સુરત: (Surat) એક બાજુ સુરત સ્માર્ટ સિટી (Smart City) બની ગયું હોવાની આલબેલ પોકારી સુરત મનપાના તંત્રવાહકો રાષ્ટ્રીય સ્તરે એક પછી એક એવોર્ડ જીતી લાવી વાહવાહી લૂંટી રહ્યા છે. પરંતુ શહેરમાં સમસ્યાઓની વાસ્તવિક સ્થિતિ કંઇક જુદી જ છે. સ્માર્ટ સિટીમાં લોકોની સમસ્યાઓના (Problems) સ્માર્ટ સોલ્યુશનના વાયદા તો હવામાં ઊડી ગયા છે. ઊલટું તૂટેલા રસ્તા, રખડતાં ઢોર, ગંદકીના ગંજ અને રસ્તા પરનાં દબાણો જેવી બાવા આદમના વખતથી ચાલી આવતી સમસ્યાઓથી પણ શાસકો પ્રજાને (citizens) છૂટકારો અપાવી શક્યા નથી. તેમાં પણ જ્યારથી અધિકારીઓ પાસેથી 15 લાખનો ખર્ચ કરવાની સત્તા છીનવાઇ છે ત્યારથી તો તદ્દન નાની કહી શકાય તેવી સમસ્યાઓના ઉકેલમાં પણ દિવસો લાગી રહ્યા છે. પણ તેનાથી શાસકોનું રૂવાડુંય ફરકતું નથી. જેને કારણે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ છતાં સુરતને સ્માર્ટ સિટી કહી પોતાની પીઠ થાબડતા શાસકોની આંખ ઉઘાડવા માટે ‘ગુજરાતમિત્ર’ દ્વારા આ પ્રયાસ કરાયો છે.
પોશ વિસ્તાર છતાં રસ્તાની હાલત બિસમાર, વાહનચાલકો પરેશાન
અઠવા ઝોન શહેરનો સૌથી પોશ વિસ્તાર મનાય છે. અહીં અદ્યતન શો-રૂમો અને આકાશને આંબતી ઇમારતો, રસ્તાના બ્યુટિફિકેશનની ભરમાર છે. પરંતુ આ બધી આંખ આંજી નાંખતી રમ્યતા માત્ર અમુક વિસ્તારો પૂરતી મર્યાદીત છે. અઠવા ઝોનમાં અલથાણ, ઉધના-મગદલ્લા રોડને આનુસાંગિક અંદરના રસ્તા, ભટાર રોડ સહિતની જગ્યાએ રસ્તાની હાલત બિસમાર છે. તેથી વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. જો અઠવા ઝોનના આ મુખ્ય મનાતા રસ્તા પર જ મસમોટા ખાડા હોય તો અન્ય રસ્તાઓની શું હાલત હશે તે કહેવું પડે તેવી જરૂર નથી.
નામ વીઆઇપી રોડ અને સમસ્યા રખડતાં ઢોરની
પોશ વિસ્તાર અઠવા ઝોનને અનુરૂપ નામ ધરાવતો એક મહત્ત્વનો રોડ અહીં વીઆઇપી રોડ છે. અહીં મસમોટાં કોમર્શિયલ બિલ્ડિંગો, શોપિંગ મોલ, અધ્યતન રેસિડેન્સી, પાર્ટી પ્લોટની ભરમાર છે. પરંતુ અહીંની સૌથી મોટી સમસ્યા રખડતાં ઢોરોની છે. આ વિસ્તાર ઉપરાંત સોહમ સર્કલ, ભટાર રોડ, અલથાણ, સિટીલાઇટમાં પણ રખડતાં ઢોરોની સમસ્યા છે. વરસો જૂની આ સમસ્યાનો ઉકેલ શોધવામાં તંત્રવાહકો નિષ્ફળ રહ્યા છે.
મેયર બંગલાથી 100 મીટરમાં જ ગંદકીના ગંજ ખડકાય છે
એક બાજુ સુરત સ્વચ્છતામાં દેશમાં બીજો નંબર લાવ્યું છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, છેલ્લા ઘણા મહિનાઓથી શહેરમાં સફાઇની સ્થિતિ ખાડે ગઇ છે. અઠવા ઝોનમાં ઘણા વિસ્તારોમાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. હદ તો ત્યાં થઇ જાય છે કે કરોડા રૂપિયાના ખર્ચે બનેલા અને જ્યાં શહેરના પ્રથમ લેડી એવા મેયર વસે છે તે મેયર બંગલાથી માત્ર 100 મીટરના અંતરે રોજ કચરાના ઢગલા ખડકાય છે તેનો ઘણી વખત દિવસો સુધી નિકાલ થતો નથી.
150 ફૂટના રોડ પર દબાણોને કારણે માત્ર 25 ફૂટનો રસ્તો
કરોડો રૂપિયા ખર્ચીને બનતા શહેરના મુખ્ય રસ્તા વાહનચાલકો તેમજ રાહદારીઓની સવલત માટે હોય છે. પરંતુ દબાણકર્તા લોકોને કારણે રસ્તા કવર થઇ જાય છે અને ટ્રાફિક સમસ્યા વધી રહી છે. અઠવા ઝોનમાં, ભટાર ચાર રસ્તા, અલથાણ ટેનામેન્ટ, ભટાર રોડ, રિંગ રોડ, સરગમ શોપિંગ સેન્ટર, યુનિવર્સિટી રોડ કેનાલ રોડ સહિતની જગ્યાઓએ મુખ્ય રસ્તા પર દબાણકર્તાઓને કારણે જ્યાં 150 ફૂટનો રોડ હોય ત્યાં 25 ફૂટનો રસ્તા માંડ વાહનચાલકોને મળે છે. દબાણકર્તાઓ મુદ્દે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી પોતે અનેક વખત મેદાનમાં ઊતરી ચૂક્યા હોવા છતાં હજુ સુધી કોઇ નક્કર ઉકેલ આવ્યો નથી.