SURAT

હું ચાલવા જાઉં છું.. કહીને સુરતના આ વિસ્તારનો કિશોર ઘરેથી નિકળ્યો અને..

સુરત: (Surat) ગોડાદરામાં રહેતો 17 વર્ષિય સગીર નીચે ચાલવા જાઉ છું કહીને ઘરેથી ચાલ્યો ગયો હતો. લાંબા સમય સુધી તે ઘરે નહીં આવતા પરિવારે અપહરણની (Kidnapping) ફરિયાદ આપી હતી. આ સગીર કડોદરા વિસ્તારમાં મળી આવ્યો હોય સુરતમાં રહેતો પરિવાર કડોદરા પહોંચીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરતના ગોડદાર વિસ્તારમાં રહેતા 17 વર્ષિય કિશન (નામ બદલ્યુ છે) રવિવારે પોતાના પરિવાર સાથે ઘરે જ હાજર હતો. સાંજના સમયે કિશનના પિતા ભેલ લેવા માટે ગયા હતા અને સાંજે ભેલ લઇને પરત આવ્યા ત્યારે કિશન હાજર હતો નહીં. તેના પિતાએ ઘરમાં પુછપરછ કરતા ખબર પડી કે, કિશન નીચે ચાલવા માટે જાઉ છું કહીને ગયા બાદ પરત આવ્યો જ નથી. રાત્રીના 11 થી 12 વાગવા છતાં પણ કિશન ઘરે આવ્યો ન હતો. આજુબાજુમાં તપાસ કરતા તે મળી આવ્યો ન હોય આખરે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ગોડાદરા પોલીસે કિશનના ગુમ થવા અંગે ફરિયાદ લઇને વધુ તપાસ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કિશન કડોદરા પોલીસ મથક વિસ્તારમાં મળી આવ્યો હોવાની વિગતો મળી હતી. કડોદરા પોલીસે સુરત પોલીસનો સંપર્ક કરીને પરિવારને જાણ કરી હોવાનું ગોડાદરા પોલીસે કહ્યું છે.

અકસ્મતાની સારવાર કરાવવા વિદ્યાર્થીની નવી સિવિલ પહોંચી અને બે કલાક સુધી અટવાઈ
સુરત: ગોડાદરા વિસ્તારની 16 વર્ષિય વિદ્યાર્થીનીને અકસ્માતમાં બંને પગના ભાગે ઇજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં તેણી સારવાર વગર બે કલાક સુધી અટવાઇ હતી. ઓર્થો વિભાગ અને સર્જરી વિભાગના તબીબોએ વિદ્યાર્થીનીને રઝળાવી હતી. ઓર્થોમાંથી તબીબોએ તેણીને સર્જરી વિભાગમાં જવા જ્યારે સર્જરીમાંથી તેણીને ઓર્થો વિભાગમાં જવાનું કહેવાતા વિદ્યાર્થીની અટવાઇ હતી. અંતે આરએમઓને આ અંગે જાણ થતા વિદ્યાર્થીનેને તાત્કાલિક દાખલ કરાવડાવી હતી.

નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગોડાદરા આસપાસ વિસ્તારનાં ગોપાલનગરમાં રેહતી 16 વર્ષિય સુભાંગી રવિન્દ્રકુમાર સિંગ (ઉ.વ.16) આજે સવારે 6 વાગ્યે ડિંડોલી ખાતે આવેલી માતૃભુમિ વિદ્યાસંકુલ શાળાએ જવા માટે ઘરેથી નિકળી હતી. તેણી લિંબાયત મંગલપાંડે હોલ બ્રીજ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેણીને અડફેટે લીધી હતી. તેણીને પહેલા ડિંડોલીની એક ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લવાઇ હતી. જ્યાં ઇમરજન્સી વિભાગમાંથી કેસ પેપર કઢાવ્યા બાદ તેણીને પહેલા ઓર્થો વિભાગમાં મોકલાઇ હતી. ઓર્થો વિભાગના રેસીડન્ટો દ્વારા તેણીને સર્જરીમાં મોકલાઇ હતી. ત્યાંથી તેણીને પરત ઓર્થોમાં જવાનું કહેતા વિદ્યાર્થી બે કલાક અટવાઇ હતી. આ સમગ્ર બાબતે નવી સિવિલ હોસ્પિટલનાં આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે, સીએમઓ ડો.મંડલને આ બાબતે જાણ કરવામાં આવ્યા બાદ તેમણે તાત્કાલિક વિદ્યાર્થીનીને દાખલ કરાવડાવી તેની આગળની સારવાર શરૂ કરાવી હતી.

Most Popular

To Top