સુરત: (Surat) મુંબઇમાં રહેતા જમાઇ સિંગાપોર (Singapor) જતા હતા, ત્યારે તેઓને વળાવવા માટે સુરતથી ગયેલા સાસુ-સસરાને આ ધક્કો રૂા. 90 હજારમાં પડ્યો હતો. વહેલી સવારે રિક્ષાચાલક ટોળકી સસરાને ધક્કામુક્કી કરીને 90 હજારના દાગીના લઇ રફ્ફુચક્કર થઇ ગયા હતા. બનાવ અંગે કતારગામ પોલીસે (Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- સિંગાપોર જતા જમાઇને મળવા જવાનું સુરતના સાસુ-સસરાને 90 હજારમાં પડ્યું!
- સ્ટેશન જઇ રહેલા દંપતિને રિક્ષાચાલક ટોળકીએ ધક્કામુક્કી કરીને દાગીના ચોરી લીધા બાદ નીચે ઉતારી મુક્યા
પ્રાપ્ત વિગતો મુજબ, મુળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણીયા ગામના વતની અને સુરતમાં કતારગામ આશ્રમ પાસે દાનગીગેવ સોસાયટીમાં રહેતા કાંતિભાઇ નાનજીભાઇ વરીયા પ્લાસ્ટીકના સામાનનો વેપાર કરે છે. તેઓની પુત્રીની સગાઇ મુંબઇમાં રહેતા મેહુલ વલ્લભભાઇ દેવગણીયાની સાથે થયા હતા. મેહુલે સગાઇ દરમિયાન તેની ફિયાન્સીને રૂા. 90 હજારની કિંમતની ચેઇન, બુટ્ટી અને સોનાનું પેંડલ આપ્યું હતું. બીજી તરફ તા. 5 જાન્યુઆરીના રોજ મેહુલ સીંગાપોર નોકરી માટે જવાનો હતો. તેની ફિયાન્સી તા. 1 જાન્યુઆરીએ જ મુંબઇ પહોંચી ગઇ હતી. આ ઉપરાંત તા. 2 જાન્યુઆરીના રોજ કાંતિભાઇ અને તેમના પત્નીની મુંબઇ જવા કર્ણાવતી એક્સપ્રેસની ટીકીટ હતી. તેઓ વહેલી સવારે રેલવે સ્ટેશન જવા માટે રિક્ષામાં બેસીને જતા હતા.
આ દરમિયાન રિક્ષાના ચાલકે તેની બાજુમાં બેઠેલા યુવકને રિક્ષા બરાબર ચાલતી ન હોવાનું કહીને પાછળ બેસવા કહ્યું હતું. આ અજાણ્યો કાંતીભાઇની બાજુમાં બેસવા આવ્યો હતો અને ધક્કામુક્કી કરીને 90 હજારના દાગીના કાઢી લીધા હતા. રિક્ષાચાલકે કાંતિભાઇ અને તેમની પત્નીને એસ.આર.કે. સર્કલ પાસે ઉતારીને સ્ટેશન તરફ ફરાર થઇ ગયા હતા. કાંતિભાઇએ પેન્ટના ખિસ્સામાં જોતા દાગીના મળી આવ્યા ન હતા. બનાવ અંગે કતારગામ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રાંદેરમાં મોબાઈલના વેપારીને મુંબઈનો ઠગ 35 લાખનો ચૂનો ચોપડી ગયો
સુરત: રાંદેર અડાજણ પાટિયા પાસે મોબાઈલના વેપારીએ મુંબઈના એક વેપારી પાસેથી 35 લાખ રૂપિયાનો મોબાઈલનો માલ ખરીદી કર્યો હતો. વેપારીએ પેમેન્ટ ચૂકવી દીધા પછી મુંબઈના ઠગે મોબાઈલનો માલ મોકલ્યો નહોતો. વેપારીએ માલ માટે ફોન કર્યો તો ધમકી આપી હતી. મોબાઈલ વેપારીએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધારે તપાસ હાથ ધરી છે.
રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, અડાજણ ન્યુ રાંદેર રોડ પર નિશાત સોસાયટીમાં રહેતા 41 વર્ષીય મોહમદ સાહીદ મોહમદ આરીફ ચોકસી અડાજણ બસ ડેપો “હબ ટાઉન”દુકાન નં. ૧૮ “રોયલ ટ્રેન્ડસ નામની દુકાન ધરાવે છે. વેપારીએ રાંદેર પોલીસ સ્ટેશનમાં મુંબઈ અંધેરી વેસ્ટ ખાતે સહાર કારગો રંગોલી બિલ્ડીંગ લુઈસ ક્રેડો હાઉસમાં આર.એમ.એન્ટરપ્રાઈઝના માલીક રૂપેશ સિંધની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ 16 ડિસેમ્બર 2021 ના રોજ હોલસેલમાં અલગ અલગ કંપનીના મોબાઈલની ખરીદી માટે મોબાઈલ નક્કી કર્યા હતા. જેનું પેમેન્ટ 35,04,319 રૂપિયા તેમના એચ.ડી.એફ.સી બેંકના એકાઉન્ટ દ્રારા ચૂકવી આપ્યા હતા. પરંતુ મુંબઈના વેપારીએ મોબાઈલનો માલ મોકલ્યો નહોતો. બાદમાં મોહમ્મદ શાહિદે મોબાઈલના મુદ્દામાલ માટે ફોન કરતા વાયદાઓ આપી ગોળ ગોળ જવાબ આપ્યા હતા. બાદમાં મુદ્દામાલ નહીં આપી ધમકી આપતા મોહમ્મદ શાહિદે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.