સુરત: (Surat) ચોકબજાર પોલીસની (Police) હદમાં ભરીમાતા-ફુલવાડીની નહેરૂનગર ઝુંપડપટ્ટીમાં ગત 16 તારીખે વહેલી સવારે પત્ની (Wife) સાથે ઝઘડો (Quarrel) કરી રહેલા યુવકને બે જણાએ દોરડા વડે બાંધી માર મારી પતાવી દીધો હતો. બાદમાં તેને ઉગત નજીક ડિવાઈડર પાસે મુકી આવ્યા હતા. આ બંને આરોપીઓને રાંદેર પોલીસે ઝડપી પાડ્યા હતા.
ચોકબજાર ખાતે નહેરૂનગર ઝુંપડપટ્ટીમાં રહેતી 28 વર્ષીય પરવિન ઉર્ફે વર્ષા સંજુસિંગ પટેલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં અલ્તાફ ઉર્ફે નવાઝ મો.આરીફ શેખ (રહે.નહેરૂનગર ઝુંપડપટ્ટી, ફુલવાડી ભરીમાતા રોડ) તથા અઝીમ અબ્બાસ શેખ (રહે.નહેરૂનગર ઝુંપડપટ્ટી, ફુલવાડી, ભરીમાતા રોડ) ની સામે પતિની હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફુલવાડી ભરીમાતા રોડ, નહેરૂનગર ઝુંપડપટ્ટીમાં ગત 16 એપ્રિલે સવારના આશરે ચાર વાગ્યાના સુમારે પરવીનનો પતિ સંજુસિંગ તેની સાથે સાથે ગાળાગાળી કરતો હતો. તે વખતે તેમના ઘરની પાસે રહેતા અલ્તાફ ઉર્ફે નવાઝ તથા તેની માતા યાસ્મીનબાનુ અને તેમની બાજુના ઘરમાં રહેતા અઝીમ અબ્બાસ શેખે આવી સંજુસીંગને તુ કેમ ગાળો બોલે છે ? અને કેમ બધાને ફોન ઉપર ધમકીઓ આપે છે, મોહલ્લામાં કેમ બધાને ગમે તેમ બોલે છે તેમ કહી સમજાવવા પ્રયાસ કર્યો હતો.
તેમ છતાં સંજુસિંગ વધારે ગાળો બોલવા લાગતા અલ્તાફ ઉર્ફે નવાઝ શેખ તથા અઝીમ શેખે સંજુસિંગને ઢીકમુક્કીનો માર માર્યો હતો. બંને આરોપીઓએ સંજુસિંગને દોરી વડે બાંધી દીધો હતો. અને બંનેએ તેને બાંધીને લાકડાના ફટકાઓ વડે બેરહેમીપુર્વક માર માર્યો હતો. સંજુસિંગને મોઢા, કમર તથા બંને જાંધના ભાગે ઇજાઓ કરી હતી. બાદમાં બંને આરોપીઓએ સંજુસીંગને હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવાનું કહી તેને અઝીમની ઓટોરીક્ષામાં બેસાડી દીધો હતો. અને સંજુસિંગને ઇજાગ્રસ્ત હાલતમાં સવારના આશરે છ વાગે મોરાભાગળ બોટનિકલ ગાર્ડનની પાછળના ભાગે રોડના ડિવાડર પાસે મુકી દીધો હતો. બાદમાં તેનું મોત નીપજ્યું હતું. તેનું મોત થતા બંને આરોપીઓએ બાદમાં પરવીનને આ બાબતે કોઇને જાણ કરીશ તો તને પણ તારા પતિની જેમ જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
રાંદેર પોલીસની ટીમે બંને આરોપીઓને સીસીટીવી ફુટેજના આધારે ઝડપી પાડ્યા
ચોકબજારમાં હત્યાની આ ઘટના બનતા રાંદેરના પીએસઆઈ બી.એસ.પરમાર તથા એમ.ડી.હડીયાના નેતૃત્વ હેઠળ રાંદેર પોલીસની ટીમ કામે લાગી હતી. તેમના વિસ્તારના તમામ સી.સી.ટી.વી ફુટેઝ ચેક કરાયા હતા. દરમિયાન બાતમીના આધારે હત્યાના આરોપીઓને રાંદેર કોઝવે સર્કલ પાસેથી ઝડપી પાડ્યા હતા. મોહમદ અઝીમ મોહમદ અબ્બાસ શેખ (ઉ.વ-૨૩ વર્ષ ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ મસ્જીદ સામે,ભરીમાતા રોડ ફુલવાડી ચોક) અને મોહમદ આસ્તાફ ઉર્ફે નવાઝ આરીફ શેખ (ઉ.વ-૨૦ વર્ષ ધંધો-ટાયર પાલીશ રહે-નેહરૂનગર ઝુપડ્ડપટ્ટી,મદીના મસ્જીદ સામે,ભરીમાતા રોડ ફુલવાડી ચોક) ને પકડી ચોક પોલીસના હવાલે કર્યા હતા.