સુરત: (Surat) રાંદેર ટાઉનમાં પાલિયાવાડ ખાતે રહેતા અઝહરૂદ્દીને રાંદેર પોલીસ સ્ટેશનમાં (Police Station) કૌટુંબિક ભાઈઓ અબ્દુલ રહેમાન ઉર્ફે સદ્દામ ગુલામ સૈયદ, સલમાન ગુલામ સૈયદ, તોસિફ ઉર્ફે લાલુ રસુલ સૈયદ (રહે.,પાલિયાવાડ, ન્યૂ અંજુમન સ્કૂલ પાસે, રાંદેર) સામે હત્યાની કોશિશનો (Attempt To Murder) ગુનો નોંધાવ્યો હતો. ગત તા.22 તારીખે બપોરે અઝહરૂદ્દીનના મોટા ભાઈ ઈકબાલનો મહોલ્લામાં રહેતા અબ્દુલ રહેમાન અને તેના ભાઈ સલમાન સાથે ઝઘડો થયો હતો.
ઘટનાની વિગત એવી છે કે ઈકબાલ બાઈક ઉપર ઘર પાસેથી જતો હતો ત્યારે અબ્દુલ રહેમાન તેના ઘર પાસે ટેમ્પોમાં સામાન ભરતા હતા. ત્યારે ઇકબાલ બાઈક લઈને ત્યાં ઊભો હતો. બાદ અબ્દુલ રહેમાને ટેમ્પો ચાલુ કરી ઇકબાલને રસ્તામાંથી ગાડી હટાવવાનું કહી ગાળો આપી હતી. ઇકબાલે ગાળો આપવા ના પાડતાં અબ્દુલ રહેમાન અને સલમાને લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ અઝહરૂદ્દીન તથા તેનો ભાઇ ઇકબાલ અને તેમના મિત્રો સરફરાજ અને સિદ્દીક રાંદેર તીનબત્તી પાસે નાસ્તો કરતા હતા. એ વખતે અબ્દુલ રહેમાન અને તેનો ભાઇ સલમાન અને તેમના સંબંધી તૌસીફ લાલુ, મુસ્તુફા મલેક એક ફોર વ્હીલ ગાડીમાં ત્યાં આવી પહોંચ્યા હતા. અબ્દુલ રહેમાને ઇકબાલની ફેંટ પકડી માર મારી તેની પાસેના ચપ્પુથી ઇકબાલને ઘા મારી દીધા હતા. ઇકબાલને જમીન ઉપર પાડી સલમાન સૈયદ, તૌસીફ લાલુ, મુસ્તુફા મલેકે પકડી રાખી સલમાને તેની પાસેની તલવારથી ઇકબાલને મારી ઇજા પહોંચાડી હતી.
માથાભારે સજ્જુ કોઠારીને નાગપુરની હોટેલમાંથી ઉંઘમાં દબોચી લેવાયો
સુરત: નાનપુરામાં રહેતો અને માથાભારે સજ્જુ કોઠારી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો ત્યારથી ફરાર હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સજ્જુ કોઠારીને બાતમીના આધારે મહારાષ્ટ્રના નાગપુર ખાતેની એક હોટેલમાંથી ઝડપી પાડ્યો છે. હોટેલમાં ઉંઘતો હતો ત્યારે જ પોલીસની ટીમે હોટેલમાં રેડ કરી તેને દબોચી લીધો હતો.
શહેરના નાનપુરા જમરૂખગલીમાં રહેતા માથાભારે સાજુ ઉર્ફે સજ્જુ ગુલામ મોહંમદ કોઠારીની સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રના નાગપુરમાં એક હોટેલમાંથી ઉંઘમાં ધરપકડ કરી લીધી છે. નાનપુરાની સજ્જુ કોઠારી ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ નોંધાયેલી છે. તો હત્યા, અપહરણ, લૂંટ અને ખંડણી જેવા ગુનાની પણ ફરિયાદ નોંધાયેલી છે. સજ્જુ કોઠારી ગેંગ સામે 15થી વધુ ગુના નોંધાયા છે. આ સજ્જુએ પોતે વિલન હોય તેવી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી છે. પોલીસ પર હુમલો કરવા, ધમકી આપવા, રૂપિયા અને જમીન પડાવી લેવા સહિતના અનેક ગુનાઓ તેમના વિરૂદ્ધ દાખલ થઇ ચૂક્યા છે. અગાઉ તેમની ધરપકડ પણ થઇ ચૂકી છે. જોકે ગત ફેબ્રુઆરી મહિનામાં સુરતમાં પાંચમી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો. સજ્જુ કોઠારી ગેંગ સામે ગુજસીટોક ગુનો નોંધાયો છે. સજ્જુ કોઠારી સહિત કોઠારી ગેંગના 8 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સુરત પોલીસે અગાઉ 8માંથી 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. સજ્જુ કોઠારીના ભાઈ યુનુસ કોઠારીની અટકાયત કરાઇ હતી. ત્યારે હવે ફરાર મુખ્ય સૂત્રધાર સજ્જુ કોઠારીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.