બેશરમીની હદ: સુરતમાં પ્રેમી સાથે પત્ની કારમાં મનાવી રહી હતી રંગરેલિયા, પકડાઈ ગઈ તો પ્રેમી સાથે મળીને પતિને જાહેરમાં માર્યો

સુરતના વેસુ વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં પ્રેમી સાથે રંગેહાથ પકડાયેલી પત્નીએ શરમાવાના બદલે પ્રેમી સાથે મળી જાહેરમાં પતિને જ ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં પતિને મારવા માટે રાહદારીઓને પણ ઉશ્કેર્યા હતા. પત્નીના પાપનો ભાંડો ફોડવા જતાં બિચ્ચારા પતિને હોસ્પિટલમાં પાટાપિંડી કરાવવા દોડવું પડ્યું હતું. આ આખીય ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

વાત એમ છે કે ઘરકંકાસના લીધે છેલ્લાં એક વર્ષથી પતિ-પત્ની અલગ રહેતાં હતાં. દરમિયાન પત્ની એક જિમ ટ્રેનર સાથે પ્રેમલીલા આચરી રહી છે તેવી પતિને ખબર પડી હતી. તેથી બુધવારે મોડી સાંજે પત્નીને તેના કથિત પ્રેમી સાથે રંગેહાથ પકડવા માટે પતિ પહોંચી ગયો હતો. પત્ની તેના પ્રેમી સાથે કારમાં રંગરેલિયા મનાવી રહી હતી ત્યારે જ પતિએ જ કાચ પર નોક કર્યું હતું. પતિને જોઈ બંને જણા દંગ રહી ગયા હતા અને કાર દોડાવી દીધી હતી. પતિએ ફિલ્મી સ્ટાઈલમાં બંનેનો પીછો કરીને રોક્યા હતા.

પતિને જોઈ ગભરાવાના કે શરમાવાના બદલે પત્ની નાલાયકી પર ઉતરી આવી હતી અને કથિત પ્રેમી સાથે મળીને જાહેર રસ્તા પર જ પતિને મારવા માંડી હતી. પતિએ કહ્યું કે, એક વર્ષથી મારી પત્ની દીકરી સાથે અલગ રહે છે. કોર્ટના ઓર્ડર પછી પણ મને મળવા દેતી નથી અને બીજા સાથે ફરી રહી છે. આજે મારી પત્નીની કાર ઉભી હતી અને તેની બાજુમાં બીજી એક કાર હતી. જેમાં તે બીજા સાથે બેઠી હતી. આથી મેં કાચ ઠોક્યો તો દરવાજો ખોલ્યો નહીં અને ગાડી રિવર્સ લઈ ભાગી ગયા હતા. આથી મેં પીછો કર્યો. તેઓ યુટર્ન લેતા હતા ત્યારે મેં રોક્યા હતા અને પૂછ્યું કે ગાડીમાં શું કરો છો તો ઉલટાના મારી પર ગુસ્સો કરવા લાગ્યા હતા. કારમાંથી નીચે ઉતરી મને મારવા માંડ્યા હતા. ગાળો દીધી અને જીમ ટ્રેનરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી દીધી હતી.

મારી પત્ની તો જોરજોરમાં બૂમો પાડી લોકોને ભેગા કરવા લાગી હતી. લોકોને કહેતી હતી કે હું તારી પત્ની નથી અને આને મારો.. મારી પત્નીએ પણ મને તમાચા માર્યા હતા. લોકોએ પોલીસ બોલાવી ત્યારે હું માંડ બચ્યો હતો. એટલી વારમાં પત્નીએ તેના મિત્રને ભગાવી દીધો હતો.

પોલીસમાં ફરિયાદ દાખલ કરનાર પતિ યોગેશ જગદીશ અગ્રવાલ (ઉં.વ. 32, રહે. સિટીલાઈટ ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ)એ કહ્યું કે, હું મિલકત લે-વેચનું કામકાજ કરું છું. 10 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. એક દીકરી છે. ઘરકંકાસના લીધે 1 વર્ષથી પત્ની દીકરી સાથે અલગ રહે છે. પત્નીએ દહેજનો કેસ કર્યો છે. દર મહિને ભરણપોષણના 1.10 લાખ માંગે છે. કોર્ટે દીકરીને મળવા મને મંજૂરી આપી હોવા છતાં મને મળવા દેતી નથી.

પતિએ વધુમાં કહ્યું કે, જિમ ટ્રેનર સાથે પત્નીનું લફરું હોવાની જાણ થતાં હું તેની પર વોચ રાખતો હતો. બુધવારની રાત્રે હાઈટેક બિલ્ડિંગ નજીક પ્રેમી સાથે હોવાની માહિતી મળતા હું પહોંચી ગયો હતો. મારા હાથમાં મોબાઈલ કેમેરા ઓન જોઈ મારી પત્ની અને તેનો જિમ ટ્રેનર કથિત પ્રેમી વિશાલ સાળુંકે ભાગી ગયા હતા. હાલ પોલીસે આ સમગ્ર મામલે મારામારીની ફરિયાદ દાખલ કરી છે. પતિએ ન્યાયની માંગણી કરી છે.

Related Posts