સુરત: (Surat) આ વખતે ગરીબ અને મધ્ય વર્ગના બાળકોને આરટીઇ (RTE) અંતર્ગત ખાનગી શાળામાં (Schools) ધોરણ-1માં સરળતાથી પ્રવેશ મળી જશે. કારણ કે, સુરતની 1,362 પ્રાથમિક શાળામાં આરટીઇની 15,419 બેઠક છે. જેની સામે 15,089 બાળકના ફોર્મ મંજૂર થયા છે. ઉપરાંત આ વર્ષે આરટીઇમાં ફોર્મ ભરતી વખતે વાલી પાસે પાનકાર્ડ, આઇટી રિર્ટન અને એ ભરતા ન હોય તો સેલ્ફ ડેકલેરેશન ફોર્મ મંગાયું હતું. જેને કારણે માલેતુજાર વાલીઓ આરટીઇની પ્રવેશ પ્રક્રિપ્રક્રિયાથી દૂર રહ્યાં હતા.
ઉચ્ચ વર્ગ સાથે ગરીબ અને મધ્યમ વર્ગના માતા-પિતાની ઇચ્છા હોય છે કે તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ મળવું જોઇએ. પરંતુ આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના માતા-પિતા બાળકોને સારી શાળામાં પ્રવેશ અપાવી શકતા નથી. આર્થિક સ્થિતિ સારી નહીં હોવાને કારણે મોટી અને ખાનગી શાળામાં પ્રવેશ લેતા મુંઝવણ અનુભવતા હોય છે. આમ, સમાજની અસમાનતા દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આરટીઈ એક્ટની જોગવાઇ કરવામાં આવી છે. જે એક્ટ અંતર્ગત કોઈ પણ બાળક કોઈ પણ ખાનગી શાળામાં ધોરણ-1માં વિના મૂલ્યેપ્રવેશ મેળવી શકે છે અને ધોરણ-8 સુધીનો અભ્યાસ કરી શકે છે. ઉપરાંત બાળકોને યુનિફોર્મ અને બૂટ-મોજા જેવી સ્ટેશનરીની ખરીદી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વાલીઓના એકાઉન્ટમાં રૂ. 3,000 પણ જમા કરવામાં આવે છે. આમ, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળામાં રાજ્ય સરકારના ખર્ચથી ભણાવામાં આવે છે. જોકે, તે યોજનાનો લાભ માલેતુજાર વાલીઓ ખોટી રીતે લેતા હતા. માલેતુજાર વાલીઓએ ઓનપેપર ગરીબ બનીને ગરીબ અને મધ્ય વર્ગના બાળકોની બેઠક પર તરાપ મારતા હતા. જે વાતની જાણ શિક્ષણ વિભાગને થતા તે એક્શન મોર્ડ પર આવી ગઈ હતી.
આટીઈ ફોર્મ ભરતી વખતે વાલીઓ પાસે મંગાવાયેલો પાનકાર્ડ, ઈન્કમટેક્સ રિટર્નની માહિતીના પગલે માલેતુજારો અટવાયા
આ વર્ષથી પ્રવેશ પ્રક્રિયામાં શિક્ષણ વિભાગે બે ફેરફાર કર્યા હતા. આરટીઇ ફોર્મ ભરતી વખતે વાલીઓ પાસે પાનકાર્ડ નંબર મંગાયો હતો તથા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય તો તે માહિતી અને તે ન કરતા હોય તો સેલ્ફ ડેકલેરેશનનું ફોર્મ મંગાયું હતું. આમ, આવી સિસ્ટમથી માલેતુજાર વાલીઓ આરટીઈની પ્રવેશ પ્રક્રિયાથી દૂર રહ્યા હતા. દરમિયાન 22 એપ્રિલે આરટીઈની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સુરત શહેર અને ગ્રામ્યની મળી 1,362 પ્રાથમિક શાળામાં આરટીઇની 15,419 બેઠક છે. જેની સામે 21,306 ફોર્મ ભરાયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ મળી 15,089 ફોર્મ મંજૂર કર્યા હતા, જ્યારે 2,285 બાળકાના ફોર્મ નામંજૂર અને 3,932 બાળકના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હતા.