સુરત: (Surat) સચિન જીઆઇડીસીની (GIDC) રાજકમલ ચોકડી પાસે આવેલી ઉન ખાડીમાં ઝેરી કેમિકલ વેસ્ટ (Toxic Chemical Waste) ઠાલવવાની ઘટનામાં 6 કામદારનાં મોત થયાં હતાં અને 23 કામદારને ઝેરી ગેસની અસર થઈ હતી. નવાઈની વાત એ છે કે, સચિન નોટિફાઇડ જીઆઇડીસીની સુરક્ષાની જવાબદારી ખાનગી સિક્યોરિટી એજન્સી બાલાજી સિક્યોરિટીને કોન્ટ્રાક્ટના ધોરણે આપવામાં આવી છે. જીઆઇડીસીમાં અસામાજિક પ્રવૃત્તિ ન થાય, નોટિફાઇડ ફરતેના ખાડી વિસ્તારોમાં કે 2 સીઈટીપી નજીક કોઈ વેસ્ટ કેમિકલ ઠાલવી ન જાય, એસ્ટેટના કાર્યરત પ્રોજેક્ટ અકસ્માત ન થાય, રસ્તા પર ટ્રાફિક હળવો કરવા સહિતનાં કામો માટે 50થી 55 સિક્યોરિટી જવાનો પાછળ જીઆઇડીસીનું નોટિફાઇડ તંત્ર મહિને 5થી 6 લાખનો ખર્ચ કરે છે. છતાં 6 કામદારનાં મોત માટે જીઆઇડીસીના એમડી એમ.થેન્નારાશને બેજવાબદાર અધિકારીઓ તો દૂર કોન્ટ્રાક્ટ હેઠળની સિક્યોરિટી એજન્સી સામે પણ કાર્યવાહી કરી નથી.
- સચિન જીઆઈડીસીમાં 50 થી55 સિક્યોરિટી જવાનો પાછળ મહિને 5થી 6 લાખનો ખર્ચ છતાં ગેસકાંડ સર્જાયો
- ગેસકાંડ થયો ત્યારે સિક્યોરિટી જવાનો ઊંઘતા હતા, પોલીસ અને જીપીસીબીના અધિકારીઓની ટીમ ઘટના સમયે પહેલાં પહોંચી હતી
બીજી તરફ પોલીસ અને જીપીસીબીએ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. પણ જીઆઇડીસીના એમડી થેન્નારાશન અને ચેરમેન બળવંતસિંહ રાજપૂતે હજી કોઈ અધિકારીઓની જવાબદારી નક્કી કરી નથી કે કોઈ વિભાગીય ઇન્કવાયરી પણ યોજી નથી. સચિન ઇન્ડ.સોસાયટીના માજી પ્રમુખ નિલેશ ગામી અને માજી સેક્રેટરી મયૂર ગોળવાલાએ થેન્નારાશનને મોકલેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જીઆઇડીસીની ઉન ખાડીમાં ગેસ દુર્ઘટના બની એ રાતે સિક્યોરિટી સ્ટાફ ઊંઘતો હતો. પોલીસ અને જીપીસીબીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા તેના કલાક પછી સિક્યોરિટી સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. વર્ષે 60થી 70 લાખનો સિક્યોરિટી પાછળ ખર્ચ થતો હોવા છતાં ઝેરી કેમિકલ ટેન્કરો ઠાલવવાના બનાવો બની રહ્યા છે.
ઉદ્યોગકારોના ટેક્સમાંથી મોટી રકમ સિક્યોરિટી પાછળ ખર્ચ થતી હોવા છતાં જીઆઇડીસીમાં કોઈ તપાસ થતી નથી. કોન્ટ્રાક્ટ પ્રમાણે સિક્યોરિટી સ્ટાફે 8-8 કલાકની 3 પાળીમાં કામ કરવાનું હોય છે, પણ ભાગ્યે જ આ સ્ટાફ પેટ્રોલિંગ કરતો દેખાય છે. પેટ્રોલિંગ વેહિકલ નોટિફાઇડ ભવન પાસે મોટા ભાગે ઊભેલું દેખાય છે. સિક્યોરિટી એજન્સીની બેદરકારી છતાં જીઆઇડીસીના રિજયોનલ મેનેજર અને નોટિફાઇડ બોર્ડના મેમ્બર યોગેશસિંહ પરમાર અને ચીફ નોટિફાઇડ ઓફિસર સુદીપ દાસે કોઈ કાર્યવાહી કરી નથી.