SURAT

સચિન કેમિકલ કાંડમાં ભરૂચની કેમીઓર્ગેનિક કંપનીના એમડી મયંક શાહની ધરપકડ

સુરત: (Surat) કેમિકલ લીકેજ દુર્ઘટનામાં 6 વ્યક્તિના મોતના જવાબદાર ગણાતી હાઇકેલ કંપનીની ત્રણ વ્યક્તિના જામીન (Bail) નામંજૂર કરવામાં આવ્યા છે. આ જ કેસમાં સચીન જીઆઇડીસીમાં વેપાર કરતા ત્રણ ઉદ્યોગકારોને જામીનમુક્ત કરતો હુકમ કરવામાં આવ્યો હતો. એકાદ મહિના પહેલા ટેન્કરમાંથી કેમિકલ ઠાલવવાના પ્રયાસમાં તે હવામાં ફેલાતાં 6 વ્યક્તિના મોત નીપજ્યાં હતાં જ્યારે 22 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. આ કેસમાં સચીનના (Sachin) ઉદ્યોગપતિ રમણભઆઇ ભલાભાઇ બારીયા, વિજયભાઇ ધીરૂભાઇ ડોબરિયા તેમજ સૌરભભાઇ પ્રવિણભાઇ ગાબાણીએ વકીલ કેતન રેશમવાલા મારફતે સુરતની કોર્ટમાં જામીન અરજી કરી હતી. આજ કેસમાં આ ઉપરાંત મુંબઇની હાઇકેલ કંપનીના જ્યોતિ મનસુખભાઇ પટેલ, મછીન્દરનાથ ઘોરે અને અભય સુરેશ દાંડેકરે પણ જામીન મુક્તી માટે અરજી કરી હતી. સરકારી પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી આરોપીઓના જામીન નામંજૂર કરવા માટે અપીલ કરી હતી . કોર્ટે (Court) બંને પક્ષોની દલીલો તેમજ પુરાવાઓ ધ્યાને રાખીને સચીન જીઆઇડીસીમાં વેપાર કરતા રમણભાઇ, વિજયભાઇ અને સૌરભભાઇને જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો હતો, જ્યારે હાઇકેલ કંપનીના જ્યોતિ પટેલ, મછીન્દરનાથ અને અભય ડાંડેકરના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

એસઓજીએ કેમીઓર્ગેનિક કંપનીના એમડી સહિત ત્રણ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા
સચીન જીઆઇડીસીમાં કેમિકલ ઠાલવવા દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં ફરિયાદ નોંધાયા બાદ પર્યાવરણને નુકસાન થાય તેવી બેદરકારીનો પણ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) દ્વારા કરવામાં આવી રહી છે. એસઓજીએ એક દિવસ પહેલા ભરૂચની કેમીઓર્ગેનિક કંપનીના એમડી મયંક જેન્તીભાઇ શાહ, તેમજ કંપનીના કર્મચારી યશવંત મોંઢે અને વિરલ પંચાલની પણ ધરપકડ કરીને સુરતની કોર્ટમાં રજૂ કર્યા હતા. એસઓજીએ ત્રણેયની પુછપરછ કરવા માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સામે બચાવપક્ષે ત્રણેયના વકીલ કલ્પેશ દેસાઇ અને ગૌતમ દેસાઇએ દલીલો કરીને રિમાન્ડ નામંજૂર કરવા માટે દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ એમડી સહિત ત્રણેયના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.

એફએસએલના બે રિપોર્ટ અને ગટરલાઇનના રિપેરીંગના પુરાવાથી જામીન મળ્યા
જય બજરંગ ઇન્ડસ્ટ્રીઝના રમણભાઇ ભલાભાઇ બારીયા, સહજાનંદ કલરયાર્નના વિજયભાઇ ધીરૂભાઇ ડોબરીયા તેમજ રીયલ ફેમના સૌરભભાઇ પ્રવિણભાઇ ગાબાણીને જામીન મુક્ત કરતો હુકમ કરવામાં આવ્યો હતો. આ અંગે વકીલ કેતન રેશમવાલાએ માહિતી આપતા કહ્યું હતું કે, આરોપીઓની ગટરમાંથી પાણી છોડાતુ હોવાનો રિપોર્ટ કર્યો હતો, પરંતુ ગટરલાઇનનું રીપેરીંગ થઇ રહ્યું હતું, આ ઉપરાંત જે કેમિકલ મળ્યું તે અંગે એફએસએલ દ્વારા નવો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ બંને પુરાવા આરોપીઓને તરફેણમાં હતા અને તેને ધ્યાને રાખીને કોર્ટે ત્રણેયને જામીન મુક્ત કરતો હુકમ કર્યો હતો.

Most Popular

To Top