SURAT

પોલીસ સ્ટેશનમાં ન્યાય નહીં મળતા સીધા કમિશનર પાસે જતા લોકો માટે સુરત પો.કમિ.એ કરી આ વ્યવસ્થા

સુરત: (Surat) પોલીસ કમિશનર અજયકુમાર તોમરનું (Police Commissioner ajay tomar) તેમના સ્ટાફ માટે સોફ્ટ વલણ રહ્યું છે. અરજદારો પોલીસ સ્ટેશનમાં તેમને નહીં સાંભળતા સીધા પોલીસ કમિશનર પાસે પહોંચી જાય છે. જેને કારણે સીપી ઓફિસની (Office) બહાર અરજદારોનો જમાવડો વધી રહ્યો છે. પોલીસ કમિશનરે શહેરના વિવિધ પોલીસ સ્ટેશન હદમાં બેનર લગાવડાવ્યા છે. જેમાં પીઆઈ (PI), એસીપી, ડીસીપી અને એડિ. સીપીના નામ નંબર છે. બીજી બાજુ એસીપી અને ડીસીપીને પણ કડક શબ્દોમાં અરજદારોને મળવા અને તેમને સાંભળવા માટેની સૂચના આપવામાં આવી છે.

  • અરજદારોને મળો અને સાંભળો, પો.કમિ.તોમરનો એસીપી, ડીસીપી, એડિ. સીપીને આદેશ
  • તમામ પોલીસ સ્ટેશન હદમાં પોલીસનો સંપર્ક કરવા અધિકારીઓના નામ-નંબરના બેનર લગાવ્યા
  • પોલીસ સ્ટેશનમાં ન્યાય નહીં મળતા સીધા કમિશનર પાસે પહોંચતા અરજદારો

શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસ અધિકારીઓના નામ અને નંબર સાથેના બેનર જોવા મળી રહ્યા છે. આ બેનર પર પોલીસ ઇન્સપેક્ટર, એસીપી, ડીસીપીના નામ નંબરની સાથે પોલીસ કંટ્રોલ રૂમ, શી ટીમનો નંબર લખાયો છે. જેથી અરજદાર પોલીસ સ્ટેશનમાં ન્યાય નહીં મળે તો એસીપી કે ડીસીપીનો સંપર્ક કરી શકે. અત્યારે એવું બની રહ્યું છે કે, પોલીસ સ્ટેશનમાં અરજદારને ન્યાય નહીં મળે તો તે સીધા પોલીસ કમિશનર પાસે આવી રહ્યા છે. પોલીસ કમિશનર કચેરીમાં અરજદારોનો જમાવડો થઈ રહ્યો છે. પોલીસ કમિશનર દરેક અરજદારને સાંભળી રહ્યા છે. પણ તેમને પુછતા એકપણ અરજદાર એસીપી કે ડીસીપીને સંપર્ક કરતો નથી. ક્યાં તો અસીપી અને ડીસીપી જ અરજદારોને મળતા નથી. જેને કારણે પોલીસ કમિશનરે હવે એસીપી અને ડીસીપીને ફરજીયાત અરજદારોને મળવા અને સાંભળવાની સૂચના આપી છે.

એસીપી, ડીસીપી માત્ર ફાયદો આપે તેવા જ કેસમાં રસ લે છે
એસીપી અને ડીસીપી માત્ર એ જ અરજદારોને મળી રહ્યા છે જે અરજદારો મલાઈ આપી શકે. ખરેખર ન્યાય માટે વલખા મારી રહેલા અરજદારોને તો ચંપલ જ ઘસવી પડી રહી છે. આ તમામ બાબતો પોલીસ કમિશનરના ધ્યાને આવી રહી છે. જેને કારણે એસીપી અને ડીસીપીને તમામ અરજદારોને મળી તેમને યોગ્ય ન્યાય મળે તેવી સૂચના આપી છે.

જો એસીપી, ડીસીપી કામ નહીં કરશે તો તેમના રિપોર્ટમાં ઉલ્લેખ કરાશે
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, અત્યારની સ્થિતિમાં એસીપી, ડીસીપીનું કામ પણ પોલીસ કમિશનર જ કરે છે. એસીપી, ડીસીપીને પગાર મળે છે. છતાં જો તેમનું કામ સીપીએ જ કરવાનું હોય તો તેમના રિપોર્ટમાં આ બાબતનો ઉલ્લેખ કરાશે.

Most Popular

To Top