સુરત: (Surat) શહેર અને જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે મંગળવારે પણ વરસાદનો (Rain) જોર યથાવત રહ્યો હતો. જિલ્લામાં સર્વત્ર મેઘમહેરને પગલે સરેરાશ સાડા ત્રણ ઇંચ વરસાદ વિતેલા ચોવીસ કલાકમાં નોંધાયો હતો. આજના વરસાદમાં ખાસ વાત એ હતી કે સમગ્ર જિલ્લામાં (District) બપોરે 2થી 6 વાગ્યા સુધીમાં અતિભારે વરસાદ પડ્યો હતો. જેમાં ઉમરપાડા તાલુકામાં 2થી 4માં 67 મીમી એટલે કે 2.5 ઈંચ, મહુવા તાલુકામાં 2થી 6માં 4 ઈંચ તેમજ માંડવી તાલુકામાં પણ 2થી 6 દરમિયાન 6.5 ઈંચ વરસાદ પડ્યો હતો. જેને કારણે આ તાલુકાઓમાં ઠેરઠેર પાણી ભરાવાથી માંડીને રસ્તાઓ (Roads) બંધ કરવાની નોબત આવી હતી.
- બપોરે 2થી6ના 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી સુરત જિલ્લો તરબોળ
- અવિરત ચાલી રહેલી મેઘમહેરમાં મંગળવારે પણ મેઘાના મંડાણ યથાવત રહ્યા
- ઉમરપાડામાં 7 ઇંચ, મહુવા-માંગરોળ 5, બારડોલી 3, માંડવી 5.5, સુરતમાં 2 ઈંચ વરસાદ નોંધાયો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેર અને જિલ્લામાં આગામી અઠવાડિયા સુધી ભારે વરસાદની આગાહી છે. જેને પગલે તંત્ર એલર્ટ મોડમાં છે. તમામ અધિકારીઓની રજા પણ કેન્સર કરી દેવાઈ છે. અને તમામને સ્ટેન્ડબાય રહીને પુરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી માટેની જવાબદારી સોંપવામાં આવી છે. તમામ વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની સંભાવના છે ત્યાં પણ સ્થળાંતરણ માટેનું આગોતરૂ આયોજન કરવામા આવ્યું છે. તો જ્યાં પાણી ભરાયા છે ત્યાંથી પણ લોકોનું સ્થળાંતરણ કરાઈ રહ્યું છે. શહેર અને જિલ્લામાં પડેલા વરસાદને પગલે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉમરપાડામાં સાત ઇંચ, મહુવા, માંગરોળમાં પાંચ ઇંચ, બારડોલીમાં ત્રણ ઇંચ, માંડવીમાં સાડા પાંચ ઇંચ અને સુરત શહેરમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.
- જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલો વરસાદ
- તાલુકા વરસાદ(મીમી)
- ઉમરપાડા 175
- ઓલપાડ 22
- કામરેજ 38
- ચોર્યાસી 34
- પલસાણા 56
- બારડોલી 72
- મહુવા 136
- માંગરોળ 122
- માંડવી 131
- સુરત 45