SURAT

સુરતમાં સ્કૂલોની નજીક આ વસ્તુ વેચનારાઓને પકડી પાલિકાએ દંડ વસૂલ્યો

સુરતઃ સરકાર (Goverment) દ્વારા નિયમો બનાવવામાં આવે છે, પરંતુ તેનું યોગ્ય રીતે પાલન થતું નથી. આવો જ એક નિયમ છે શૈક્ષણિક સંસ્થાઓ (Schools) નજીક નશીલા પદાર્શ ન વેચવાનો. પરંતુ સુરત (Surat) શહેરમાં બેરોટકટોક શૈક્ષણિક સંસ્થાની નજીક બીડી, સિગારેટ, તમાકુ જેવા નશીલા પદાર્થોનું (Intoxicants) વેચાણ થતું હોય છે. સુરત મનપાએ (SMC) આવા નશીલા પદાર્થનું વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે.

  • સુરતમાં શક્ષૈણિક સંસ્થાઓ પાસે બેરોકટોક વેચાય છે નશીલા પદાર્થ

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે ગુરુવારે તા. 5મી ઓક્ટોબરના રોજ પાન ગલ્લાવાળાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક સંસ્થાના 100 મીટરના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની તમાકુની બનાવટોના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં નિયમનું ઉલ્લંઘન કરી આવા પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે સુરત મનપાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી હતી.

આજે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારીના ટોબેકો સેલ દ્વારા સુરત મનપાના તમામ ઝોનમાં સાગમટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. તમામ ઝોન મળી કુલ 153 પાન ગલ્લાવાળા પાસેથી રૂપિયા 32,600 રૂપિયાનો દંડ તથા વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો હતો.

સુરત મનપા પાસેથી મળેલી માહિતી અનુસાર રાંદેર ઝોનમાંથી 21 પાન-ગલ્લાંવાળા પાસેથી 4200 રૂપિયા, સેન્ટ્રલ ઝોનમાંથી 19 તમાકુના વિક્રેતા પાસેથી 3800 રૂપિયા, કતારગામ ઝોનમાં 14 ઈસમો પાસેથી 2800 રૂપિયા, વરાછા-એ ઝોનમાંથી 12 ઈસમો પાસેથી 2400 રૂપિયા અને વરાછા-બી ઝોનમાં 19 ઈસમો પાસેથી 3800 રૂપિયા તથા ઉધના-એ ઝોનમાંથી 26 ઈસમો પાસેથી 5200 રૂપિયા, ઉધના-બી ઝોનમાંથી 18 ઈસમો પાસેથી 3600 રૂપિયા, અઠવા ઝોનમાં 18 પાન ગલ્લાવાળા પાસેથી 3600 રૂપિયા અને લિંબાયત ઝોનમાં 16 જણા પાસેથી કુલ 3200 રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. સૌથી વધુ ઉધના એ ઝોનમાંથી 5200 રૂપિયાની વસૂલાત કરાઈ હતી. આ વિગતો દર્શાવે છે કે સુરતમાં શૈક્ષણિક સંસ્થાના 100 મીટર વિસ્તારમાં જ બેરોકટોક પાનના ગલ્લાં ધમધમે છે.

Most Popular

To Top