સુરત: (Surat) સુરતમાં ભરાતો બકરા બજાર અને શનિવાર બજાર કાયમી ધોરણે બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. બકરીઈદ આવનાર હોય બે શનિવાર (Saturday) સુધી ચોક બજારમાં ભરાતો બકરા બજાર ચાલુ રહેશે ત્યારબાદ કાયમી ધોરણે બંધ કરી દેવાશે. મેટ્રોની (Metro) કામગીરીને કારણે આ વિસ્તારમાં ટ્રાફિકનું (Traffic) ભારણ વધતાં આ નિર્ણય લેવાયો છે.
- ચોકબજારનું શનિવારી અને બકરાં બજાર કાયમી ધોરણે બંધ કરવા નિર્ણય
- સંબંધિત પોલીસ મથકના અધિકારી, બકરાં બજારના વેપારીઓ અને કોર્પોરેટર વચ્ચે વાટાઘાટો બાદ બન્ને બજારો કાયમી ધોરણે બંધ કરવા નકકી કરાયું
ચોકબજાર સાગર હોટલની ગલીમાં ઘણા સમયથી બકરા બજાર ભરાય છે. હાલ મેટ્રોની કામગીરીના કારણે આ રસ્તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જાહેર કરાયો છે તેથી ચોક બજાર ગાંધી ગાર્ડન નો રસ્તો બંધ હોવાથી આ રસ્તા પર ટ્રાફિક વધુ રહે છે. વળી કાયમી ધોરણે અહી બકરા બજાર ભરાતી હોવાથી કાયમી ન્યુસન્સ હોય લોકોની ફરિયાદને આધારે સ્થાયી સમિતિમાં સભ્ય વ્રજેશ ઉનડકટે બકાર બજાર અને દર શનિવારે અહીં જ ભરાતી બજાર કાયમી ધોરણે બંઘ કરવા રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ આજે સંબંધિત પોલીસ મથકના અધિકારી, બકરા બજારના વેપારીઓ અને કોર્પોરેટર વચ્ચે વાટાઘાટો થઈ હતી. અને આ બન્ને બજારો કાયમી ધોરણે બંધ કરવા નકકી કરાયું હતું.
બેઠકમાં નકકી થયા મુજબ ઈદ સુધી બે શનિવાર સાગર હોટલ ની ગલી માં બકરા બજાર ભરાશે , ત્યાર બાદ કાયમી ધોરણે બકરા બજાર બંધ કરશે કે અન્ય જગ્યા એ જગ્યા ફાળવાશે તેમજ અહી ભરાતી શનિવારી બજાર પણ ભરાય છે તેનું ન્યુસન્સ દુર કરવા માટે પાલિકા દ્વારા શુક્રવારની રાતથી જ દબાણ દુર કરવામાં આવશે. આ બન્ને દબાણ કાયમી ધોરણે દૂર થાય તો આ વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો પણ કાયમી હલ આવી શકે તેમ છે.