સુરત આરટીઓમાં ટાઉટની દાદાગીરી, આસિસ્ટન્ટ આરટીઓનો કોલર પકડી શર્ટના બટન તોડી નાંખ્યા

સુરત: (Surat) સુરતની પાલ (Pal) સ્થિત આરટીઓ (RTO) કચેરીમાં ટાઉટ (Agent) કેટલા બેફામ બન્યા છે એનો અનુભવ આજે મદદનીશ આરટીઓ કૃણાલ પંચાલને થયો હતો. સુરત આરટીઓમાં આજે કોઈ કામ માટે ઓર્ડર કરાવવા અકિલ નામના ટાઉટે મદદનીશ આરટીઓ કૃણાલ પંચાલને પેપરો આપવા પ્રયાસ કર્યો હતો પણ તેમણે ટાઉટને પેપર (Paper) પટાવાળાને (Peon) આપી દે જોઈને ઓર્ડર (Order) કરીશું એવો આદેશ કરતા ઉશ્કેરાયેલા ટાઉટએ મદદનીશ આરટીઓ પંચાલનો કોલર (Collar) પકડી લેતા તેમના શર્ટના (Shirt) બટન તૂટી ગયા હતાં.

  • સુરત આરટીઓ ટાઉટને હવાલે, ઇન્ચાર્જ આરટીઓનો કોલર પકડી બટન તોડી નાંખ્યા
  • અચાનક ટાઉટના હુમલાથી ચોકી ઉઠેલા મદદનીશ આરટીઓ કૃણાલ પંચાલે ટાઉટને તમાચા ઝિંકી પ્રતિકાર કર્યો
  • ટાઉટ સામે કાનૂની કાર્યવાહી કરવાને બદલે માફી મંગાવી મામલો રફેદફે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

ટાઉટના અચાનક થયેલા હુમલાથી ચોંકી ગયેલા પંચાલે વળતાં પ્રતિકારમાં ટાઉટને બે તમાચા મારી ઓફિસની બહાર તગેડી મુક્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ મદદનીશ આરટીઓનો કાંઠલો ઝાલનાર ટાઉટ તાજેતરમાં બોગસ લાયસન્સ કૌભાંડમાં પકડાઇ જેલ હવાલે થયેલા ટાઉટનો સગો ભાઈ છે. જોકે આ મામલે દિવસભર આરટીઓમાં ચર્ચા ચાલી હતી છતાં ટાઉટ સામે કાનૂની કાર્યવાહી કરવાને બદલે માફી મંગાવી મામલો રફેદફે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ મામલો ઇન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલ સુધી પહોંચતા તેમણે મદદનીશ આરટીઓ પાસે ઘટનાની હકીકત મેળવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે બપોરે બાર વાગ્યા પછીના સીસીટીવી ફૂટેજની તપાસ થાય તો ટાઉટની દાદાગીરી સામે આવી શકે છે. આરટીઓ અધિકારી ટાઉટને ગંભીર ઘટના છતાં કેમ છાવરી રહ્યાં છે તેને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું છે. સુરતના ઇન્ચાર્જ આરટીઓ આ મામલની તપાસ કરી રહ્યાં છે.

સામાન્ય બોલાચાલી થઈ હતી :કૃણાલ પંચાલ
સુરતના મદદનીશ આરટીઓ કૃણાલ પંચાલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ટાઉટ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. અમે તેને ઓફિસની બહાર કાઢી મૂક્યો હતો. ટાઉટે મારો કોલર પકડ્યો કે મેં તેને માર્યો એ વાત સાચી નથી.

Most Popular

To Top