સુરત : સુરત (Surat)ને રેલવે ડિવિઝન (railway division) માટે દાયકાઓથી માંગણી થતી રહી છે, ખૂદ દર્શના જરદોષે પણ સાંસદ (MP darshna jardosh) તરીકે સંસદ (Parliament)માં સુરતને રેલવે ડિવિઝન તેમજ ડીઆરએમ (DRM)ની ઓફિસ માટે માંગણીઓ કરી હતી પરંતુ જેવા દર્શના જરદોષ કેન્દ્રીય રેલવે મંત્રી (Railway minister) બન્યા તેવા તેમણે પલ્ટી મારી દીધી હતી. પત્રકાર પરિષદ (Press conference)માં દર્શના જરદોષે એવી વાતો કરી હતી કે જે હાસ્યાસ્પદ હતી.
સંસદમાં સુરતને રેલવે ડિવિઝન માટે રજૂઆતો કરનાર દર્શના જરદોષે પત્રકાર પરિષદમાં એવું કહી દીધું હતું કે રેલવે ડિવિઝનના મામલે સુરતને કોઈ અન્યાય થયો જ નથી. પ્રજામાંથી રેલવે ડિવિઝન માટે કોઈ માંગણી આવી જ નથી. હવે દર્શના જરદોષને કોણ સમજાવે કે તમે ખૂદ જ આ માંગણી સંસદમાં કરી ચૂક્યા છો. પત્રકાર પરિષદમાં દર્શના જરદોષને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સુરતને અલગ રેલવે ડિવિઝન આપીને અન્યાય ક્યારે દૂર કરાશે ત્યારે દર્શના જરદોષે એવું કહ્યું હતું કે સુરતને કોઈ અન્યાય થતો નથી. અમે રેલ્વેમાં થોડું થોડું વિકેન્દ્રીકરણ કરી સ્થાનિક સ્તરે જ અમુક નિર્ણય લેવાય તેવી વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છીએ.પરંતુ સુરતને કોઇ જ પ્રશ્ન નથી.(!) અલગ ડીવીઝનની કોઇ માંગ પ્રજામાંથી આવી નથી.(!) માત્ર ઝેડઆરયુસીસી અને ડીઆરયુસીસીના કેટલાક સભ્યો આ માંગ કરે છે. હું હજુ મંત્રી તરીકે નવી છું, માત્ર એકાદ મહિનો જ થયો છે તેવું જ્યારે દર્શના જરદોષે કહ્યું ત્યારે ફરી પુછાયું કે તમે મંત્રી તરીકે નવા છો પરંતુ ત્રણ ટર્મથી સુરતના સાંસદ તો છોને ? તમને અલગ ડિવિઝનની જરૂર નથી લાગતી?. આ પ્રશ્ન પુછાતાં જ દર્શના જરદોષે કોઇ જવાબ આપવાનું ટાળીને સુરતને અલગ ડિવિઝન મુદ્દે હસ્તક્ષેપ કરવા અંગે હાથ ઉંચા કરી દીધા હતા.
ભલે, મંત્રી તરીકે દર્શના જરદોષ ફરી ગયા હોય પરંતુ જ્યારે સાંસદ તરીકે તેઓ વર્ષ 2012થી 2020 સુધીમાં એકથી વધુ વખત લોકસભામાં સુરતને ડિવિઝન મળવું જોઇએ તેવી રજૂઆત કરી ચૂક્યા છે. દર્શના જરદોષે સંસદમાં કરેલી રજૂઆતના અનેક પુરાવા પણ મોજુદ છે. આ ઉપરાંત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા ફેસબૂક ઉપરાંત રેલવે સિટીઝન ફોરમ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ છેલ્લા એક દાયકાથી સુરતને રેલવે ડિવિઝન મામલે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે ત્યારે રેલવે મંત્રી દર્શના જરદોષના આ વલણે ભારે આશ્ચર્ય સર્જવાની સાથે સુરતીઓને આઘાત પણ આપ્યો છે.
સુરતને રેલવે ડિવિઝન માટે સાંસદ તરીકે દર્શના જરદોષે કરેલી રજૂઆતના પુરાવા
પૂરાવો નંબર 1
તા 2 માર્ચ 2016ના રોજ બિનતારાંકિત પ્રશ્ન 1034માં સાંસદ દર્શના જરદોષે વેસ્ટર્ન રેલવેના વિભાજન અંગે જાણકારી માંગી હતી.
પૂરાવો નંબર 2
15 માર્ચ 2017ના રોજ તેઓએ 2184 નંબરના પ્રશ્નથી સી ક્રમાંકમાં બિનતારાંકિત પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમાં સુરત રેલવે ડિવીઝન આપવા મામલે તેઓ દ્વારા પૃચ્છા કરવામાં આવી હતી. તેમાં તેઓએ સુરતને ડીઆરએમ ઓફિસ આપવાની વિનંતી કરી હતી.
પૂરાવો નંબર 3
11 જુલાઇ 2019માં પણ આ મામલે તેઓ સુરતને ડીઆરએમ ઓફિસ આપવા માટે રજૂઆત કરી હતી. જે ઓનલાઈન હાજર જ છે,.
પૂરાવો નંબર 4
દર્શના જરદોષે અગાઉ તા. 12 માર્ચના રોજ ગુરૂવાર, 2020ના રોજ લોકસભામાં સીનોપ્સિસ ઓફ ડિબેટ્સમાં રજૂઆત કરી હતી કે સુરત રેલવે સ્ટેશન રેલવેને 300 કરોડ રૂપિયા રળી આપે છે તો ડીઆરએમ ઓફિસ શહેરને મળવી જોઇએ.
રેલવે મંત્રી સુરતને રેલવે ડિવીઝન બનાવવાની વાત પર પલટી મારતા લોકો આશ્વર્ય ચકિત થઇ ગયા
દર્શના જરદોષ રેલવે મંત્રી બન્યા પછી ડીઆરએમ ઓફિસ સુરતને આપવાની કોઇ રજૂઆત કરવામાં આવી નહી હોવાની વાત કરી છે પરંતુ તેમણે જાતે કરેલી લોકસભામાં રજૂઆતના દસ્તાવેજ ઓન લાઇન પર દેખાઇ રહ્યા છે. સુરત શહેરનુ દુર્ભાગ્ય કહો કે કમબખ્તી આ શહેરે કાંઇ પણ મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે. આ શહેરના લોકોના વિનમ્રતાને કારણે આ શહેર હંમેશા અન્યાયનો ભોગ બન્યું છે. ખુદ સુરતના જ રેલવે મંત્રી હોવા છતાં પણ સુરતે મુંબઈમાં બેઠેલા રેલવેના અધિકારીઓ પાસે હાથ ફેલાવવો પડી રહ્યો છે. નબળા નેતાઓને કારણે સુરતે હજુ પણ દાયકાઓ સુધી રેલવે ડિવિઝન માટે રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. જ્યારે સુરતના જ સાંસદ રેલવે મંત્રી હોય ત્યારે સુરતીઓ રેલવે ડિવિઝન માટે તેમની પાસે અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે. પરંતુ ખુદ મંત્રી દર્શના જરદોષ આ મામલે પોતાના હાથ ઉંચા કરી રહ્યા છે.
ભૂતકાળમાં સાંસદ અને હાલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા પણ સુરતને રેલવે ડિવિઝન મામલે રજૂઆત કરાઈ ચૂકી છે. રાજકીય પરિપકવતા અને પ્રજા હિતની વાત કરનારા મોટા અદના રાજકીય માથાની હજુ સુરતે રાહ જોવી પડશે.