સુરત: (Surat) પીપલોદમાં હોસ્પિટલના પાર્કિંગમાં ઇકો સેલના કોન્સ્ટેબલની સાથે મારામારી કરી ઉમરા પોલીસમાં (Police) માથાકૂટ કરનાર ટેક્સટાઇલ વેપારી યુવકના મોબાઇલમાંથી ચરસનો (Hashish) વીડિયો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આ યૂવકની સ્કોડા ગાડીમાંથી રૂા. 17 હજારની કિંમતનું ચરસ પણ મળી આવ્યું હતું. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ પહેલા ઇકો સેલના કોન્સ્ટેબલ પત્નીને લઇને કારગીલ ચોક પાસે અરોરા હોસ્પિટલમાં ગયા હતા. અહીં ઘોડદોડ રોડ ઉપર સંસ્કાર ફ્લેટમાં રહેતા આર્યન સંતોષભાઇ કંધારીની સાથે મોપેડ અને બુલેટ અથડાવવાની વાતે માથાકૂટ થઇ હતી. જેમાં આર્યને કોન્સ્ટેબલને મોંઢાના ભાગે લોખંડનુ કડુ મારી દેતા દાંત તૂટી ગયો હતો. બનાવ અંગે આર્યનની સામે ગુનો નોંધાયો હતો.
આ દરમિયાન આર્યનને ઉમરા પોલીસ મથકે લાવવામાં આવતા આર્યન અને તેના માતા-પિતાએ ઉમરા પોલીસમાં જ માથાકૂટ કરીને દાદાગીરી કરી હતી. જેને લઇને આર્યનની સામે ફરજમાં રૂકાવટનો બીજો ગુનો નોંધાયો હતો. આ દરમિયાન પોલીસે આર્યનનો મોબાઇલ ફોન કબજે લઇને તપાસ કરતા તેમાંથી ચરસનો વીડિયો મળી આવ્યો હતો. પોલીસે આ બાબતે પુછપરછ કરતા આર્યનની સ્કોડા રેપીડ કારમાંથી રૂા. 17910ની કિંમતનું કેનાબીસ ચરસ મળી આવ્યું હતું. પોલીસે આર્યનની સામે ગુનો નોંધીને આ ચરસનો જથ્થો આપનાર યશ ઉર્ફે પ્રિન્સ (રહે. પીપલોદગામ)ને વોન્ટેડ જાહેર કરીને તપાસ શરૂ કરી છે.
આર્યનની સામે કુલ્લે ત્રણ ગુના નોંધાયા : હવે એનડીપીએસના કેસમાં ધરપકડ થશે
પોલીસના જણાવ્યા પ્રમાણે આર્યનની સામે સૌપ્રથમ પોલીસ ઉપર મારામારીનો ગુનો નોંધાયો હતો, ત્યારબાદ પોલીસ મથકે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો હતો અને આખરે ચરસ મળી આવતા નાર્કોટીક્સ એક્ટ મુજબ ત્રીજો ગુનો નોંધાયો હતો. પોલીસની સાથે મારામારીના ગુનામાં આર્યનને કોર્ટમાં રજૂ કરી દેવાયો છે. હવે આગામી દિવસોમાં આર્યનની નાર્કોટિક્સના કેસમાં પણ ધરપકડ કરવામાં આવશે.