SURAT

VIDEO: સુરતમાં ભાજપનું ગુંડારાજ: મહિલાઓના કપડાં ફાડ્યા બાદ પોલીસની સામે આપના કાર્યકરોને માર્યા

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની (SMC) શનિવારે મળેલી સામાન્ય સભામાં મહિલાઓના (Women) અપમાન (Insult) મુદ્દે હોબાળો થતા જ શાસકો સભા પૂર્ણ કરી ભાગી ગયા હતા તેથી વિપક્ષના સભ્યો સભાખંડમાં જ ધરણા (Protest) પર બેસી ગયા હતા. તેમજ કર્મચારીઓની ભરતી અને પાણી મીટર રદ કરવાની માંગણી સાથે સભા પૂર્ણ થયા બાદ 20 કલાક સુધી સભાખંડમાં જ રહ્યા હતાં અને રાત્રે પણ સભાખંડમાં જ સુઈ રહ્યા હતા. જેના કારણે બીજા દિવસે મનપાએ લાઈટ-પંખા પણ બંધ કરી દીધા હતાં. ત્યારબાદ પોલીસે બળજબરીથી તેમને બહાર કાઢતા ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતાં. આ સમગ્ર મામલે આજે સોમવારે તા. 2 મે ના રોજ ભાજપના કાર્યાલય પર વિરોધ વ્યક્ત કરવા ગયેલા આપના કાર્યકરોને પોલીસે ગડદાપાટુનો માર માર્યો હતો. રસ્તા પર ફેંકી ફેંકીને લાતો, ચપ્પલોથી માર માર્યો હતો.

ભાજપના કાર્યકરોએ ખાલિસ્તાન મુર્દાબાદના નારા પોકાર્યા
ભાજપ કાર્યાલય પર આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા ત્યારે સુરત પોલીસે તેઓને અટકાવ્યા હતા. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયો માર્યા હતા અને ગોપાલ ઈટાલિયા સાથે પણ ટપલીદાવ કરાયો હતો. પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકર્તાઓએ આપના કાર્યકરોને ઘેરીને માર્યા હતા. આ વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપના કાર્યકરોએ ભારત માતા કી જય અને ખાલિસ્તાન મુર્દાબાદના નારા પોકાર્યા હતા. ભાજપ કાર્યાલયથી થોડે દૂર આપના એક કાર્યકરને તો એટલો બધો માર મરાયો હતો કે તે અધમૂઓ થઈ ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો.

આ અગાઉ સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા મુકાયેલી દરખાસ્ત પર ચર્ચા ન થતા શનિવારે વિરોધ પક્ષે વિરોધ નોંધાવ્યો હતો. અને સામાન્ય સભા પૂર્ણ થયા બાદ આખી રાત સભાગૃહમાં જ વિતાવ્યા બાદ બીજા દિવસે સાંજે શાસકોએ પોલીસની મદદ લેતા વિપક્ષને બહાર કાઢતી વખતે પોલીસ સાથે ધર્ષણ પણ થયુ હતુ. અત્રે ઉલ્લખનીય છે કે, મોડી રાત્રે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓ નગરસેવકોને મળવા પહોંચ્યા હતા. અને રાત્રે ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ સુરતમાં આવ્યા હોય, આપના નગરસેવકોનો આત્મવિશ્વાસ બુલંદી પર જણાયો હતો. કેજરીવાલ તેઓને મળવા મનપા કચેરીએ પહોંચવાના હતા પરંતુ પ્રોટોકોલ જાળવવાનો હોય, તેઓ મળવા પહોંચી શક્યા ન હતા. અંતે પોલીસે બપોરે બળપ્રયોગ કરીને તમામને બહાર કાઢ્યા હતા.

સમગ્ર ઘટનાક્રમ શું થયો?

  • શનિવારે સાંજે 7:45 વાગ્યે સામાન્ય સભા પૂર્ણ કરી દેવાતા વિપક્ષે હોબાળો કર્યો
  • સાંજે 8:00 વાગ્યાથી સભાખંડમાં જ ધરણા પર બેઠા, રાત્રે સભાખંડમાં જ સુઈ ગયા
  • મોડી રાત્રે 10:45 વાગ્યે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા મનપા કચેરીએ મળવા પહોંચ્યા
  • રવિવારે સવારે 10:00 વાગ્યે આપની મહિલા નગરસેવિકાના બાળકો અને પતિ પણ મનપા કચેરીએ પહોંચ્યા
  • બપોરે 3:00 વાગ્યે પોલીસે સભાખંડમાંથી નગરસેવકોને બહાર કાઢ્યા
  • સાંજે 4:45 સુધીમાં તમામ નગરસેવકો પોતપોતાના ઘરે જવા નીકળ્યા

પોલીસે કોર્પોરેટરનું ગળું દબાવ્યું, કપડા ફાડયાનો આક્ષેપ
પોલીસે ખૂબ સમજાવ્યા બાદ પણ આપના સભ્યો સભાખંડમાંથી બહાર નીકળ્યા ન હતા જેના કારણે પોલીસે બળપ્રયોગ કરી તમામને બહાર કાઢવા પડ્યા હતા. જો કે તેમાં પણ ઘર્ષણ થયું હતુ અને આપ દ્વારા તેમના સભ્યોના ગળા દબાવાયા તેમજ એક મહિલા નગરસેવિકાના કપડા પણ ફાટી ગયા હોવાના આક્ષેપ કર્યા હતા. તો પોલીસે આપના નગર સેવકો એલફેડ બોલ્યા હોવાનું જણાવ્યું હતુ.

કેજરીવાલ મળવા આવવાની વાત ચાલતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
સામાન્ય સભા પૂરી થયા બાદ આપના કોર્પોરેટરો આખી રાત સરદાર ખંડમાં જ રહ્યા હતા. વહેલી સવારે આપ ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ તેમને મળવા આવે છે તેવી વાત જોરમાં ચાલતાં મનપા કચેરી જાણો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. પરંતુ પ્રોટોકોલ પાળવાનો હોય, કેજરીવાલ તેમને મળવા આવી શક્યા ન હતા. મનપાના તમામ દરવાજા બંધ કરીને તમામના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.

ઘનશ્યામ મકવાણાને તબિયત લથડતા સ્મીમેરમાં ખસેડાયા
પોલીસે આપના નગરસેવકોને બહાર કાઢતા જ ભારે ધક્કામુક્કી થઈ હતી અને એક પોલીસ કર્મીએ ઘનશ્યામ મકવાણાનું ગળું પકડી લીધું હતું. અને મનપા કચેરી બહાર ધક્કામુક્કીમાં ઘનશ્યામ મકવાણાની તબિયત લથડતા તેઓને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. તેમજ મહિલા કોર્પોરેટરને બહાર કાઢતી વખતે પાંચથી છ માર્શલ ધક્કા મારી કાઢતા હતા જેના કારણે ધક્કામુક્કી કરીને ટીંગાટોળી કરવામાં આવી હતી. જેથી મહિલા સભ્યના કપડાં ફાંટી ગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

મનપાના અધિકારીઓ પણ આખી રાત મનપા કચેરીમાં રહ્યા
આમ આદમી પાર્ટીના નગરસેવકો સભા પૂર્ણ થયા બાદ આખી રાત ધરણા પર બેસતા મનપાના એડીશનલ સીટી ઈજનેર ડી.એમ જરીવાલા, ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક, ચીફ સીક્યુરીટી ઓફિસર જાગૃત નાયક, ચીફ ફાયર ઓફિસર પરીખને આખી રાત ત્યા જ ડ્યુટી પર મુકવામાં આવ્યા હતા. તેમજ રવિવારે ડેપ્યુટી કમિશનર, એમ.કે પંડ્યા, માકડીયા અને સ્વાતિ દેસાઈને ધરણા પૂર્ણ થયા સુધી ફરજ પર હાજર રાખવામાં આવ્યા હતા.

મારી હત્યાની કોશિશ કરાઈ : ઘનશ્યામ મકવાણા
મનપાના સભાખંડમાંથી વિપક્ષના સભ્યોને ટીંગાટોળી કરી કચેરીની બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના સભ્ય ઘનશ્યામ મકવાણાએ જણાવ્યું હતું કે તેઓ કચેરીની બહાર હતા અને વિરોધ કરતા હતા ત્યારે ત્રણથી ચાર માર્શલો તેના પર તૂટી પડ્યા હતા અને તેને માર મારવાની સાથે તેનું ગાળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરો છે.

સાત માર્શલો મારા પર તૂટી પડ્યા : કનુ ગેડીયા
આમ આદમી પાર્ટીના સભ્ય કનુ ગેડીયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે તેઓ મનપા કચેરીના મુખ્ય ગેટ પર વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરતા હતા ત્યારે છથી સાત જેટલા માર્શલો તેના પર તૂટી પડ્યા હતા અને તેને ઢીકમુક્કીનો તથા લાકડાના દંડ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત કનુ ગેડીયાના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હતા.

પીઆઈ પટેલે મને ડંડો માર્યો : કુંદન કોઠીયા
ભાજપમાં જોડાયા બાદ ઘર વાપસી કરનાર કુંદન કોઠિયાએ આક્ષેપ કર્યો હતો કે ઘર્ષણ સમયે લાલગેટ પોલીસ મથકના પીઆઇ એમ.વી.પટેલે તેમને વાળ પકડી પીઠ પર લાકડાનો ડંડો માર્યો હતો. જેના કારણે સ્મીમેરમાં એક્સરેમાં તેમને ફેક્ચર થયું હોવાનું પણ સામે આવ્યું છે. માર્શલોએ જાહેરમાં તેણીના કપડાં પણ ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો છે.

માર્શલોએ મહિલાની ગરિમા પણ ન જાળવી : રચના હિરપરા
ઈજાગ્રસ્ત હાલતમાં સ્મીમેરમાં સારવાર માટે ખસેડવામાં આવેલ રચના હિરપરાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે માર્શલોએ તેણીને પણ ધીમુક્કીનો માર મારતા તેને પણ ગાલ અને આંખની બાજુમાં ઇજા પહોંચી હતી. માર્શલોએ મહિલાની ગરિમા પણ જાળવી ન હતી. આ ઉપરાંત આખી રાત સભાખંડમાં પણ મહિલા સિક્યુરિટીના બદલે માર્શલો બેસાડવામાં આવ્યા હતા.

Most Popular

To Top