સુરત: (Surat) ઉધનામાં પાડોશી મહિલાઓ વચ્ચે ઘરની બહાર પાણી (Water) ફેંકવાના મુદ્દે ઝઘડો (Quarrel) થયો હતો. આ ઝઘડામાં શાહુ દંપતિને એક વર્ષની સખત કેદની સજા કરતો હુકમ કરવામાં આવ્યો હતો.
- ઘરની બહાર પાણી ફેંકવાના મુદ્દે મારામારી કરનાર દંપતિને 1 વર્ષની કેદ
- ઝઘડામાં હીનાબેન અને તેના પુત્રએ મહિલાને લોખંડની પાઇપથી હુમલો કરી દીધો હતો
આ કેસની વિગત મુજબ મુળ ઝારખંડના ગ્રીડી જિલ્લાના, ધનબાદ તાલુકાના વતની અને સુરતમાં ગોડાદરા વૃંદાવન સોસાયટીમાં રહેતા હીનાબેન ચીરાગભાઇ શાહુ અને તેમના પાડોશમાં જ રહેતા મીરાબેન તેમજ વિજય બહાદુર યાદવની પત્ની વચ્ચે ઘરની બહાર પાણી ફેંકવાના મુદ્દે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં હીનાબેન અને તેના પુત્રએ મહિલાને લોખંડની પાઇપથી હુમલો કરી દીધો હતો. રાત્રીના સમયે બંને મહિલાના પતિઓ ઘરે આવ્યા ત્યારે બીજીવાર ઝઘડો થયો હતો. જેમાં હીનાબેનના પતિ ચીરાગભાઇએ પણ મારામારી કરી હતી. આ ઘટનાને લઇને ઉધના પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલ સુનીલ પટેલે દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ હીનાબેન અને ચીરાગભાઇને મારામારીના ગુનામાં તકસીવાર ઠેરવીને 1 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.
મુંબઇની કંપનીના લેબલ મારી ગેરકાયદે પાણીની બોટલ બનાવતી ફેક્ટરી ઝડપાઇ
સુરત : મુંબઇમાં પાણીની બોટલ બનાવતી કંપનીના નામનો ઉપયોગ કરીને સુરતમાં પણ પાણીની બોટલની ફેક્ટરી શરૂ કરાઇ હતી. પોલીસે આ મામલે રેડ પાડીને ફેક્ટરી શરૂ કરનારની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મુંબઇના જોગેશ્વરી પાર્ક પાસે આર.બી. કંપાઉન્ડમાં રહેતા અનુપ સંભાજી કોલપ એનર્જી બેવરેજીસ પ્રા.લી. કંપનીમાં લીગલ મેનેજર તરીકે નોકરી કરે છે. આ કંપનીમાં ‘ક્લીયર પેકેજ્ડ ડિંક્રીંગ વોટર’નું લેબલ લગાવીને પાણીની બોટલો તૈયાર કરવામાં આવતી હતી. કંપની દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તેનું નામ અને કોપીરાઇટ પણ રજીસ્ટર્ડ કરવામાં આવ્યું છે. આ કંપનીના નામનો ઉપયોગ કરીને લંબે હનુમાન રોડ ઉપર ત્રિકમ નગર સોસાયટીમાં રહેતા સુનીલ જયેશભાઇ મિયાણીએ લિંબાયતમાં અવધૂત ધામ સોસાયટીમાં ઘરમાં જ ક્લીયર શબ્દનો કોપીરાઇટ કરી ‘યશ ક્લીયર’ના નામના સ્ટિકર પાણીની બોટલ ઉપર લગાવીને વેચાણ કરવામાં આવતું હતું. આ મામલે પોલીસને ફરિયાદ કરીને તપાસ કરવામાં આવી હતી. પોલીસે અહીંથી 22100નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.