સુરતઃ સામાન્ય માણસ સુધી ઓછામાં ઓછા સમયમાં પોસ્ટ (Post) પહોંચાડવા પોસ્ટ વિભાગ હંમેશા પ્રયત્નશીલ છે. હવે પોસ્ટ વિભાગ દરિયાઈ માર્ગે ટપાલ પહોંચાડવાનો નવીનતમ પ્રયોગ કરશે. સુરતથી (Surat) સૌરાષ્ટ્રમાં રો-રો ફેરી (Ro-Ro fery) સર્વિસમાં માત્ર સાત કલાકમાં ટપાલ પહોંચી જશે.
ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા હજીરાથી ભાવનગર વચ્ચે આ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ સેવાને ‘તરંગ પોસ્ટ’ નામ આપવામાં આવ્યું છે. જે નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે હજીરા અને ભાવનગર વચ્ચે દરિયાઈ માર્ગ દ્વારા ટપાલનું પરિવહન થશે. રો-રો ફેરી સર્વિસ દ્વારા હજીરા (સુરત) અને ઘોઘા (ભાવનગર) વચ્ચે 60 કિમી દરિયાઈ મેલ પરિવહન 12 ડિસેમ્બર 2022 થી ટ્રાયલ ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું. અને આ પ્રારંભિક પ્રયાસ બાદ આ સેવા 20 જાન્યુઆરીથી “તરંગ પોસ્ટ”ના નામે દેવુસિંહ ચૌહાણ, રાજ્ય સંચાર મંત્રી, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.
- પોસ્ટ વિભાગ દ્વારા સુરત-ભાવનગર દરિયાઈ માર્ગે તરંગ પોસ્ટ સર્વિસનો પ્રારંભ
- ભારત સરકારના રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ઉદ્ઘાટન કરાયું
- સુરતથી સૌરાષ્ટ્રમાં રો-રો ફેરી સર્વિસમાં માત્ર સાત કલાકમાં ટપાલ પહોંચી જશે
સુરત રેલ પોસ્ટલ સર્વિસ ઓફિસથી હજીરા સુધી ટપાલ વિભાગના મેઈલ મોટર સર્વિસ વાહન દ્વારા ટપાલ લઈ જવામાં આવશે. અને તે જ વાહન રો રો ફેરી દ્વારા ઘોઘા લઈ જવામાં આવશે. અને ત્યારબાદ આ વાહનને ઘોઘાથી ભાવનગર રેલ પોસ્ટલ સર્વિસમાં મોકલવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંદીપ દેસાઇ, નીરાજકુમાર (મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલ), પ્રીતી અગ્રવાલ (પોસ્ટમાસ્ટર જનરલ, દક્ષિણ ગુજરાત ક્ષેત્ર, વડોદરા) તથા દેવેન્દ્ર મનરાલ (સી.ઇ.ઑ.. ઇંડિગો સિવેયસ પ્રા.લી. ) ઉપસ્થિત રહ્યાં હતાં. અત્યાર સુધીમાં, મેલના આ દરિયાઈ પરિવહન દ્વારા લગભગ 15 ટન મેલ મોકલવામાં આવ્યો છે, જેમાં સુરત, વલસાડ, ભરૂચ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢના મેલનો સમાવેશ થાય છે.