સુરત: (Surat) શહેરના પુણાગામ ખાતે રહેતા મોબાઈલના વેપારીને ગઈકાલે રાત્રે સરથાણા પોલીસ સ્ટેશનની (Police Station) હદમાં આવેલા ગઢપુર ખાતે બોગસ પોલીસ બનીને ઉભેલા બે જણાએ રોકીને પુછપરછ કરી હતી. દરમિયાન સામેથી પોલીસની પીસીઆર વાન પેટ્રોલીંગ (Patrolling) કરતી ત્યાં પહોંચી જતા બંને ગઠિયાને પકડી પાડ્યા હતા.
પુણાગામ ખાતે લક્ષ્મીનગરની બાજુમાં રહેતા 31 વર્ષીય નિલેશકુમાર સન્મુખભાઇ પટેલ કામરેજ પાસે દાઢીયા ગામ પાસે ઓમ ટાઉનશીપ ખાતે મોબાઈલની દુકાન ચલાવે છે. નિલેશકુમારે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં જણાવ્યું છે કે, હોળીની રાત્રે દુકાન પરથી તેમની ખડસડ ગામ ખાતે આવેલી બીજી દુકાનમાં ગયા હતા. ત્યાંથી ગઈકાલે તેમના ઘરે જવા નીકળ્યા હતા. તે વખતે ગઢપુર શીવ પ્લાઝા પાસેથી પસાર થતી વખતે બે વ્યક્તિ ઉભા હતા. એક વ્યક્તિએ પોલીસનો ખાખી શર્ટ તથા કાળુ પેંટ પહેર્યું હતું.
બીજા વ્યક્તિએ માથામાં પોલીસની વાદળી કલરની ટોપી અને હાથમાં પોલીસની લાઠી હતી. બંને જણાએ નિલેશકુમારને રોક્યા હતા. અને ‘માસ્ક કેમ પહેર્યું નથી, તમારા ડોક્યુમેન્ટ ક્યાં છે’ તેવું પુછ્યું હતું. નિલેશભાઈ નોકરી પરથી આવતા હોવાનું જણાવ્યું હતું. બંને વ્યક્તિઓએ નિલેશભાઈને કરફ્યુ પાસ બતાવવા કહ્યું હતું. નિલેશભાઈને તેઓ પોલીસ નહીં હોવાની શંકા ગઈ હતી.
તે જ સમયે ત્યાંથી પોલીસની પીસીઆર પેટ્રોલીંગમાં ત્યાં આવતા પોલીસે ગાડી સાઈડ પર લઈને પુછપરછ કરતા આ બંને નકલી પોલીસ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંનેને પકડી તેમના નામ પુછતા પ્રીયંક જીતેન્દ્રભાઇ ધરસંડીયા (ઉ.વ-૨૩, રહે.ઘર નં-૧૦૩ આશીર્વાદ રો-હાઉસ નવજીવન હોટલ પાસે, સરથાણા) તથા કેતન ભીખાભાઇ રાઠોડ (ઉ.વ-૨૪, રહે.ઘર નં-૧૯૯ વર્ષા સોસાયટી એલ.એચ રોડ, વરાછા) હોવાનું જણાવ્યું હતું.