામે મોટા ઉપાડે જાહેરાતો કરવામાં આવે છે તે વેક્સિનેશન સામે પેટ્રોલ ડીઝલનો વધતો ભાવ ટેક્સ સ્વરૂપે વસૂલવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. વધુમાં કહ્યું હતું કે, ડેપ્યુટી મેયરે જે વોર્ડ દત્તક લીધો છે તેમને ત્યાં રસ્તા પર ખાડાઓ દેખાય પરંતુ રસ્તાઓ પર દબાણ કેમ દેખાતું નથી. ડેપ્યુટી મેયર એકપણ વાર વોર્ડ નં.14માં રાઉન્ડ મારવા ગયા નથી. આ ઉપરાંત શહેરીજનોની ઓનલાઇન ફરિયાદો ઢગલાબંધ પેન્ડિંગ છે, તેમાં પણ ધ્યાન આપો. મનપાની ફૂડ પોલિસી મામલે પણ તેણીએ સવાલો ઉઠાવ્યા હતા કે જે ફૂડ પોલિસી લાવવાની વાતો કરવામાં આવી રહી છે તેનાથી વેપારીઓને શું ફાયદો થયો છે? સાથે જ ગાંધીનગર ચૂંટણીમાં આપના નગરસેવકો ગયા હતા તે બાબતે મોનાલી હીરપરાએ જવાબ આપ્યો હતો કે, તમારી જનઆશીર્વાદ યાત્રાને કારણે તમે ખાડા પૂર્યા છે.