સાપુતારા : પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ રાત્રીનાં અરસામાં ડાંગ (Dang) જિલ્લાનાં વઘઇ તરફથી આહવા તરફ આવી રહેલી દીપ દર્શન શાળાની બોલેરો જીપ ન.જી.જે. 30. એ.1632 તથા ડાંગની સહેલગાહ પુરી કરી સુરત (Surat) તરફ જઈ રહેલા સુરતી પ્રવાસીઓની કાર ન. જી.જે.05.આર.એન.1339 જે બન્ને આહવાથી વઘઇને જોડતા રાજ્ય ધોરીમાર્ગનાં નડગખાદી ગામ નજીકનાં વળાંકમાં વરસાદી માહોલમાં સામસામે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર મુસાફરોને શરીરનાં ભાગે નાની મોટી ઈજા પહોચતા સારવારનાં અર્થે આહવા તથા સુરત ખસેડાયા હતા. આ બનાવમાં બંને વાહનોનાં બોનેટનો કચ્ચરઘાણ વળી જતા જંગી નુકસાન થયુ હતુ.
નવી પારડી પાસે પિતાને ટિફિન આપવા જતાં બાઇકસવાર બે મિત્રના ટ્રક અડફેટે મોત
કામરેજ: નવી પારડી પાસે નહેરના ક્રોસિંગમાં મોટરસાઈકલને ટ્રકચાલકે ટક્કર મારી અડફેટે લેતાં પિતાને ટિફિન આપવા જતાં બંને મિત્રનું મોત નીપજ્યું હતું. કામરેજના નવી પારડી ગામે ચોર્યાસી ફળિયામાં રહેતા બળવંત કાલીદાસ વસાવા સોમવારે પીપોદરા ખાતે આવેલા મત્સ્ય ઉદ્યોગમાં મજૂરીકામ કરવા માટે ગયા હતા. બપોરે જમવાનું ટિફિન લઈ મોટો પુત્ર પીયૂષ (ઉં.વ.20) સવારે 11.30 કલાકે ગામમાં જ રહેતા મિત્ર રાજેશ રામુ વસાવા (ઉં.વ.16) સાથે મોટરસાઈકલ નં.(જીજે 05 કેટી 2429) લઈ જઈ રહ્યો હતો.
ત્યારે નવી પારડી ગામની સીમમાં કાકરાપાર જમણા કાંઠા નહેરની પાસે હાઈવે ક્રોસિંગમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર શિવશક્તિ પેટ્રોલ પંપની સામે ટ્રક નં.(આરજે 49 જીએ 1605)ના ચાલકે મોટરસાઈકલને પાછળથી ટક્કર મારી મોટરસાઈકલ સવાર બંને મિત્રને અડફેટે લેતાં શરીરે ગંભીર ઈજા થતાં 108માં સારવાર માટે ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં લઈ જતાં પીયૂષને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે રાજેશને વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા ટ્રકનો ચાલક ઘટના સ્થળથી થોડે દૂર મૂકીને નાસી છૂટ્યો હતો. જે અંગે મરનાર પીયૂષના પિતાએ ટ્રકચાલક સામે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.