સુરતઃ (Surat) રાજ્યના ગૃહ મંત્રીએ આજે પાંડેસરા પોલીસ સ્ટેશનના (Police Station) નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. અને ત્યાંથી જ કાપોદ્રા, ડિંડોલી, સલાબતપુરા અને ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે નાગરિકો માટે બનાવેલા પોલીસ સહાયતા કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ પોલીસ અધિકારી અને પદાધિકારીઓ સાથે મીટિંગ કરી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.
- ગૃહ મંત્રીની સુરતમાં જાહેરાતઃ વેસુ, સારોલી, પાલ, ઉત્રાણ અને અલથાણ પોલીસ સ્ટેશન બનાવવા ગ્રીન સિગ્નલ
- નવા સીસીટીવી નેટવર્ક, નવા વ્હિલકલ અને ઇક્વિપમેન્ટ માટે કુલ 25.39 કરોડ મંજૂર
રાજયભરમાં 71 કરોડના ખર્ચે 10 હજાર પોલીસ જવાનોને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાશે
રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આજે સુરત પોલીસ કમિશનરની (Police Commissioner) ઓફિસમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં મીટિંગ મળી હતી. જેમાં શહેરના રિસ્ટ્રક્ચરીંગ માટે આગામી દિવસોમાં નવા પાંચ પોલીસ સ્ટેશન બનાવવા નિર્ણય લેવાયો છે. લાંબા સમયથી આ પોલીસ સ્ટેશનો બનાવવા માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી. અને તેના પર નિર્ણય પેન્ડીંગ હતો. અગાઉ આ પોલીસ સ્ટેશનો બનાવવા મૌખિક જાહેરાત પણ કરવામાં આવી હતી. પરંતુ આજે ગૃહ મંત્રી દ્વારા શહેરના વેસુ, સારોલી, પાલ, ઉત્રાણ અને અલથાણ પોલીસ સ્ટેશનને મંજુરી આપી દીધી છે. ટૂંક સમયમાં તેના પર કામ શરૂ થશે.
આ સિવાય શહેરની વધતી વસ્તી સામે પોલીસનો મહેકમ વધારવા અંગે પણ નિર્ણય લેવાયો છે. સુરતની અંદર પોલીસ મહેકમમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા નવા ઉચ્ચ અધિકારીઓથી લઈ પોલીસ કર્મચારીઓ સુધી 1956 નો મહેકમ વધારો કર્યો છે. આગામી દિવસોમાં તબક્કાવાર આ મહેકમ ભરવાનું શરૂ કરાશે. તથા સુરતમાં સિલ્ક સિટીમાં પહેલા 631 સીસીટીવી અને સ્માર્ટ સીટીમાં 155 મળી 786 સીસીટીવી કેમેરા છે. તે આગામી દિવસોમાં 590 નવા સ્થાનો ઉપર સીસીટીવી લગાવવા માટે નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત સીસીટીવીનું નેટવર્ક 2020-21 અને 2021-22 માટે 21.16 કરોડ મંજૂર કરાયા છે. તથા નવા વ્હિલક માટે 3 કરોડ અને નવા ઇક્વિપમેન્ટ માટે 1.23 કરોડ મળી કુલ 4.23 કરોડની જાહેરાત કરાઈ છે.