સુરત: શહેરના ભેસ્તાન વિસ્તારમાં એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યામાંથી સુરત પોલીસને એક ડ્રમ મળી આવ્યું હતું. આ ડ્રમમાં લાશ હોવાની આશંકા સાથે પોલીસ 200 કિલોથી વધુનું વજન ધરાવતા ડ્રમને ટેમ્પોમાં નાંખી સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. ડ્રમ લઈને આવેલી પોલીસને જોઈ તબીબો ચોંકી ગયા હતા. અંદર લાશ હોવાની શંકા હોઈ એકતા ટ્રસ્ટના સ્વયંસેવકોની મદદથી એફએસએલની હાજરીમાં કટરથી ડ્રમ કાપવામાં આવ્યું હતું. ડ્રમની અંદરનું દ્રશ્ય જોઈ પોલીસ અને તબીબો ચોંકી ગયા હતા.
ડ્રમ કાપતા તેની અંદરથી યુવતીની લાશ મળી હતી. હત્યા કર્યા બાદ લાશને છુપાવવા માટે હત્યારાએ ડ્રમનો ઉપયોગ કર્યો હતો. ડ્રમમાં યુવતીની લાશ ઉપરાંત સિમેન્ટ અને રેતી ભરી દેવાઈ હતી. આ ડ્રમ કન્સ્ટ્રક્શન સાઈટ પર પાણી માટે ઉપયોગમાં લેવાતું હોય તેવું છે. લાશ મળતા તબીબોએ પોસ્ટમોર્ટમ કર્યું હતું. ગળે ટુંપો દઈ યુવતીની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. એફએસએલ દ્વારા ડ્રમ અને યુવતીની લાશના સેમ્પલ લઈ તપાસ શરૂ કરાઈ છે, જ્યારે પોલીસે ભેસ્તાન વિસ્તારની આસપાસની કન્સ્ટ્રક્શન સાઈટ પર તપાસ હાથ ધરી છે.
પોલીસે કહ્યું, ગઈકાલે મંગળવારે એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યા પરથી સિમેન્ટ ભરેલું ડ્રમ મળી આવ્યું હતું. ડ્રમ થોડું ખુલ્લું હતું અને પગ જેવું દેખાતા તેમાં લાશ હોવાની શંકા ઉપજી હતી. તેથી ડ્રમ લઈ સિવિલ પહોંચી ગયા હતા. પાંચ ફૂટના ડ્રમને તોડવા કટરનો ઉપયોગ કરાયો હતો. અંદર સિમેન્ટ જામી ગઈ હોવાથી વજન વધી ગયું હતું. ડ્રમની અંદરની તરફ યુવતીનું માથું જ્યારે બહારની તરફ પગ હતા.
ડ્રમમાંથી લાશ મળી હોવાનું બહાર આવતા ઉચ્ચ અધિકારીઓ નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પર દોડી ગયા હતા. હત્યારાઓએ લાશનો નિકાલ કરવા અજમાવેલી તરકીબ જાણી પોલીસ અને તબીબો અચરજમાં મુકાયા હતા. પોલીસે જ્યાંથી ડેડબોડી મળી છે તેની આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવવા દોડધામ હાથ ધરી છે.
પોલીસ અનુસાર મૃતક મહિલાની ઉંમર 30 વર્ષ આસપાસ હોવાનો અંદાજ છે. ગળેટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. બે-ત્રણ દિવસ પહેલાં હત્યા કરાઈ હોવાની શક્યતા છે. લાશ કોહવાઈ ગઈ છે. માથાના વાળ પણ બચ્યા નથી. લાશનું ફોરેન્સિક પીએમ થાય ત્યાર બાદ ચિત્ર સ્પષ્ટ થશે.