સુરત: છેલ્લા બે-ત્રણ દિવસથી ઝરમર વરસતા મેઘરાજા (rain)એ સુરત (Surat)માં શુક્રવારે આક્રમક વલણ (effective nature) અપનાવ્યું હતું. આમ તો ગુરૂવારે રાતથી જ વરસાદી માહોલ (rainy atmosphere) જામી જવાની સાથે મેઘો મંડાયો હતો પરંતુ શુક્રવારે જાણે કસર કાઢવાની હોય તેમ વરસાદની ધુંઆધાર બેટિંગ (heavy rain) શરૂ થઈ હતી.
સવારથી જ શરૂ થઈ ગયેલા ભારે વરસાદને કારણે આખું સુરત શહેર પાણી- પાણી થઈ ગયું હતું. વરસાદને કારણે સુરતના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં. તો સાથે સાથે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં. વરસાદને કારણે સુરતમાં 10 ઠેકાણે ઝાડ પડી ગયાં હતાં. એક સ્થળે ચાર કાર ઝાડ નીચે દબાઈ ગઈ હતી. સાથે સાથે પાલ વિસ્તારમાં હાલમાં જ બનેલી વરસાદી ગટરમાં સાત સ્થળે ભૂવા પડ્યાં હતાં.

શુક્રવારના વરસાદે સુરત મહાપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી હતી. પાલમાં ભૂવો પડવાની સાથે અનેક વિસ્તારોમાં રસ્તાની ટ્રેન્ચ બેસી ગઈ હતી. વરસાદી ગટરના ઢાંકણાઓ ખોલવામાં આવ્યા નહીં હોવાથી રસ્તાઓ પર પાણી ભરાયા હતાં. જેને કારણે મનપાના કર્મચારીઓએ ભરવરસાદે વરસાદી ગટરના ઢાંકણાઓ ખોલવા પડ્યાં હતાં. આજના વરસાદમાં કોઈ મોટી દુર્ઘટના થઈ નહોતી પરંતુ રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને મોટી અસર થઈ હતી.

સાથે સાથે વરસાદને કારણે નોકરી-ધંધા પર જતાં લોકો પણ અટવાઈ ગયાં હતાં. રોજિંદા જનજીવનને વરસાદની મોટી અસર થઈ હતી. સવારથી શરૂ થયેલો વરસાદ મોડી સાંજે આશરે 5 ઈંચ નોંધાયો હતો. જેમાં સુરતના કોટ વિસ્તાર સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 123 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય વિસ્તારોમાં 3થી 4 ઈંચ વરસાદ નોંધાયો હતો.

સવારે 4 કલાકમાં જ પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો
જે સમયે ભારે વરસાદ પડ્યો હતો તેવા સવારના 8 થી 12 સુધીમાં જ સુરતમાં સરેરાશ વરસાદ પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ચાર જ કલાકમાં જેમાં સેન્ટ્રલ ઝોનમાં 70 મીમી, રાંદેર ઝોનમાં 64 મીમી, કતારગામ ઝોનમાં 65 મીમી, ઉધનામાં 47 મીમી, અઠવા ઝોનમાં 58 મીમી, વરાછા ઝોન એમાં 54 મીમી, વરાછા ઝોન બીમાં 52 મીમી, લિંબાયત ઝોનમાં 56 મીમી વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકનો વરસાદ
ઝોન વરસાદ
સેન્ટ્રલ ઝોન 123 મીમી
વરાછા ઝોન એ 83 મીમી
વરાછા ઝોન બી 78 મીમી
રાંદેર ઝોન 98 મીમી
કતારગામ ઝોન 95 મીમી
ઉધના ઝોન 77 મીમી
લિંબાયત ઝોન 85 મીમી
અઠવા ઝોન 94 મીમી
ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

ભારે વરસાદથી શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં વેડરોડ, ડભોલી ચારરસ્તા પાસે, આંબાતલાવડી, લક્ષ્મીકાંત આશ્રમ, સિંગણપોર ચાર રસ્તા, અમરોલી ચાર રસ્તા, ભરીમાતા રોડ, નાનપુરા કાદરશાની નાળ, પાલનપુર ગામ, વેસુ વીઆઇપી રોડ, ઉધના દરવાજા, પુણાગામ, અર્ચના સ્કુલ, લિંબાયત ગરનાળા, સહિત અનેક વિસ્તારમાં કલાકો સુધી પાણીનો ભરાવો થયો હતો. નિચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. એટલું જ નહીં કેટલીક જગ્યાએ તો ઘૂંટણસમા પાણી પણ ભરાઈ ગયા હતા અને આ પાણી ભરાતા કેટલાક લોકોના વાહનો પણ વરસાદી પાણીમાં બંધ પડી ગયા હતા.

રેલવે ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા
વરસાદની ધુંઆધાર બેટિંગને કારણે શહેરના ગરનાળાના વિસ્તાર ભારે પ્રભાવિત થયા હતાં. જેમાં ઉધના-લીંબાયતને જોડતું ગરનાળું, ઉત્રાણ મનિષા ગરનાળા, રેલવે સ્ટેશન પાસેના ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતાં. જેને કારણે ગરનાળામાંથી પસાર થતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. કેટલાક વાહનો પણ બંધ પડયા હતા અને લોકોએ ધક્કા મારવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોએ હેરાન થવું પડ્યું હતું અને નોકરી ધંધો કરતા લોકોએ પરેશાની ભોગવવી પડી હતી. તેઓએ રસ્તો ફરીને જવાનો વારો આવ્યો હતો.
