SURAT

સુરતમાં 14 વર્ષની છોકરીને ફોસલાવી ભગાડી જનારને 20 વર્ષની કેદ

સુરત (Surat) : સચીન જીઆઇડીસીમાં (Sachin GIDC) એક સગીરાની માતા હોસ્પિટલમાં હતા અને પિતા ટિફીન આપવા માટે હોસ્પિટલ જતા હતા ત્યારે સગીરાની સાથે બળજબરીથી રેપ (Rape) કરનાર તેમજ લગ્નની લાલચે ભગાડી જઇને સતત અઠવાડિયા સુધી બળાત્કાર ગુજારનાર આરોપીને (Accused) કોર્ટે (Courte) તકસીરવાર ઠેરવ્યો હતો અને 20 વર્ષની સખત કેદની સજા તેમજ 50 હજારનો દંડ કરતો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત મુજબ સચીન જીઆઇડીસી પાસે બરફ ફેક્ટરી નજીક નવદુર્ગા સોસાયટીમાં રહેતા અને મજૂરીકામ કરતો રાજાભૈયા ઉર્ફે રાજા છોટેલાલ સોનગર (ખટીક) એ 14 વર્ષિય સગીરાને ગત તા. 29-09-2020ના રોજ સવારે પાંચ વાગ્યાના અરસામાં લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. રાજાભૈયા સગીરાને તેના વતન યુપીમાં લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના અંગે સચીન જીઆઇડીસીમાં ફરિયાદ નોંધાતા પોલીસે યુપીથી રાજાભૈયાની ધરપકડ કરી હતી. સગીરા ઉંમર નાની હોય રાજાભૈયાની સામે પોક્સો એક્ટની કલમ ઉમેરાઇ હતી અને તેની સામે ચાર્જશીટ કરી ટ્રાયલ શરૂ થઇ હતી.

આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દિપેશ દવેએ રજૂઆતો કરીને આરોપીને વધુમાં વધુ સજા આપવા માટે માંગ કરી હતી. સરકારી વકીલે દલીલો કરતા કહ્યું કે, સગીરાની માતા જ્યારે હોસ્પિટલમાં હતા, અને તેના પિતા હોસ્પિટલમાં ટીફિન આપવા માટે જતા હતા ત્યારે આરોપી રાજાભૈયા ઘરમાં આવીને સગીરાની સાથે બળજબરીથી બળાત્કાર ગુજારતો હતો, બાદમાં તે સગીરાને અપહરણ કરીને લઇ ગયો હતો અને અઠવાડિયા સુધી રાખીને રેપ કર્યો હતો.

દરમિયાન પોલીસ પકડવા માટે આવી તે દિવસે આરોપીએ સગીરાને માર પણ માર્યો હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ પોતાના ચૂકાદામાં જણાવ્યું હતું કે, સગીરાના ગુપ્તભાગે કોઇ ઇજાના નિશાન નથી, પરંતુ તેણીની સાથે શારીરિક સંબંધ બંધાયાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત મેડીકલ પુરાવાથી પણ બળાત્કારની ઘટનાને સમર્થન મળે છે, સગીરાની સાથે સંબંધ બાંધવામાં આવ્યો હોય તેવા પુરાવા રેકર્ડ ઉપર આવ્યા છે. આરોપીએ સગીરાનું અપહરણ કરીને અઠવાડિયા સુધી દરરોજ શરીરસંબંધ બાંધતો હતો તેવું સગીરાના પુરાવામાં આવ્યું છે તે તમામ સંજોગો જોતા તેમજ સમાજમાં દાખલો બેસે અને બીજા આરોપીઓ આવા ગુના કરતા અટકે તે પણ જરૂરી છે તેમ ટાંકીને કોર્ટે આરોપી રાજાભૈયાને તકસીરવાર ઠેરવ્યો હતો અને 20 વર્ષની સખત કેદની સજા અને 50 હજારનો દંડ કરતો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ભોગબનનારને રૂા.1 લાખનું વળતર આપવા માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને આદેશ આપ્યો હતો.

Most Popular

To Top