સુરત: (Surat) અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું બિપરજોય ગતિથી આગળ વધી રહ્યું છે. જેની અસર સુરત જિલ્લાના દરિયા કાંઠા (Beach) પર જોવા મળી રહી છે. રવિવારે સુંવાલીના દરિયામાં (Sea) કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યા હતા. એટલું જ નહીં, સાંજે 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉપરાંત ડાંગ સાથે તાપી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અગામી ત્રણેક દિવસ સુધી 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડવાની આગામી હવામાન વિભાગે કરી છે.
- સુંવાલીના દરિયામાં કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યા, 52 કિમીની ઝડપે પવન ફૂંકાયો
- સાઉથ વેસ્ટ ઝોનની હાઈ માસ્ટ લાઈટ ઉતારી લેવાઈ, ફાયર વિભાગને પણ સ્ટેન્ડ બાય રખાયું
- વિપોરજોય વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ, દરિયા કાંઠે મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ
બિપરજોય એક ગંભીર વાવાઝોડામાં રૂપાંતરિત થઇને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ત્રાટકશે તે નક્કી થઈ ગયું છે, તેવું રવિવારે હવામાન વિભાગે જણાવ્યું હતું. હાલમાં તે પાંચ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે સતત આગળ વધી રહ્યું છે. દરમિયાન રવિવારે વિપરજોય વાવાઝોડાની અસર સુરત જિલ્લામાં દેખાઈ હતી. સુંવાલી દરિયામાં કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યા હતા. મોડી સાંજે 52 કિલોમીટર પ્રતિ કલાકે ઠંડો પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી રહ્યું હતું. તે સાથે હવામાં ભેજનું પ્રમાણ 56 ટકા રહ્યું હતું. અત્રે વાવાઝોડાની અસર સુરત જિલ્લામાં દેખાતા જ ઈન્ચાર્જ જિલ્લા કલેકટર બી.કે. વસાવાએ સુરત જિલ્લાના તમામ અધિકારી-કર્મચારીઓને પૂર્વ મંજુરી સિવાય હેડ કવાર્ટર ન છોડવાનો આદેશ કર્યો છે.
વાવાઝોડાથી કોઈ પણ જાનહાની નહીં થાય તે માટે તમામ બીચ બંધ કરાયા છે. 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. સુરત મહાનગરપાલિકાએ પણ જોખમી બેનર અને હોર્ડિંગસ ઉતારી લીધા હતા. વાવાઝોડાની સ્થિતિને લઈને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ કર્યું છે. સાઉથ વેસ્ટ ઝોનમાં હાઈ માસ્ટ લાઈટ ઉતારી લેવામાં આવી છે. ફાયર વિભાગ પણ સ્ટેન્ડ બાય છે. અત્રે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આગામી ત્રણેક દિવસ સુધી સુરત નવસારી અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે. વરસાદ પડવાની સાથે30થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂકાશે. રવિવારે ડાંગ સાથે તાપી જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો.