સુરત: આજે ગુરુવારે સવારે સુરત શહેરમાં ફરી એક આગજનીની ઘટના બની છે. શહેરના રિવરફ્રન્ટ પર આગ લાગી છે. આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટેગોટા દૂરથી જોઈ શકાતા હતા. આગનો કોલ મળતા ફાયર બ્રિગેડ તરત દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. રિવરફ્રન્ટ પર અડાજણના છેડા પર આવેલા મેળામાં આગ લાગી છે. હજુ થોડા દિવસ પહેલાં જ આ મેળામાં આગ લાગી હતી. ફરી એકવાર અહીં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડતું થયું છે. જુઓ વીડિયો
બે દિવસ અગાઉ પણ આગ લાગી હતી
તમને જણાવી દઈએ કે અડાજણ છેડે આવેલા રિવરફ્રન્ટ પરના ડોમમાં બે દિવસ પહેલાં પણ આગ લાગી હતી. અચાનક આગ લાગતા ભાગદોડ મચી હતી. પાંચ ફાયર બ્રિગેડની ગાડી દ્વારા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.
બે દિવસમાં બીજી વાર આગ લાગતા અચરજ
તાપીના રિવરફ્રન્ટ પર ઉભો કરાયેલો ડોમ ઘણા સમયથી વણવપરાયેલો હતો. અહીં અસામાજિક તત્વોએ અડ્ડો જમાવ્યો હોવાની ફરિયાદો ઉઠતી રહી છે, ત્યારે બે દિવસમાં બે વખત આગ લાગતા અચરજ સર્જાયું છે. આજે સવારે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. રસ્તા પર ભાગદોડ મચી ગઈ હતી. લોકોએ લારી સહિતના દબાણો દૂર કર્યા હતા. ફાયર ઓફિસર પ્રદીપ પટેલે કહ્યું કે, હોપપુલના અડાજણ છેડે આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. અહીં ઓપનગ્રાઉન્ડમાં ડોમમાં આગ લાગી હતી. ખુલ્લી જગ્યામાં આગ લાગી હોવાથી વધુ ફેલાઈ હતી. ફાયરની 3 ગાડીએ આગ કાબુમાં લેવાઈ ગઈ છે. આગનું કારણ જાણી શકાયું નથી.