સુરત : (Surat) વરાછા એલ.એચ. રોડના વરૂણ કોમ્પ્લેક્ષમાં એચડીએફસી (HDFC) બેંકના એટીએમમાં (ATM) મધરાતે ઘુસેલા બે જણાએ એટીએમની તોડફોડ કરી ચોરીનો (Theft) પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સમયે પોલીસની પીસીઆરનો સાયરન (Siren) સાંભળીને બંને પોલીસના (Police) ડરે ભાગી ગયા હતા. બીજી તરફ બેંકના કંટ્રોલરૂમમાંથી પણ જાણ કરાતા પોલીસે તાત્કાલિક પહોંચીને સીસીટીવીના આધારે બે જણાને ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા.
- વરાછામાં મધરાતે ઘુસેલા બે શખ્સોનો એટીએમ તોડવાનો પ્રયાસ
- એટીએમ તોડતી વખતે પોલીસ પીસીઆરનો સાયરન સાંભળી બંને ભાગી ગયા
- એટીએમમાંથી 31 લાખની ચોરીનો પ્રયાસ કરનારાઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા
- રાતોરાત બેંકના કંટ્રોલ રૂમના અને આસપાસના સીસીટીવી તપાસી આરોપીને દબોચી લેવાયા
વરાછા પોલીસની પીસીઆર વાન થોડા થોડા અંતરે સાયરન વગાડી પેટ્રોલિંગમાં ફરતી હતી. ત્યારે વરાછા વરૂણ કોમ્પલેક્ષ એચ.ડી.એફ.સી. બેંકના એટીએમમાં ચોરી કરનારા પોલીસની ગાડીના સાયરનનો અવાજ સાંભળી નાસી ગયા હતા. તે જ સમયે મહારાષ્ટ્ર ખાતેના એચડીએફસી બેંકની હેમા ટેક્નોલોજી પ્રા.લી. કંપનીના કંટ્રોલરૂમમાં પણ સાયરન વાગતા મીલનભાઇ દ્વારા સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમને આ અંગે જાણ કરાઈ હતી. જેથી કંટ્રોલ રૂમમાંથી વરાછા પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન.ગાબાણી તથા પીસીઆર સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા તાત્કાલિક શહેરના એક્ઝિટ પોઈન્ટ ઉપર નાકાબંધી કરાવી દેવાઈ હતી. આરોપીઓ શહેર છોડીને ભાગે તે પહેલા તેમને દબોચવા ચક્રો ગતિમાન કરાયા હતા. દરમિયાન વરાછા પોલીસની ટીમે બાતમીના આધારે આરોપી આત્મારામ ગોરખભાઇ રાઠોડ (ઉ.વ.21, રહે ઘર નં. બી/૩૦૧, રોયલ એપાર્ટમેન્ટ, શીલ્પાપાર્ક સોસાયટી, વરાછા તથા મુળ નંદુરબાર મહારાષ્ટ્ર) તથા એક કિશોરને એટીએમ મશીન તોડવાની સાધન-સામગ્રી સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા.
તમામ સીસીટીવી રાતોરાત ચકાસવામાં આવ્યા
એટીએમ મશીનના સીસીટીવી કેમેરા ફુટેજ તાત્કાલિક મેળવવા રાતોરાત મહારાષ્ટ્ર ખાતે આવેલા એચડીએફસી બેંકના કન્ટ્રોલરનો સંપર્ક કરાયો હતો. સીસીટીવી ફુટેજ મેળવી તેમજ એટીએમ મશીનની આજુબાજુના વિસ્તારો તથા સંભવિત રસ્તાઓ ઉપરના CCTV ફુટેજ ચેક કરી CCTV ફુટેજમાં દેખાતા વ્યક્તિની શોધખોળ શરૂ કરાઈ હતી.
જો એટીએમ તોડી નાખ્યુ હોત તો 31 લાખની ચોરી થાત
વરાછા વરૂણ કોમ્પલેક્ષમાં HDFC બેંકના ATM મશીન ચોરી કરવાની કોશીશ કરી ત્યારે એટીએમ મશીનમાં 31 લાખ રૂપિયા જેટલી મોટી રકમ હતી. જો એટીએમ મશીનમાં ચોરી થઈ હોત તો 31 લાખ રૂપિયાના ચોરીની ઘટના બની હોત. પરંતુ પોલીસ પીસીઆરના સાયરનને સાંભળીને બંને ભાગી છુટતા ચોરીની મોટી ઘટના બનતા અટકી ગઈ હતી.