સુરતઃ (Surat) કતારગામ ખાતે રહેતા તબીબનો પુત્ર એસડી જેનમાં અભ્યાસ કરે છે. આ બાળક સ્કુલમાં (School) સ્વિમિંગ કરતો હતો ત્યારે સ્વીમીંગ પુલ (Swimming Pool) કોન્ટ્રાક્ટરે પ્લાન્ટ (Plant) ચાલુ કરી દેતા ક્લોરીન ગેસ (Chlorine Gas) બાળકના શ્વાસમાં જતા શ્વાસ લેવા તકલીફ પડવા લાગી હતી. છતાં સ્વીમીંગ કોચે તેને હોસ્પિટલમાં નહી લઈ જતા બાળકના પિતાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં (Police Station) બંનેની સામે બેદરકારીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ કતારગામ ખાતે સુમુલ ડેરી રોડ પર રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા 49 વર્ષીય મહેશભાઈ ઓઘવજીભાઈ શેટા ગાયનેક ડોક્ટર છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. તેમનો નાનો પુત્ર સોમીલ એસડી જૈન સ્કુલમાં અભ્યાસ કરે છે. ગત 4 નવેમ્બરે સ્કુલમાં છઠ્ઠો પિરીયડ સ્વીમાંગનો હોવાથી સોમીલ સહિત ક્લાસમાં પાંચ વિદ્યાર્થીઓને કોસ્ચ્યુમ પહેરીને બ્રેવન સર જે કોચ છે તે સ્કુલમાં આવેલા સ્વીમીંગ પુલમાં બે -બે વિદ્યાર્થીઓને સ્વીમીંગ કરવા કહ્યું હતું. સોમીલ અને ક્રિશની સાથે સ્વીમીંગ કરતા હતા ત્યારે રેલીંગની આગળ નીકળતા પરપોટા પાસે પહોંચતા સોમીલને શ્વાસમાં તકલીફ થવા લાગી હતી. બાદમાં પ્રિન્સિપલની ઓફિસમાં લઈ જતા ત્યાં શ્વાસમાં તકલીફ અને છાતીમાં બળતરા થતી હોવાથી નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બાદમાં જાણવા મળ્યું કે સ્કુલ દ્વારા સ્વીમીંગ પુલના કોન્ટ્રાક્ટર સંજયભાઈ કૈલાશભાઈ ભોલા (રહે, કેશરીનંદન એપાર્ટમેન્ટ, પાંડેસરા) એ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવાના કારણે ક્લોરીન ગેસ નોઝલ વાટે પાણી સાથે સોમીલના શ્વાસમાં ગયો હતો. એક કલાક સુધી સ્વીમીંગ કોચ બ્રેવન તેને હોસ્પિટલ નહોતા લઈ ગયા. સ્કુલમાંથી ફોન આવતા સોમીલના પિતાએ ફોન કરીને હોસ્પિટલમાં ખસેડાવ્યો હતો. બાદમાં પોલીસ તપાસ પછી નવી સિવિલના તબીબના અભિપ્રાયના આધારે સ્કુલના સ્વીમીંગ કોચ બ્રેવન સેલર અને સ્વીમીંગ પુલ કોન્ટ્રાક્ટર સંજય ભોલાની સામે બેદરકારીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
વધારે ક્લોરીન વાયુ શરીરમાં જાય તો મોત પણ થઈ શકે
નવી સિવિલ હોસ્પિટલના તબીબે અભિપ્રાય આપ્યો હતો કે સ્વીમીંગ દરમિયાન ક્લોરીન વાળુ પાણી પી જવાય અથવા ક્લોરીન વાયુ શ્વાસ માંથી શરીરમાં જાય તો તે આંખમાં બળતરા, લાલ થઈ જવુ, આંખમાંથી આંસુ વહેવા, પેટની તકલીફ, ઉલટી, ઉબકા, છાતીમાં શ્વાસ લેવાની તકલીફ, ખાંસી, ગળામાં લોહી પડવુ, સોજો આવવો જેવી સમસ્યા તથા વધારે ક્લોરીન વાયુ શરીરમાં જાય તો પેશન્ટ બેભાન થવું કે મોત પણ થઈ શકે છે.