સુરત : સુરતમાં (Surat) વહેલી સવારેથી જ વરસાદ વરસી રહ્યો છે. સવારથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે. સુરતના પુણા કુંભારીયા (puna kumbhariya) રોડ પર ખાડીને અડિને આવેલી એક રેસીડેન્સીની (Residency) દિવાલ અચાનક જ પડી ગઈ હતી. દિવાલ પડી જતા ત્યાંના રહેવાસીમાં ભયનો માહોલ ઉભો થયો હતો. રેસીડેન્સીની દિવાલ પડતાની સાથે ત્રણ વાહનો પણ ખાડીના પાણીમાં તણાઈ ગયા હતા. આ વહાનોને બહાર કાઢવા માટે ફાયર વિભાગની (Fire Department) ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સુરતના પુણા કુંભારીયા વિસ્તારમાં આવેલ સારથી રેસીડેન્સીની દીવાલ ધસી પડી હતી. દિવાલ ધસી પડતા ત્યાં પાર્ક કરેલી ત્રણ કાર બાજુમાં આવેલી ખાડીમાં પડી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. સુરત શહેરમાં સવારથી વરસી રહેલા વરસાદના કારણે પુણા કુંભારીયાની ખાડી બે કાંઠે વહી રહી છે. જેના કરણે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. સતત વહી રહેલા વરસાદથી થઇ રહેલા ધોવાણના કારણે આ ઘટના બની હતી. જોકે આ ઘટનામાં કારની સાથે પાર્ક કરેલી ત્રણ બાઈક પણ પાણીમાં તણાઈ ગઈ હતી. ઘટના બનતા જ ઘટના સ્થળે પાલિકાની બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરની ટીમ અને ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી.
આ સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે ત્રણ ગાડી અને ફાયરની ટીમ દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે કામગીરી હાથ ધીર હતી. પહેલા ખાડીમાં પડેલી ત્રણ બાઈકને બહાર કાઢી હતી. આ સાથે જ કારને પણ બહાર કાઢવામાં આવી હતી.
આ ઘટના વીશે જણાવતા ફાયર વિભાગના ઓફિસર ડી.એમ.સોલંકીએ કહ્યું હતું કે આજ રોજ પુણા કુંભારીયા રોડ પર આવેલી સારથી રેસીડેન્સીની દિવાલ ઘસો પડી હતી. આ ઘટના સારથી રેસિડેન્સીની બાજુમાંથી પસાર થતી ખાડીના કારણે બની હતી.
તેમણે વધુમાં જનાવતા કહ્યું હતું કે સુરતમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે દીવાલો નીચેની જમીનનું ધોવાણ થતા દિવાલ પડવાની ઘટનાઓ બની રહી છે. અહીં બનેલી ઘટનાની જાણ થતાં જ ફાયર વિબાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી. જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.