સુરત: (Surat) રાંદેર ખાતે મધરાતે પેસેન્જરની રાહ જોઈ રહેલા રીક્ષા ચાલકને (Rickshaw Driver) બોગસ પોલીસ બનીને આવેલા અજાણ્યાએ પોલીસ સ્ટેશન (Police Station) લઇ જવાના બહાને બાઇક પર બેસાડ્યો હતો. અને અંધારામાં 1700 રૂપિયા પડાવી લીધા હતા.
- ‘ચુપચાપ જતો રહે નહીં તો મારી નાંખીશ’ રીક્ષા ચાલકને ડુપ્લિકેટ પોલીસે લૂંટી લીધો
- પોલીસ હેરકટમાં આવેલા યુવાને ડી સ્ટાફમાં છું કહી ચેક કરવાના બહાને રાંદેરમાં પેસેન્જરની રાહ જોતા રીક્ષા ચાલક સાથે ખેલ કર્યો
રાંદેર પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર જકાનાકા ખાતે વિદ્યાકુંજ સ્કૂલ સામે સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતા 58 વર્ષીય મુકુલ રતીલાલ રાણા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 3 એપ્રિલે મધરાતે પોતાની રીક્ષા (જીજે- 5 વીવી- 6067) લઇ રાંદેરના રોકેટ સર્કલ પાસે ઉભા હતા. ત્યારે બાઇક પર સાદા કપડામાં પોલીસ જેવી હેરકટ વાળો એક અજાણ્યો આવ્યો હતો. આ અજાણ્યાએ મુકુલભાઇને કડકાઇથી અહીં કેમ ઉભા છો ? તેમ પુછતા મુકુલભાઇએ પેસેન્જરની રાહ જોતા હોવાનું કહ્યું હતું.
અજાણ્યાએ “હું રાંદેર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં છું, તને ચેક કરવો પડશે અને પોલીસ સ્ટેશન લઈ જવો પડશે એમ કહી બાઇક પર બેસાડીને રાંદેર રોડ ગોરાટ મંદિર તરફ જવાના રોડ પર રાયન સ્કૂલ નજીક લઇ ગયો હતો. જ્યાં અંધારાનો લાભ લઇ ચેક કરવાના બહાને પર્સમાંથી રોકડા 1700 રૂપિયા કાઢી લીધા હતા. મુકુલે વિરોધ કરતા ચુપચાપ જતો રહે નહીં તો મારી નાંખીશ તેવી ધમકી આપી નીકળી ગયો હતો. આ અંગે રીક્ષા ચાલકે રાંદેરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.