સુરત: (Surat) પાંડેસરા બમરોલી રોડ ખાતે ઝાડી ઝાખરામાંથી ગળુ કપાયેલી અજાણ્યા વ્યક્તિની નિર્મમ હત્યા (Murder) કરેલી લાશ (Dead Body) મળી હતી. પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં તપાસ કરીને મૃતકની ઓળખ કરી આરોપીને પણ ઝડપી પાડ્યા છે. મૃતકની પત્નીના પ્રેમીએ 50 હજારમાં તેની હત્યા કરવા માટે સોપારી આપી હતી.
પાંડેસરા મિલન પોઇન્ટ પાસે ગઈકાલે ઝાડી ઝાખરામાં એક અજાણ્યાની લાશ પડી હોવાનો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન ગયો હતો. પાંડેસરા પોલીસની પીસીઆર સ્થળ પર પહોંચી તો ગળુ કપાયેલી હાલતમાં લાશ પડી હતી. તિરૂપતી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના પ્લોટ નં.૧ માં આવેલા કારખાનાની પાછળ ખુલ્લી ઝાડી ઝાખરાવાળી જગ્યામાં આજુબાજુના ખાતામાં કામ કરતા ઘણાં કારીગરો એકઠા થયા હતા. મૃતકનું ગળું કપાયેલુ હતું, ડાબા હાથની એક આંગળી પર ઇજા હતી. પીઠ, ડાબા પડખાના ભાગે, બંને હાથે તથા ડાબા પગની જાંધના ભાગે ઇજાઓ જોવા મળી હતી. પોલીસ તપાસમાં મૃતકનું નામ પુરણ શાહુ (ઉ.વ.35) હોવાનું ધ્યાને આવ્યું હતું. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
નાયબ પોલીસ કમિશ્નર વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન અને પાંડેસરા પીઆઈ એન.કે.કામળીયાની સૂચનાથી તેમની ટીમ કામે લાગી હતી. અને ડિસ્ટાફ પીએસઆઈ ડી.ડી.ચૌહાણની ટીમે સીસીટીવી ફંફોસવાનું ચાલું કરી દીધું હતું. અને ગુનામાં સંડોવાયેલા આરોપી રાકેશ રામખિલાવન કેવટ (ઉ.વ.૩૦, ધંધો- બોબીન ભરવાનુ રહે. નેમનગર ગુ.હા.બોર્ડ પાંડેસરા તથા મુળ બાંદા, યુપી) ને પકડી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા યુવકની હત્યા તેની સાથેના અન્ય આરોપીઓ સાગર ખંડવાલ, સંતોષ મહંતી, જીતેન રૂપાલેએ કરી હતી.
દારૂ પીવા બેસાડ્યો અને ચારેય જણાએ રહેંસી નાખ્યો
લાશની આજુબાજુમાં પેપરની એઠી ડિસો, પ્લાસ્ટીકના આશરે ચાર ખાલી ગ્લાસો, ઠંડા પીણાની નાની ગ્રીન કલરની ખાલી ચારેક બોટલો તેમજ પાણીની ખાલી નાની બોટલો, તેમજ એક સ્ટીલ જેવી ધાતુનું નાનુ ટીફીન, રીંગમાં ભરાવેલી બે ચાવીઓ પડેલી હતી. મૃતકને દારૂ પીવા બેસાડી તેની સાથે દારૂ પીતા ચારેય જણાએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી રહેસી નાખ્યો હતો.
પત્નીના અનૈતિક સંબંધની પતિને જાણ થઈ જતા પ્રેમીએ 30 હજાર એડવાન્સ આપી સોપારી આપી
ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આરોપીઓની પુછપરછ કરતા મૃતક પુરણ ગુડ્ડ શાહુ (રહે. તુલશી ધામ સોસાયટી પાંડેસરા તથા મણીનગર પાંડેસરા મુળ મધ્યપ્રદેશ) ની પત્ની સંગીતા સાથે અજયકુમાર અશોકકુમાર મૌર્ય (ઉ.વ.૨૭ ધંધો- પ્લાઇવુડનુ કામ રહે.પ્લોટનં-૨૪૨ તૃપ્તીનગર મીલન પોઇન્ટ પાસે પાંડેસરા) ના અનૈતિક સંબંધ હતા. પુરણને આ અંગે જાણ થતા અજયને ઠપકો આપ્યો હતો. જે દાજ રાખી અજય મૌર્યાએ તેના મિત્ર હરીશંકર રામસામુદ મૌયાને પુરણની હત્યા કરવા માટે રૂપિયા 50 હજારમાં સોપારી આપી હતી. જે માટે 30 હજાર એડવાન્સ આપ્યા હતા. અને બાકીના રૂપિયા હત્યા થાય પછી આપવાનું કહ્યું હતું.
મૃતક સાથે મિત્રતા કેળવી ચારેક દિવસ દારૂની પાર્ટી કરી હતી
પોલીસ ઇન્સપેક્ટર એન.કે.કામળીયાએ જણાવ્યું હતું કે, હરીશંકરે પકડાયેલા ચારેય આરોપીઓને સોપારી આપી હતી. તેની હત્યા કરવા માટે રૂપિયાની લાલચ આપી 40 હજારમાં સોપારી આપી હતી. ચારેય આરોપીઓએ પહેલા મૃતક પુરણ સાથે મિત્રતા કેળવી હતી. મૃતક ખાવા પીવાનો શોખીન હોવાથી તેની સાથે ચાર પાંચ દિવસ દારૂની મહેફિલ કરી હતી. ગઈકાલે રાત્રે પણ હત્યા કરવાનો પ્લાન બનાવી પુરણને તિરૂપતિ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના પ્લોટ નં.૦૧ માં આવેલ કારખાનાની પાછળ ખુલ્લી ઝાડી ઝાખરાવાળી જગ્યામાં બોલાવ્યો હતો. અને ચારેય આરોપીઓએ તેને તિક્ષ્ણ હથીયાર ચપ્પુ વડે ગળુ કાપી નાખી ત્યાજ મુકી હત્યા કરી નાશી ગયા હતા.