SURAT

સાક્ષીનું નામ નહીં ખોલવા સુરતના વરાછા પોલીસ કોન્સ્ટેબલે કરી નાંખ્યું એવું કે…….

સુરત : વરાછા (Varacha) પોલીસના (Police) ડિ-સ્ટાફમાં (D-Staff) ફરજ બજાવતા કોન્સ્ટેબલે રત્નકલાકારની પાસેથી બે પેટી દારૂની (Alcohol) સામે બે લાખની માંગ કરી હતી. આખરે 1.50 લાખમાં સમાધાન થયા બાદ પોલીસે 1.45 લાખ તો વસૂલી લીધા હતા, આ ઉપરાંત બાકી નીકળતા પાંચ હજાર તેમજ કેસમાં સાક્ષીનું નામ નહીં ખોલવાના વધારાના 15 હજાર મળી કુલ્લે 20 હજારની માંગ કરી હતી. બુટલેગરના પિતા 20 હજાર આપવા માટે ગયા અને એસીબીએ ટ્રેપ ગોઠવીને કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળાને પકડી પાડ્યો હતો. વાળા સામે અગાઉ મહિધરપુરા પોલીસમાં ગેરરિતીની વ્યાપક ફરિયાદો થતા તેની બદલી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હીરાના કારખાનામાં કામ કરતો એક બુટલેગર તા.૧૩.૦૩.૨૦૨૨ના દિવસે રેલવે સ્ટેશને દારૂ લેવા માટે ગયો હતો. ત્યાંથી બે પેટી દારૂ લઇને આવી રહ્યો હતો ત્યારે રેલવે કોલોની પાસે વરાછા પોલીસના ડિ-સ્ટાફના રામદેવસિંહ વાળા તેમજ અન્ય સ્ટાફે બુટલેગરને પકડી પાડ્યો હતો. પોલીસે આ બુટલેગરના પિતાને રાત્રીના સમયે ફોન કરીને બોલાવ્યા હતા અને 2 લાખની માંગણી કરી હતી. લાંબી રકઝકના અંતે મામલો 1.50 લાખમાં સમાધાન થયું હતું. રાત્રીના દિવસે જ બુટલેગરના પિતાએ રૂા.1 લાખ આપી દીધા હતા. બાદમાં બીજા દિવસે બીજા 45 હજાર રૂપિયા પોલીસના રિક્ષા ડ્રાઇવર અશોકભાઇને આપ્યા હતા. તેમ છતાં પણ પોલીસે બુટલેગરની સામે દારૂનો ગુનો નોંધ્યો હતો.

કોર્ટે બુટલેગરને જામીન મુક્ત કરી દીધા બાદ ફરી તેને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને બાકી નીકળતા રૂા.5 હજાર તેમજ સાક્ષીનું નામ નહીં ખોલવા માટે બીજા 15 હજાર મળી કુલ્લે 20 હજારની માંગ કરવામાં આવી હતી. જો કે, 1.45 લાખ આપી દીધા છતાં પણ પોલીસ વધારે રૂપિયા માંગતા હોય બુટલેગરના પિતા રૂપિયા આપવા ઇચ્છતા ન હતા. આખરે આ મામલે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. બુટલેગરના પિતા રૂપિયા આપવા માટે માતાવાડી ચાર રસ્તા જાહેર રોડ ઉપર, ચિરંજીવી કોમ્પલેક્ષની સામે ગયા ત્યારે એસીબીએ ટ્રેપ ગોઠવીને કોન્સ્ટેબલ રામદેવસિહ દાદુભા વાળાને પકડી પાડ્યો હતો. પોલીસે રામદેવ વાળાને ધરપકડ કરીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરી વધારે રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

Most Popular

To Top