સુરત: (Surat) સિંગણપોર રોડ પર આવેલી વિજયરાજ રો-હાઉસમાં રહેતો ઉપાધ્યાય પરિવાર જનોઈના કાર્યક્રમ માટે વતન ગયો હતો. ત્યારે તસ્કરોએ (Thief) તેમના મકાનને ટાર્ગેટ કરી ઘરમાં તિજોરીમાંથી (Safe) 1.90 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. સિંગણપોર પોલીસે (Police) આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
કતારગામ ખાતે ધનમોરા ચાર રસ્તા પાસે જેકેપી નગરમાં રહેતા 34 વર્ષીય અંકિતકુમાર જયંતિલાલ ઉપાધ્યાય જાપાન માર્કેટમાં આવેલી માર્કેટીંગ ફર્મમાં નોકરી કરે છે. તેઓ મુળ ખાનપુર, મહીસાગરના વતની છે. અંકિતકુમારે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં તેમના મોટા ભાઈ નિલેશ ઉપાધ્યાયના ઘરે સિંગણપોર રોડ ઉપર આવેલા વિજયરાજ રો-હાઉસના ઘર નંબર-૧૭-૧૮ માં ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 12 અને 13 તારીખે તેમના વતનમાં જનોઈનો કાર્યક્રમ હોવાથી તેમના ભાઈ નિલેશભાઈ પરિવાર સાથે વતનમાં ગયા હતા. ગઈકાલે સવારે નિલેશભાઈના પડોશમાં રહેતા ભાડુતે તેમને વતન ફોન કરીને તેમના ઘરમાં ચોરી થયાની જાણ કરી હતી. જેથી અંકિતકુમારે તેમના ઘરે આવીને ચેક કરતા ઘરનો મેઈન દરવાજાના તથા લોખંડની ગ્રીલના નકૂચા તોડી તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં આવેલી તિજોરીમાં રાખેલા સોના ચાંદીના દાગીના મળી કુલ 1.90 લાખના દાગીના અને તેના બીલોની ચોરી કરીને અજાણ્યો નાસી ગયો હતો.
શહેરમાં મોબાઈલ સ્નેચીંગ અને ચોરી કરી તરખાટ મચાવતી ગેંગના બે આરોપીઓ ઝડપાયા
સુરત: શહેરમાં રસ્તે ચાલતા લોકોને મોબાઈલ કે ચેઈન સ્નેચીંગનો ભય સતત સતાવતો રહે છે. શહેરભરમાં મોબાઈલ સ્નેચીંગ કરી તરખાટ મચાવતી ગેંગના બે આરોપીઓને ક્રાઈમ બ્રાંચની ટીમે આજે માનદરવાજા પાસેથી દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી 7 મોબાઈલ ફોન કબજે લેવાયા હતા.
ક્રાઈમ બ્રાંચની ટીમને લાંબા સમયથી મોબાઈલ અને ચેઈન સ્નેચીંગ કરતી ગેંગની તલાશ હતી. દરમિયાન ક્રાઈમ બ્રાંચને માનદરવાજા ફાયર સ્ટેશન પાછળના ભાગે બે સ્નેચરો ઉભા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે અનિલ ઉર્ફે બાપીયો પ્રહલાદભાઇ સદાણે (ઉવ.૪૪, રહે. ૪૦૭/પદ્માનગર ગલી નં.૬ માનદરવાજા તથા મુળ જલગાવ, મહારાષ્ટ્ર) અને અનિલ દીલીપભાઇ રાઠોડ (ઉવ.૨૫, રહે. પદ્માનગર સોસાયટી, માનદરવાજા) ને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી અલગ અલગ કંપનીના 7 મોબાઈલ કબજે લેવાયા હતા. આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ગત 6 એપ્રિલે ઉધના દરવાજા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી તથા 10 એપ્રિલે પુણા સીમાડા બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ પરથી પેસેન્જરોની ભીડમાંથી મોબાઈલ ચોરી કર્યો હતો.