SURAT

રાંદેરની મહિલાને પડોશી દંપતિએ પુત્રને તાપી નદીમાં ફેંકી દેવાની ધમકી આપી

સુરતઃ (Surat) રાંદેર ખાતે રહેતી મહિલાએ પડોશી (Neighbor) દંપત્તિ સાથે પૂજાના કપડા અને ચણિયાચોળીનો વેપાર (Trade) શરૂ કર્યો હતો. વેપારના હિસાબમાં દંપત્તિએ ગોટાળો કરતા મહિલાએ તેના હિસાબના 25 લાખની માંગણી કરી હતી. ત્યારે દંપત્તિ પૈકી યુવકે તેના ઘરે જઈને તેની સાથે બદકામ કરવાના ઇરાદે છેડતી કરી હતી. અને બાદમાં તેની પત્નીએ આવીને હિસાબના 25 લાખ ભૂલી જવાનું કહી તેના પુત્રને મારી નાંખી તાપીમાં ફેંકી દેવાની ધમકી આપી હતી.

  • રાંદેરની મહિલાને ભાગીદાર દંપતિએ પુત્રને તાપી નદીમાં ફેંકી દેવાની ધમકી આપી
  • મહિલાએ પડોશી દંપત્તિ સાથે ભાગીદારીમાં પૂજાના કપડા અને ચણિયા ચોળીનો વેપાર શરૂ કર્યો હતો
  • રાંદેરમાં ધંધાના ભાગીદારે મહિલાના ઘરે જઈ રૂમમાં ખેચી લઈ જઈ છેડતી કરી

રાંદેર ખાતે રહેતી 42 વર્ષીય દિશાબેન (નામ બદલ્યું છે) રાંદેરમાં પૂજાના કપડા અને ચણિયાચોળીનો વેપાર કરે છે. તેમણે રાંદેર પોલીસ સ્ટેશનમાં ચીંતન ચંદ્રકાંત શાહ અને તેની પત્ની મીનુબેન (બંને રહે, સીદ્ધાર્થવિલા અડાજણ પાટીયા) ની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ દિશાબેન અગાઉ ઘરેથી નાના પાયે વેપાર કરતા હતા. બાદમાં પાંચેક વર્ષ પહેલા આ દંપત્તિ સાથે ભાગીદારીમાં વેપાર શરૂ કર્યો હતો. ધંધો થોડો મોટો થતાં એક દુકાન ભાડે રાખી હતી. ધંધામાં દિશાબેન અને દંપત્તિ મળીને ત્રણ ભાગ રાખ્યા હતા. ચીંતનભાઈના પિતા ચંદ્રકાંતભાઈ હિસાબ જોતા હતા. દસેક મહિના પહેલા તેમનું અવસાન થતા દંપત્તિ હિસાબમાં ધ્યાન આપતું નહોતું.

બીલો બનાવ્યા વગર ધંધાના હિસાબમાં ગોટાળો કર્યો હતો. આ બાબત દિશાબેનના ધ્યાને આવતા તેમણે દંપત્તિ સાથે વાત કરી સાતેક મહિના પહેલા હિસાબ કરીને આશરે 25 લાખ તેમના લેવાના નીકળતા હોવાનું કહ્યું હતું. તે સમયે દંપત્તિએ દિશાબેનને જ્યારે મોટો ફ્લેટ લેવાનો હશે ત્યારે બધા રૂપિયા ભેગા આપી મદદ કરવા વિશ્વાસ અપાવ્યો હતો. પરંતુ આટલી મોટી રકમ આપવા દંપત્તિની દાનત બગડી હતી. અને 24 જાન્યુઆરીએ ચીંતન રાત્રે દિશાબેનને ઘરે જઈ ધંધામાં હિસાબ કિતાબ નહી માંગવાનો નહીં અને ચુપચાપ જેમ ચાલે છે તેમ કામ કરવા કહ્યું હતું. બાદમાં 17 ફેબ્રુઆરીએ દિશાબેનનો પુત્ર મિત્રો સાથે પાટણ ગયો હતો ત્યારે ચીંતને ઘરે આવીને દિશાબેનને શરીર પર હાથ ફેરવી છેડતી કરી હતી. દિશાબેનએ વિરોધ કરતા ઉશ્કેરાઈને તેને દિશાબેનને ધક્કો મારી નીચે પાડી હતી. તેમને આંખના ભાગે ઇજા પણ થઈ હતી.

બાદમાં દિશાબેનને ખેંચીને રૂમમાં લઈ જઈ બેડરૂમમાં પછાડી હતી. દિશાબેનએ બુમાબુમ કરતા ચીંતને બોટલ વડે ટીવી તોડી નાખ્યું હતું. દિશાબેને તેની પત્નીને બોલાવવાનું કહેતા ચીંતને પોતે જ પત્નીને ફોન કરી બોલાવી હતી. અને બંને દંપત્તિએ દિશાબેનને ભલે તારે 25 લાખનો હિસાબ લેવાનો નીકળે પણ તને એક ફૂટી કોડી આપીશુ નહીં કહીને દુકાનની ચાવી માંગી લીધી હતી. અને તેના દીકરાને જાનથી મારી તાપી નદીમાં ફેંકી દઈશ તેવી ધમકી આપી હતી. દિશાબેનએ આ અંગે રાંદેર પોલીસ સ્ટેશનમાં દંપત્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top