SURAT

સુરતમાં કરોડો રૂપિયાનું ઉઠમણું કરનાર જે. દાઢીનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું

સુરત: (Surat) કરોડો રૂપિયાનું ઉઠમણું કરનાર જે. દાઢી ઉર્ફે જયેશ રેશમવાલાનું વધુ એક કૌભાંડ (Scam) બહાર આવ્યું છે. જયેશે તેના સગા નાના ભાઇને વિશ્વાસમાં લઇ તેની પાસે ધિરાણ મેળવવા સાક્ષીમાં સહી કરાવડાવી રૂ.69 લાખની મોર્ગેજ લોન (Loan) લઇ લીધી હતી. બેંકના કર્મચારીઓ મકાન (House) ખાલી કરવાની નોટિસ આપવા માટે આવ્યા ત્યારે કૌભાંડ બહાર આવ્યું હતું. આ બાબતે જયેશ રેશમવાલા અને તેના પુત્રની ડેનીશની સામે ગુનો નોંધવા પોલીસ (Police) કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ભટાર ઠાકોરબાગ કો.ઓ. સોસાયટીમાં રહેતા જયેશ પ્રવીણચંદ્ર રેશમવાલા તેમજ તેનો પુત્ર ડેનીશ જયેશ રેશમવાલા સ્વસ્તિક સારીઝના નામે કાપડનો વેપાર કરે છે. જયેશ અને તેના પુત્ર ડેનીશે ભેગા મળી સુરતના 10થી 12 વેપારીઓ પાસેથી અંદાજિત 15 કરોડથી વધુનો કાપડનો માલ લઇ રફ્ફુચકકર થઇ ગયા હતા. ભોગ બનનારા તમામ વેપારીઓ જયેશના ઘરે જતાં તેમના ઘરે તાળું માર્યું હતું. આખરે આ બાબતે ભોગ બનનાર વેપારીઓએ ફોસ્ટાના પ્રમુખને રજૂઆત કરી સલાબતપુરા પોલીસમાં ફરિયાદ કરાઇ હતી. ત્યાં જ આ જયેશ અને તેના પુત્ર ડેનીશનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ડેનીશે તેના સગા કાકા યોગેશ રેશમવાલા (રહે.,ઠાકોરબાગ સોસાયટી, ભટાર રોડ, સુરત)ને વિશ્વાસમાં લઇ બેંકમાંથી લોન લેવાનું કહ્યું હતું. અને તેમાં સાક્ષી તરીકે યોગેશભાઇને સહી કરવા જણાવ્યું હતું. આ લોનમાં બીજા સાક્ષી ડેનીશે તેની માતા નયનાબેનને રાખ્યા હોવાનું યોગેશભાઇને કહ્યું હતું.

પરિવારનો વેપાર વધતો હોવાથી યોગેશભાઇએ આંખ બંધ કરી ડેનીશ અને તેના પિતા જયેશભાઇએ જ્યાં કહ્યું ત્યાં સહી કરી હતી. બાદ ડેનીશ અને જયેશભાઇએ ભેગા મળી આઇડીએફસી બેંકમાંથી યોગેશભાઇની મિલકત ઉપર રૂ.69 લાખની લોન લીધી હતી. આ લોનના હપ્તા ભર્યા વગર જ પિતા-પુત્ર ફરાર થઇ જતાં બેંકના કર્મચારીઓ યોગેશભાઇના ઘરે પહોંચ્યા હતા અને ઘર ખાલી કરવાનું કહી નોટિસ ચોંટાડી ચાલ્યા ગયા હતા. આ બાબતે યોગેશભાઇએ સુરતના પોલીસ કમિશનરને ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી સાથે કૌભાંડમાં સંકળાયેલા બેંકના કર્મચારીઓની સામે પણ ફરિયાદ નોંધાય તેવી માંગણી કરવામાં આવી હતી.

જયેશ રેશમવાલા અને તેના પરિવાર સામે સલાબતપુરા પોલીસમાં અનેક અરજી, છતાં ફરિયાદ નોંધાઈ હતી
પ્રાપ્ત વિગતો મુજબ જે.દાઢી ઉર્ફે જયેશ પ્રવીણચંદ્ર રેશમવાલા અને તેના પરિવાર દ્વારા સુરતના ટેક્સટાઇલ વેપાર સાથે સંકળાયેલા અનેક વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઇ કરવામાં આવી હોવાની વિગતો છે. આ બાબતે જયેશ અને તેના પરિવારની સામે સલાબતપુરા પોલીસમાં વારંવાર અરજીઓ પણ કરવામાં આવી છે. ઠગાઇને લઇ આ બાબતે ફોસ્ટા દ્વારા પણ જયેશ રેશમવાલા અને તેના પરિવારના સામે ફરિયાદો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી એકપણ ફરિયાદ નોંધાઇ ન હોવાની વિગતો પોલીસમથકમાંથી મળી છે.

Most Popular

To Top