સુરત : કતારગામમાં (Katargam) રહેતો રત્નકલાકાર લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યા છે. આ ચીટર ટોળકીએ રત્નકલાકારની પાસેથી 1.08 લાખ પડાવી લીધા બાદ ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ (Police Complaint) થઇ હતી. આ યુવકને વડોદરાના (Vadodra) વાઘોડિયામાં એક યુવતીએ શિકાર બનાવીને ટૂકડે ટૂકડે રૂા.1.08 લાખ પડાવી લીધા હતા, આ યુવતી બિમાર હોવાનું નાટક કરીને ઘરે ગયા બાદ પરત આવી ન હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દુદાણા ગામના વતની અને સુરતમાં કતારગામ જે.કે.પી. નગરમાં રહેતા જીતુભાઇ વાલજીભાઇ માંડવીયાનો દોઢ વર્ષ પહેલા માસીયાઇ ભાઇ યોગેશભાઇની સાસુ કપીલાબેન કરજણથી સુરત આવ્યા હતા ત્યારે તેઓને લગ્નની વાત કરી હતી. કપીલાબેનએ જીતુભાઇનો સંપર્ક યુસુફભાઇ સાથે કરાવ્યો હતો. યુસુફભાઇએ રૂપિયા આપીને યુવતી સાથે લગ્ન કરીને રજીસ્ટર્ડ કરવાની વાત કરી હતી અને લગ્નબાદ જો યુવતી ભાગી જાય કે પરત નહીં આવે તો રૂપિયા પરત આપવા તેમજ છોકરી પરત લાવી આપવાનો વિશ્વાસ આપ્યો હતો.
સને-2020માં જીતુભાઇ તેમના પિતા સાથે વડોદરાના વાઘોડિયા પાસે મેલસીંગભાઇનો સંપર્ક કરીને તેઓને મળવા ગયા હતા અને ત્યાં તેઓ શીતલ નામની યુવતીને મળ્યા હતા. શીતલ અને જીતુએ એકબીજાને પસંદ કરતા મેલસીંગએ રૂા.1.30 લાખ આપવાના થશે તેમ કહ્યું હતું. આખરે મામલો રૂા.1.20 લાખમાં નક્કી થયો હતો. જેમાં શરૂઆતમાં યુસુફભાઇ અને સવિતાબેનને ખરીદી પેટે રૂા.20 હજાર તેમજ અન્ય ખર્ચા મળીને કુલ્લે 1.32 લાખ આપ્યા હતા.
લગ્ન થઇ બાદ સુરત આવેલી શીતલે અન્ય લોકો સાથે વીડિયોકોલ અને ફોનમાં વાત કરવાનું શરૂ કર્યું હતું. જીતુભાઇએ લગ્નના સર્ટિફિકેટ માટે કહેતા શીતલ અને તેની માતા કમલાબેન બહાના બતાવતા હતા અને બાદમાં શીતલ બિમાર હોવાનું નાટક કરીને ઘરે જતી રહી હતી. શીતલે જીતુભાઇને ગીફ્ટ માટે કહેતા તેઓએ ચાંદીના દાગીના લઇ આપ્યા હતા. આ તમામ વસ્તુઓ લઇને શીતલ તેના ઘરે જતી રહી હતી. ત્યારબાદ ગત શિવરાત્રી, ઉત્તરાયણના તહેવારમાં આવવાનું કહીને તે પરત આવી ન હતી. રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતા શીતલની માતા કમલાબેન અને યુસફભાઇએ રૂા.24 હજાર પરત આપ્યા હતા અને બાકીના રૂા.1.08 લાખ આપ્યા ન હતા. જે અંગે કતારગામ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.