સુરત: (Surat) સુરતના મહત્વકાંક્ષી પ્રોજેકટ પૈકી કન્વેન્સિયલ બેરેજ અને વહીવટી ભવનના ટેન્ડર આવી ગયા છે ત્યારે આવાજ મહત્વકાંક્ષી એવા તાપી નદીના બન્ને કિનારે 66 કિ.મી.ના રિવરફ્રન્ટ (River Front) ડેવલપમેન્ટ પ્રોજેક્ટને વિશ્વબેંકનું ફંડીંગ મળવાનું હોય વિશ્વબેંકની ટીમ (World Bank Team) સોમવારથી સુરતમાં છ દિવસના પ્રવાસે આવી રહી છે.
- રિવરફ્રન્ટ પ્રોજેક્ટ : આજથી વર્લ્ડબેંકની ટીમનાં સુરતમાં ધામા
- શહેરના મહત્વકાંક્ષી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના 2000 કરોડ પૈકી 1400 કરોડ વર્લ્ડબેંકની લોનથી મળવાના છે
રિવરફ્રંટના કુલ 3900 કરોડના પ્રોજેકટ પૈકી પ્રથમ તબક્કામાં રૂંઢથી કોઝવે સુધીના વિસ્તાર માટે આશરે 2000 કરોડના ડીપીઆર મંજુર કરાયા છે. જેના માટે વિશ્વબેંક પાસેથી 70 ટકા એટલે કે 1400 કરોડ જેટલી લોન મળશે. આ લોન આપતા પહેલા જરૂરી કાર્યવાહીના ભાગરૂપે વિશ્વબેંકની ટીમ સુરત આવી રહી છે. આ ટીમ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ઉપરાંત સુરત મહાનગરપાલિકાની ફાઈનાન્સિયલ સ્થિતિ અને મહાનગર પાલિકાના આવકના સ્ત્રોત અંગે માહિતી મેળવશે. મનપા દ્વારા વિવિધ પ્રોજેકટના પ્રેઝેન્ટેશન રજુ કરાશે અને આ ટીમ પ્રોજેક્ટની ફિઝિબિલિટીના આધારે ફંડની ફાળવણી માટે ભલામણ કરશે. આ ટીમ સમક્ષ પ્રભાવી પ્રેઝન્ટેશન રજુ કરવા માટે મનપા દ્વારા પુરતી તૈયારી કરાઇ છે. કદાચ પ્રથમ વખત માત્ર આ પ્રોજેક્ટ માટે નોડલ ઓફિસરની પણ નિમણૂક કરી દેવાઇ છે. જે પ્રેઝન્ટેશન માટે મહાનગરપાલિકાના અધિકારીઓએ કન્સલ્ટન્ટ સાથે ચર્ચા કરીને પ્રેઝન્ટેશન આપશે.
રાજ્ય સરકારે સુરત મનપાને જકાતની અવેજમાં મળતી ગ્રાંટમાં 10 ટકાનો વધારો કર્યો
સુરત: સરકારે સુરત સહિત તમામ મહાનગર પાલિકામાંથી વર્ષ 2007માં જકાત નાબુદીનો નિર્ણય લીધો હતો અને જકાતના બદલામાં સરકાર દ્વારા જકાતની તે સમયની આવકને ધ્યાને રાખીને ગ્રાન્ટ આપવાનું નકકી થયું હતું, જકાત બંધ થઇ ત્યારે સુરત મનપાની જકાતની રોજીંદી આવક દોઢ કરોડની આસપાસ હતી અને કુદકે ને ભુંસકે આ આવક વધી રહી હતી. જો કે સરકારે દર વર્ષે આ ગ્રાન્ટમાં 10 ટકા ગ્રોથ રેઇટ આપવા વચન આપ્યું હતું. જો કે તેનું નિયમિત પાલન થયું નથી, અને છેલ્લે 2017માં જકાતની અવેજમાં અપાતી ગ્રાન્ટમાં વધારો કરાયા બાદ હવે છેક નાણાકીય વર્ષ 2022-23 થી સુરત મહાનગર પાલિકાને મળતી ઓક્ટ્રોયની ગ્રાન્ટમાં 10 ટકાનો વધારો આપવા સરકારે જાહરાત કરી છે. જેનો પરીપત્ર મનપાને મળી ગયો છે. જેથી પાલિકાને હવે જકાતની અવેજમાં મળતી વાર્ષિક ગ્રાન્ટ 10 ટકા વધીને 792 કરોડ થઇ જશે. સરકારે લીધેલા નિર્ણય મુજબ તમામ મહાનગર પાલિકાઓને સમાનરૂપે 7 ટકા અને 3 ટકા વધારો પર્ફોમન્સના આધારે અપાશે. નોંધનીય છે કે, સુરત પાલિકાને મહિને 6 કરોડ ગ્રાન્ટ વધારામાંથી 1.5 કરોડ પફોર્મન્સના આધારે મળશે. અત્યાર સુધી મહાનગર પાલિકાને દર મહિને 60.27 કરોડ એટલે કે વર્ષે 720 કરોડ મળતા હતા. જ્યારે હવે પાલિકાને મહિને 66.27 કરોડ અને વાર્ષિક 792 કરોડ જેટલી રકમ મળશે.