SURAT

સરથાણા જકાતનાકા પર ધો. 10 બોર્ડનો વિદ્યાર્થી ઉદાસ ચાલી રહ્યો હતો ત્યારે બની આવી ઘટના

સુરત: રાજ્યમાં ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષાઓનો આજે તા. 14મી માર્ચથી પ્રારંભ થયો છે. સુરતમાં 1.60 લાખ સહિત રાજ્યભરમાં 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે. સવારે 10થી 1 દરમિયાન ધો. 10ની પરીક્ષાઓ શરૂ થઈ હતી.

જીવનની પહેલી મોટી કસોટી આપતા ધો. 10 બોર્ડના વિદ્યાર્થીઓ માટે વહીવટી તંત્ર દ્વારા અનેક સેવાઓ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ બિમાર થાય તો 108 અને આરોગ્ય કેન્દ્રની ટીમો ખડેપગે રાખવામાં આવી છે, તો બીજી તરફ પોલીસ તંત્ર પણ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા સતત ચિંતિત છે. સુરત પોલીસ દ્વારા ટ્રાફિકમાં અટવાતા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. વિશેષ સાઈરન વાળી બાઈક પર બેસાડી પરીક્ષાર્થીઓને કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે. જોકે, જે વિદ્યાર્થી કે વાલી સંપર્ક કરે ત્યારે પોલીસ તેની મદદ કરે તેવી વ્યવસ્થા છે, પરંતુ સુરતના સરથાણા વિસ્તારમાં એક પોલીસ કર્મીએ સામે ચાલીને વિદ્યાર્થીને મદદરૂપ થઈ ફરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સુરત શહેર પોલીસે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરી. જમણે સરથાણાના માનવ દવે અને ડાબે કિન્નરી વિસ્તારના પઠાણ અલી રજા આરીફ ખાન.

આજે સવારે સરથાણા જકાતનાકા વિસ્તારમાં સવારે 9.16 કલાકે દવે માનવ કિશોરભાઈ નામનો વિદ્યાર્થી ચાલતો જઈ રહ્યો હતો. તે ઉદાસ જણાતો હતો. મનમાં નિરાશા સાથે તે વિદ્યાર્થી ધીમા ડગલાં માંડી રહ્યો હતો ત્યારે સરથાણા જકાતનાકા પર ફરજ બજાવતા લોકરક્ષક ઈમ્તિયાઝ નુરાભાઈ ચોકિયાની તેની પર નજર પડી હતી. વિદ્યાર્થીના ચહેરાની ઉદાસી જોઈ લોકરક્ષક ઈમ્તિયાઝ તેની પાસે દોડી ગયો હતો અને નિરાશાનું કારણ પૂછ્યું હતું.

ત્યારે માનવ દવેએ કહ્યું કે, પરીક્ષા આપવા જવું છે અને મને મોડું થઈ ગયું છે. મારી પાસે કોઈ વાહન નથી. રીક્ષામાં જવા માટે રૂપિયા નથી. કોઈ મુકવા આવે તેમ પણ નથી. વિદ્યાર્થીની વાત સાંભળી તેની મદદ કરવાનો નિર્ણય લોકરક્ષક ઈમ્તિયાઝે લીધો હતો અને પોતાની બાઈક પર બેસાડી પરીક્ષાર્થીને સરથાણા જકાતનાકાથી નાના વરાછા સ્થિત કૌશિક વિદ્યાલય પહોંચાડ્યો હતો. તેના લીધે પરીક્ષાર્થી સમયસર સ્કૂલે પહોંચી શક્યો હતો.

સુરતમાં પોલીસે ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી પહોંચાડ્યા
બોર્ડની પરીક્ષાને લઈને સુરત શહેર પોલીસ પણ ખડેપગે છે. પોલીસે ઈમરજન્સી કોલની સુવિધા કાર્યરત રાખી છે. તેમજ ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી પહોંચાડવાની કામગીરી પણ કરી રહી છે. કિન્નરી વિસ્તારમાં રહેતા પઠાણ અલી રજા આરીફ ખાન નામના ધો. 10ના વિદ્યાર્થીનું વનિતા વિશ્રામ પર પરીક્ષા કેન્દ્ર આવ્યું હતું. સવારે રિંગરોડ પર કાપડ માર્કેટ અને અન્ય ઓફિસોને લીધે ભારે ટ્રાફિક સર્જાતો હોય છે. આ વિદ્યાર્થીએ પોલીસની મદદથી સ્કૂલ જવાનું નક્કી કર્યું હતું. સુરત શહેર પોલીસે સાયરન વાળી બાઈક પર તેને સ્કૂલ સુધી પહોંચાડ્યો હતો, તેથી તે સમયસર સ્કૂલ પર પહોંચી શક્યો હતો. વિદ્યાર્થી પઠાણ અલી રજા આરીફ ખાને કહ્યું કે, પોલીસની કામગીરી ખરેખર સરાહનીય છે. હું પણ મોટો થઈને પોલીસ બની આ જ રીતે લોકોની સેવા કરવા માંગુ છું.

Most Popular

To Top