સુરત: (Surat) સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી એકદમ ઝડપી બની છે ત્યારે હવે મેટ્રો પ્રોજેક્ટને અડચણરૂપ ઇમારતો તોડી પાડવા, શિફ્ટીંગ કરવા અને રસ્તાઓ કાયમી ધોરણે બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં મેટ્રોરેલ પ્રોજેક્ટને (Metro Rail Project) અડચણરૂપ 60 વર્ષ જૂના મહિધરપુરા પોલીસ સ્ટેશનનું શિફ્ટીંગ કરવામાં આવ્યું હતું, નવું મહિધરપુરા પોલીસ સ્ટેશન ફાલસાવાડી પોલીસ લાઇન પાસે ટેલિકોમ ભવનના પહેલા માળે શરૂ કરવામાં આવ્યું છે. જૂના પોલીસ સ્ટેશનની જગ્યા ઉપર મેટ્રોરેલ પ્રોજેક્ટનું કામ પુરુ થયા બાદ તે જ જગ્યાએ નવું મહિધરપુરા પોલીસ ભવન બનાવવામાં આવશે.
સુરત શહેરમાં પોલીસ વિભાગની શરૂઆત થઇ ત્યારથી લઇને અત્યાર સુધી મહિધરપુરા પોલીસ સ્ટેશન અડીખમ હતો. તે સમયે માત્ર ત્રણ જ પોલીસ મથક હતા, જે પૈકી એક મહિધરપુરા પોલીસ સ્ટેશન પણ હતું. સને-1960માં મહિધરપુરા પોલીસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું હતું. 60 વર્ષ જૂના આ પોલીસ મથકને હવે મેટ્રો પ્રોજેક્ટને લઇને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે. મેટ્રો રેલ માટે મહિધરપુરા પોલીસ મથકનું શિફ્ટીંગ કરવામાં આવ્યું હતું.
મહિધરપુરા પોલીસ મથકની નીચેથી જ અંડરગ્રાઉન્ડ મેટ્રોરેલ પસાર થવાની હોવાથી આગામી દિવસોમાં પોલીસ મથકની બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે. મેટ્રો રેલનું કામ પુરુ થઇ ગયા બાદ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જ નવું મહિધરપુરા પોલીસ ભવન તૈયાર કરી ફરી સુરત પોલીસ વિભાગને સુપ્રત કરવામાં આવશે. હાલમાં ફાલસાવાડી પોલીસ લાઇન નજીક ટેલિકોમ ભવનના પહેલા માળે હંગામી ધોરણે પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. શુક્રવારે પોલીસ કમિશનર અજય તોમરના હસ્તે નવા પોલીસ મથકનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. આવતીકાલથી મહિધરપુરા પોલીસની તમામ કામગીરી ફાલસાવાડી સ્થિત ટેલિકોમ ભવનમાં કરવામાં આવશે.