Gujarat

પહેલા જમીન માર્ગે સૌરાષ્ટ્ર જવામાં 8થી 12 કલાકનો સમય જતો હતો, હવે મળી ગઈ આ સુવિધા

સુરતઃ (Surat) રાજ્ય સરકારના ગુજસેલ તથા વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરત એરપોર્ટથી (Surat airport) નવા વર્ષના પ્રારંભે જ સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી વિમાન સેવાથી સુરતથી સૌરાષ્ટ્ર (Saurashtra) વિમાન માર્ગે ૪૫ થી ૬૦ મિનિટમાં પહોંચી શકાશે. એવી જ રીતે ૬૦ મિનિટમાં સુરતથી અમદાવાદ પહોંચી શકાશે. આ આંતરરાજ્ય હવાઈ સેવાઓનો રાજ્યના નાગરિક ઉડ્ડયનમંત્રી પૂર્ણેશ મોદી તથા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વેન્ચુરા દ્વારા વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટમાં, સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં, સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થયેલી આ ઝડપી હવાઈ સેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. સુરતથી ચારેય શહેરો માટે એકસમાન ૧૯૯૯ રૂા. નો ટિકિટ દર રાખવામાં આવ્યો છે.

પહેલા જમીન માર્ગે સૌરાષ્ટ્ર જવામાં 8થી 12 કલાકનો સમય જતો હતો: સીઆર પાટીલ
પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું કે, આ હવાઈ સેવાના કારણે એરટ્રાવેલ માટે ૮ થી ૧૨ કલાકનો સમય થતો હતો તેના સ્થાને એક કલાકમાં પહોચી શકશે. જેના કારણે વેપારીઓથી લઈને આમ આદમીને સમયની બચત થશે, જે બદલ સરકારનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમર તથા સુરત એરપોર્ટ ડાયરેકટર અમન સૈનીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાયેલા સમારોહમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વ સંગીતાબેન પાટિલ, અરવિંદ રાણા, પ્રવિણ ઘોઘારી, વી.ડી.ઝાલાવાડિયા, વિવેક પટેલ, વેન્ચુરાના સવજીભાઈ ધોળકીયા, અગ્રણી લવજીભાઈ બાદશાહ, કેપ્ટન અજય ચૌહાણ, ગુજસેલના CEO અજય ચૌહાણ, વેન્ચુરાના CEO મનુભાઈ સોજીત્રા, કેપ્ટન ઈશ્વર ધોળકિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડના ભિલાડથી કચ્છના નારાયણ સરોવર સુધી કોસ્ટલ હાઇવેનું નિર્માણ કરી દરિયા કિનારાના રસ્તાઓને જોડી દેવાશે: પૂર્ણેશ મોદી
માર્ગ પરિવહન અને નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે ટુંક સમયમાં તારાપુરથી બગોદરાના રસ્તાને ખુલ્લો મૂકવામાં આવનાર હોવાનું કહ્યું હતું. જેનાથી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત રોડમાર્ગે જોડાણ વધશે. ભિલાડથી લઈ કચ્છના નારાયણ સરોવર સુધી કોસ્ટલ હાઇવેનું નિર્માણ કરીને દરિયાકિનારાના રસ્તાઓને જોડીને લોકોને ઝડપી સુવિધા મળે તે માટેનું આયોજન હોવાનું તેમણે કહ્યું હતું. સુરતથી હાંસોટ, જબુસર, ખંભાતથી થઈ ભાવનગરને જોડતા હાઈવેના નિર્માણ માટે સરકાર પ્રયાસ કરી રહી છે.

Most Popular

To Top