સુરત રેલવે સ્ટેશનનું રી-ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યારે ઉધના રેલ્વે સ્ટેશનને પર્યાય આપવામાં આવ્યો છે. પણ ઉધના રેલ્વે સ્ટેશન પર નજીકમાં કોઈ બસ સ્ટેન્ડ ન હોવાથી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં ન આવી હોવાથી ઓટો રિક્ષા સિવાય કોઈ વાહન ઉધના રેલ્વે સ્ટેશનથી મળતુ નથી. જેથી તે વિસ્તારના રીક્ષા ચાલકો 100 – 200 રૂપિયા વગરની વાત કરતા જ નથી! બહારના શહેર કે રાજ્યમાંથી સુરતની રેલ્વે સ્ટેશનની ટિકિટ તો આપે છે, પણ ટ્રેન સુરત રેલ્વે સ્ટેશન પર ઉભી રહેતી નથી અને બરોડા તરફથી આવતી ટ્રેનો સુરત પસાર કરી ઉધના રેલ્વે સ્ટેશન પર ઉભી રહે છે! આ કેવું? રેલ્વે ટિકિટ સુરતની અને ઉતારવાનું ઉધના રેલ્વે સ્ટેશન પર?
કેટલાક મુસાફરો જાન માલના જોખમે પણ સુરત રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેને ઉતરી જવાનું પસંદ કરે છે. આ અવ્યવસ્થા દૂર કરવા માટે મુસાફરોને ઉતરાણ રેલ્વે સ્ટેશન પર ઉભી રાખે અને મુંબઈ તરફથી આવતી ટ્રેનો ઉધના રેલ્વે સ્ટેશન પર ઉભી રાખે. મુસાફરોની વિટંબણા – મુશ્કેલીઓ જોવા રેલ્વેના લાખ્ખો રૂપિયાના પગારદાર અને સરકારી સુવિધાઓ ભોગવનાર અધિકારીઓ તેમની વાતાનુકૂલિત સરકારી કચેરીમાંથી બહાર નીકળી મુસાફરોની સુવિધાઓ માટે કોઈ આદર્શ આયોજન કરશે કે ચાર વર્ષ સુધી સુરતવાસીઓ અને તેમના મહેમાનો એ હાલમાં જેમ પીડા ભોગવે છે તેવી પીડા વર્ષો સુધી વેઠવી જ પડશે?! સુરતના સાંસદ / ધારાસભ્યો તેમના મતદાતાઓની આ મુશ્કેલી દૂર કરવા મેદાને પડશે તે જરૂરી.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ખત્રી સમાજના લગ્નમાં ‘બટાકા-પુરી’ નો જમણવાર
સુરતી ખત્રી સમાજમાં વર્ષોથી લગ્નના દિવસે સાદગીપૂર્ણ જમણવારનો રિવાજ ચાલતો આવેલો છે. લગ્નના દિવસે રાત્રે એક ખાસ પ્રકારના બટાકાનું શાક અને પુરીનું જમણ હોય છે. (તીખા ગરમમસાલાથી ભરપૂર રસવાળા બટાકાનું શાક જે ખત્રી સમાજના લગ્ન પ્રસંગમાં જ બનાવવામાં આવે છે.) સામાન્ય ઘરના હોય કે ધનિક ઘરના હોય તો બંને પક્ષે બટાકાપુરીનું જમણ હોય. પહેલા સમયમાં વરઘોડો વહેલો નીકળતો હતો. વરપક્ષના જાનૈયા વરપક્ષના ઘરના જમણવારમાં બટાકાપુરી જમતા હતા, જ્યારે કન્યા પક્ષવાળા કન્યાપક્ષના ઘરે બટાકાપુરી જમતા હતા. ખત્રી સમાજ કોટ વિસ્તારમાં જ વસવાટ કરતો હોવાથી આ જમણવારનો રિવાજ ચાલતો હતો. સમયાંતરે આજે કન્યાપક્ષના ઘરે જ બંને પક્ષના લગ્નમાં બટાકાપુરીનો જમણવાર યોજવામાં આવી રહ્યો છે. આજે પણ પરિવારની દીકરી બટાકાપુરીના જમણવારમાં પરણી જાય છે. ખત્રી સમાજનો આ પ્રકારનો વર્ષોથી ચાલતો સાદગીપૂર્ણ જમણવારનો રિવાજ સમાજ માટે ઉત્તમ ઉદાહરણ છે.
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.