સુરત: (Surat) ભરથાણા ખાતે ઉમિયા બંગ્લોઝમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર (Engineering) પત્ની અને સંતાનો સાથે ગોવા ફરવા ગયો હતો ત્યારે ઘરમાં માતા-પિતા સહિતના પરિવારની હાજરીમાં તેના રૂમમાંથી 5.37 લાખના દાગીનાની (Jewelry) ચોરી થયાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ હતી.
- ઉમિયા બંગ્લોઝમાં પરિવાર ઘરમાં હાજર છતાં રૂમમાંથી 5.37 લાખના દાગીનાની ચોરી
- ભરથાણામાં ગોવા ફરવા ગયેલા સોફ્ટવેર એન્જિનિયરના મકાનમાં ચોરી
- રૂમનો દરવાજો અંદરથી લોક કરીને ચોરી થતા પરિવાર અને પોલીસ પણ ચોંકી ગઈ
ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરથાણા ડીજીવીસીએલ કંપનીની ઓફિસ નજીક ઉમિયા બંગ્લોઝમાં રહેતા 30 વર્ષીય અંશુ સુનિલ પાંડે સોફ્ટવેર એન્જિનિયર છે. અંશુભાઈ ગત 15 જૂને પત્ની નીતુ અને પુત્ર કાર્તિક સાથે ગોવા ગયો હતો. અંશુના માતા-પિતા અને નાના બે ભાઈ સહિતનો પરિવાર ઘરે જ હતો. પરિજનો ઘરે હોવાથી પોતાના બેડરૂમને ખુલ્લો મુકી ગયા હતા. અંશુ ઘરે નહીં હોવાથી બીજા દિવસે આવેલી ઘરઘાટી મહિલા ભાવનાબેનને અંશુની માતા કિરણબેને સફાઇ કરવાની ના પાડી હતી. અંશુ ગોવાથી આવવાનો હોવાથી 21 જુને ભાવનાને રૂમની સફાઈ કરવા કહ્યું હતું. પરંતુ રૂમનો દરવાજો નહીં ખુલતા તેણે પરિવારને જાણ કરી હતી.
સુનિલભાઈ અને તેમના પુત્રએ ધક્કો મારતા અંદરથી લોક તૂટી ગયું અને દરવાજો ખુલ્યો હતો. રૂમમાં કબાટના ડ્રોઅરનો સામાન વેરવિખેર હતો. અને તેમાં મુકેલા 5.37 લાખના સોનાના દાગીના ગાયબ હતા. પરિવાર ઘરમાં હાજર હોવા છતાં અંદરથી દરવાજો બંધ કરી ચોરી થવાની ઘટનાથી પરિવાર પણ ચોંકી ગયો હતો. આ ઘટનાની ફરિયાદ દાખલ કરી ખટોદરા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. ચોરી પાછળ ઘરનું જ કોઇ વ્યક્તિ હોવાનું અથવા ઘરે કામ કરવા આવનાર કોઇ વ્યક્તિ હોવાની આશંકા નકારી શકાય નહીં. પોલીસે આ અંગે પણ તપાસ હાથ ધરી છે.