વાપી: વાપીમાં (Vapi) રિક્ષા (Auto) ચલાવી ગુજરાન કરતા યુવકના ચાર વર્ષના પુત્રને સ્કૂલ (School) પાસે જ રસ્તા પર બાઈક (Bike) ચાલકે અડફેટે લેતા બાળકને ઈજા થઈ હતી. બાઈક ચાલકે બાળકના પિતાને સારવારનો ખર્ચ આપવાની વાત કરી હતી પરંતુ જયારે આ અંગે ફોન કર્યો ત્યારે બાઈક ચાલકે સારવારનો ખર્ચ કરવાની ના પાડતા રિક્ષા ચાલક પિતાએ બાઈક ચાલક વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ મથકમાં (Police Station) ફરિયાદ આપી હતી. વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાપીના ગીતાનગરમાં રહેતા સીંકદર લખન શાહનો ચાર વર્ષના પુત્ર લવકુમાર વાપીની જ્ઞાનસાગર સ્કૂલમાં અભ્યાસ કરે છે. લવકુમાર શાળામાંથી છૂટતા તેને લેવા માટે રિક્ષા ચાલક સીંકદર શાહ પોતાની રિક્ષા લઈને ગયો હતો. સ્કૂલમાંથી છૂટીને રસ્તા પાસે રિક્ષા પાસે પિતા-પુત્ર જતા હતા ત્યારે કોળીવાડ તરફથી એક બાઈક ચાલક પુર ઝડપે આવીને લવકુમારને અડફેટે લઈ ટક્કર મારતા બાળક નીચે પડી ગયો હતો. તેના ડાબા પગમાં ઈજા થઈ હતી તેમજ લોહી નીકળવા લાગ્યું હતું. આ સમયે માણસો પણ ભેગા થઈ ગયા હતા.
બાઈક ચાલક પણ તેની બાઈક મૂકીને આવ્યો હતો. તેણે બાળકના સારવારનો ખર્ચ આપવાનું કહીને નીકળી ગયો હતો. ત્યારે બાદ રિક્ષા ચાલક તેના પુત્રને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. ત્યાંથી બાઈક ચાલકને ફોન કરીને ખર્ચ અંગે જણાવતા તેણે ખર્ચ આપવાની ના પાડી હતી. વાપી ટાઉન પોલીસ મથકમાં રિક્ષા ચાલકે બાઈકનો નંબર તેમજ મોબાઈલ ફોન નંબર આપીને બાઈક ચાલક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વલસાડમાં વીજ પોલ તૂટી પડતાં લારી ચાલક ઘવાયો
વલસાડ : વલસાડમાં ડીજીવીસીએલ દ્વારા નવી લાઇન નખાઇ રહી હતી. ત્યારે તેમનો એક થાંભલો તૂટી પડતાં નાસ્તો વેંચનાર લારી ચાલક ઘાયલ થયો હતો. આ પોલ તેના પર જ પડ્યો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવો પડ્યો હતો.
વલસાડ ડીજીવીસીએલ દ્વારા આરપીએફ મેદાન પાસે નવી વીજ લાઇન નાખવાનું કાર્ય થઇ રહ્યું હતું. આ દરમિયાન આરપીએફ ગ્રાઉન્ડ પાસે રહેતા રમેશભાઇ નાયકા તેમની લારી લઇ ત્યાં ઉભા હતા. તેઓ લારીમાં વેફર વેંચી રહ્યા હતા. ત્યારે ડીજીવીસીએલના કર્મચારી દ્વારા અહીં નવી લાઇન નાખવાની કામગીરી દરમિયાન એક જર્જરિત વીજ પોલ રમેશભાઇની લારી પર તૂટી પડ્યો હતો અને તેઓ વીજ પોલ નીચે દબાઇ ગયા હતા. કર્મચારી દ્વારા જૂના વાયરની માવજત દરમિયાન તેમની બેદરકારી છતી થઇ હતી. જેના કારણે રમેશભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટના બાદ ડીજીવીસીએલના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.