સુરતઃ ડોમ પિજેરિયા રેસ્ટોરેન્ટના માલિક સ્ટાફને (Staff) લોનાવલા ફરવા લઈ ગયા ત્યારે જ અજાણ્યો રેસ્ટોરેન્ટમાં પ્રવેશી સીસીટીવીની (CCTV) દિશા બદલી કાઉન્ટરમાંથી રોકડ (Cash) ૧.૫૧ લાખની ચોરી (Stealing) કરી નાસી ગયો હતો. ઉમરા પોલીસે (Police) ચોરીની ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
હજીરા ખાતે વાસવા ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા ૩૫ વર્ષીય દિપકકુમાર ધનસુખભાઇ પટેલ ડોમ પિજેરીયા રેસ્ટોરેન્ટમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત ૨ જાન્યુઆરીએ રેસ્ટોરેન્ટના માલીક સિધ્ધાંતભાઇ શાહે રેસ્ટોરેન્ટમાં કામ કરતા તમામ ૫૦ થી વધારે કર્મચારીઓને એક દિવસની પિકનીક ઉપર લઈ જવાનુ નક્કી કર્યું હતું. જેમાંથી ૩૭ કર્મચારીઓને પિકનીક માટે મહારાષ્ટ્ર ખાતે આવેલી ઇમેજીકા, લોનાવાલા, કોલાવાલા લઈ ગયા હતા.
૨ જાન્યુઆરીએ લોનાવાલા ફરતા હતા ત્યારે દિપકભાઈમે ડોમ પિજેરીયામાં મેઇન્ટેનન્સનું કામ કરતા ધ્રુવભાઈએ ફોન કરીને રેસ્ટોરેન્ટની પાછળનો લાકડાનો દરવાજો ખુલ્લો હોવાનું તથા કેશ કાઉન્ટરનું લોકર તૂટેલું અને કીચનની અંદર પડેલું હોવાવું કહ્યું હતું. સી.સી.ટી.વી કેમેરા પણ દિવાલ તરફ કરી નાખ્યાં હતાં. કેશ કાઉન્ટર ચેક કરતા રાત્રે હિસાબના મુકેલા રોકડા ૧.૫૧ લાખ તથા ઓનલાઈન આવેલા પેમેન્ટના ૯૦ હજાર મળીને કુલ ૨.૪૧ લાખનો વકરો થયો હતો. કાઉન્ટરમાં મુકેલા ૧.૫૧ લાખ રોકડાની ચોરી થયાની જાણ દિપકભાઈએ તેમના શેઠને કરી હતી. બીજા દિવસે સુરત આવીને ચોરી બાબતે પૂછતાં કોઈએ જવાબ નહીં આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા વધારે તપાસ હાથ ધરી છે.
વાંકાનેડામાં ઘરની સ્લાઇડિંગ બારી ખોલી તસ્કરો મોબાઈલ અને પાકીટ તફડાવી ગયા
પલસાણા: શિયાળાની ઠંડીના ચમકારા સાથે તસ્કરોએ જાણે ખાતું ખોલ્યું હોઈ તેમ પલસાણા પંથકના ઘરફોડ ચોરીના કેટલાક કિસ્સા સામે આવી રહ્યા છે. પલસાણાના વાંકાનેડા ગામે એક બનાવમાં યુવાન રાત્રિ દરમિયાન સૂતો હતો ત્યારે તસ્કરો સ્લાઈડિંગ બારી ખોલી ઘરમાં પ્રવેશી ટેબલ પર મૂકેલું પૈસા ભરેલું પાકીટ તેમજ મોબાઈલ ચોરી જતાં યુવાને કડોદરા પોલીસમથકના ફરિયાદ આપી હતી.
મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે હળપતિ આવાસ નજીક રહેતા શિવાંગભાઈ અભેસિંહ આડમાર (ઉં.વ.27) વાંકાનેડા ગામની સીમમાં આવેલી સ્વાતિ સિન્થેટિક નામની મિલમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. ગત 27 ડિસેમ્બરે શિવાંગભાઈ રાબેતા મુજબ પોતાના ઘરે ટેબલ પર મોબાઈલ અને પર્સ મૂકી સૂઈ ગયા હતા. બીજા દિવસે ઊઠતાં તેમને પોતાના રૂમની સ્લાઈડિંગ બારી ખુલ્લી દેખાતાં અજૂગતું બનાવનો અહેસાસ થતાં પોતાનું પાકીટ અને મોબાઈલ શોધતા મળી નહીં આવતાં ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઘટના અંગે યુવાને મોબાઈલ અને પાકીટ ચોરાઈ જતાં 20 હજારની મતા ચોરાવા અંગે અજાણ્યા ઈસમ વિરુદ્ધ કડોદરા GIDC પોલીસમથકના ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.