SURAT

સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ, વાદળછાયું વાતાવરણ, વાદળો ગરજ્યાં

સુરત: (Surat) સુરતના કેટલાક વિસ્તારોમાં મંગળવારે વાદળછાયા વાતાવરણ (Cloudy Atmosphere) વચ્ચે બપોરના સમયે ઉધના દરવાજા વિસ્તારમાં અચાનક વરસાદ (Rain) વરસ્યો હતો. આ વિસ્તારમાં વાદળો છવાયા હતાં અને વરસાદી છાંટા પડ્યાં હતા. વરાછા અને લિંબાયત વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. જેને લઈને સુરતીઓમાં આશ્ચર્ય સર્જાયું હતું. બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે લોકોએ તડકાથી રાહત મેળવી હતી.

બીજી તરફ દેશના અન્ય ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદ થયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મંગળવારથી ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળશે. 18 થી 20 એપ્રિલ દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ છૂટાછવાયો હળવો વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતના છોટાઉદેપુરમાં મંગળવારે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહીં સવારથી જ વાતાવરણમાં ઠંડક વર્તાવાની સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બોડેલીમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. બોડેલીમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. વરસાદી છાંટા પડતા કપાસ વેચવા આવેલા ખેડૂતો પોતાનો કપાસ બચાવવા ચિંતિત બન્યા હતા. તો બીજી તરફ લોકોએ ગરમીમાંથી થોડી રાહત અનુભવી હતી.

જોકે આગામી બે દિવસો દરમિયાન રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધુ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. સોમવારે 42 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. દેશના અન્ય ભાગોમાં પણ ગરમીનુિં પ્રમાણ વધુ રહેવા સાથે કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા જણાવાઈ છે.

Most Popular

To Top